જૂની પેઢીના તમામ લોકો તેમની નવી પેઢી માટે એમ માનવા લાગ્યા છે કે અમારાથી જે અને જેટલું થયું એટલું તમારાથી થશે નહિ...! રાજ્યના સ્થાપના દિને આંશિક આત્મદર્શન...!
આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન છે. આપણે ત્યાં જે કેટલાક ઉત્સવોનો સૌથી ઓછો મહિમા છે તેમાં આજનો દિવસ આવે છે. આ જ કારણ છે કે ગુજરાતમાં કદી કોઇ પ્રાદેશિક રાજકીય પક્ષ હોવાનો નહિ અને હોય તો તો એ સફળ જવાનો નહિ. જે પ્રજાની નજર સતત આંતરરાષ્ટ્રીય ક્ષિતિજો તરફ હોય અને દરેક શેરીમાં વિદેશ જવા ઝંખતા યુવાપંખીઓ સતત પાંખો ફફડાવતા હોય ત્યાં કુંઠિત પ્રદેશવાદના બીજ કદી પાંગરે નહિ.
અને છતાં પોતાપણા માટે ગુજરાતીઓને એમ તો કોઇ પહોંચી શકે નહિ. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યો હજુ આજેય એવા છે જ્યાં પ્રદેશવાદ પાંગરતો જ નથી. ગુજરાતના ઈતિહાસની ભવ્યોજ્વલ વાતોમાં પ્રજાના સંઘર્ષ અને એમાંથી બહાર આવવાની એની અદ્વિતીય કળાના ખજાનાઓ છુપાયેલા પડયા છે. આજે ગુજરાત સંયોગોના એક વિશિષ્ટ ત્રિભેટે એટલે કે ક્રોસરોડ પર ઊભું છે.
કેટલાક એવા નવા પડકારોએ ગુજરાતના સામાજિક-કૌટુંબિક જીવનમાં મુંઝવણો ઊભી કરી છે કે જૂની પેઢીના તમામ લોકો તેમની નવી પેઢી માટે એમ માનવા લાગ્યા છે કે અમારાથી જે અને જેટલું થયું એટલું તમારાથી થશે નહિ. તેમના ઉદગારો સાવ તો નિરાધાર નથી. કારણ કે જૂની પેઢીએ વીસ વર્ષની વય આસપાસ રોટલો રળવાની ને ત્રીસેક વરસ સુધીમાં તો ઓટલો બાંધવાની કુશળતા કેળવી લીધી હતી. આજે પચીસથી ત્રીસ વરસની વય વચ્ચે રોજગારી માટે અહીંથી તહીં ફંગોળાતા યુવાવર્ગને સહુ નજરે જોઇ શકે છે.
ગુજરાતી વાલીઓ અગાઉ પોતાના પર બહુ મુસ્તાક હતા કે અમે અમારા સંતાનોને ગમે ત્યારે ગમે ત્યાં રમતા રમતા 'લાઇને ચડાવી' દઇશું. હવે એવું અભિમાન વ્યક્ત કરતા પહેલા થોડો વિચાર કરવો પડે એમ છે. કારણ કે પોતાનો રાજકુમાર હાલ કયા સ્વપ્નલોકના કયા ઝોનમાં છે એ પહેલા જાણવું પડે છે.
વાલીઓ ધારે છે એમ અને સંતાનોને સલાહ આપે છે એમ કંઇ થતું નથી, થવાનું નથી. આવતીકાલે ઘરની જવાબદારી જેના પર આવવાની છે એ સંતાનો આજે થોડા નિષ્ફિકર અને પ્રમાદી દેખાય છે. જો તેમની આવી વૃત્તિ ચાલુ રહેશે તો દિગદિગન્તમાં ગુજરાતીઓની જે વાણિજ્ય પ્રતિષ્ઠા છે તે એકાદ દાયકામાં ધ્વસ્ત થઇ જશે.
આજકાલ ગુજરાતનું જનજીવન કેટલાક પડકારોનો સામનો કરી રહ્યું છે. આ એવા પ્રશ્નો છે કે એમાં રહેલી હકીકતોને યોગ્ય રીતે રાગે પાડવામાં નહિ આવે તો માત્ર એક જ દાયકામાં આપણો આ ગૌરવમય મહિમામંડિત વતન પ્રદેશ પ્રથમ આર્થિક અને પછી સામાજિક રીતે વિચ્છિન્ન થઇ જશે.
(૧) આ પડકારોમાં એક પડકાર છે દંભ, દેખાડો, દેખાદેખીનો ! હવે જ્યારે સાર્વત્રિક રીતે રાજ્યની પ્રજાની આર્થિક સ્થિતિ સંકટમાંથી પસાર થઇ રહી છે ત્યારે સમાજના પાંચ ટકા લોકો જાજરમાન પ્રસંગોને જોઇને ઉચ્ચ મધ્યમ અને મધ્યમ વર્ગ પણ ઠાઠ-ભપકા કરવામાં જે રીતે તાણાતો જાય છે અને પોતાની ક્ષમતાથી અનેકગણો અધિક ખર્ચ ઊઠાવીને શુભપ્રસંગો યોજે છે તેને કારણે એ પરિવારમાં આર્થિક ભૂકંપ આવતો હોય છે અને એના ખરા કંપન તો એ પરિવારના મોભીના હૃદયમાં જ અનુભવાતા હોય છે.
સમાજનો એક બહુ મોટો વર્ગ એવી મૂર્ખતાનો શિકાર બન્યો છે કે તેઓ એમ માને છે કે સાદગી એટલે ગરીબાઇ ! તેઓને ખબર જ નથી કે સાદગી એટલે આત્મગૌરવ જાળવવાની ખાતરી, અઢળક નાણાંની બચત અને સંતાનોના ભવિષ્યનું વ્યવસ્થિત પ્રોવિઝન. ક્ષમતા વિના જે પરિવારો શુભપ્રસંગોમાં પૈસા ઢોળી નાંખે છે, એ પરિવારે ભવિષ્યમાં એ જ ઢોળાયેલા નાણાં શોધવા જવાના દિવસો આવે છે. જો ગુજરાતી સમાજ દંભ દેખાડા અને દેખાદેખીથી તથા વ્યર્થ ખર્ચનો ઈન્કાર કરતા નહિ શીખે તો હજુય આ પ્રજાના કુલ તો કરોડો રૂપિયા દરેક લગ્નસરાની મોસમમાં કાળના પ્રવાહમાં વહી જશે.
(૨) ગુજરાતી પ્રજાનો સમય હવે બિનઉત્પાદકીય વધુ અને સર્જનાત્મક ઓછો દેખાય છે. મોબાઇલ ફોન સારામાં સારી સગવડ છે, આ સગવડને સુખ માનીને એમાં ડૂબકી મારનારાઓ બહાર આવી શકતા નથી. તેઓ જ્યારે જાગશે ત્યારે નરસૈંયો કહે છે તેમ જાગીને જોઉં તો જગત દિસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે જેવી સ્થિતિ થશે.
જે લોકો મોબાઇલ મનોરંજનના બહાને અટપટા ભોગમાં ફસાયેલા છે, તેઓ જ્યારે પણ બે-પાંચ વરસે જાગશે ત્યારે ખરેખર તેમને આ જગત દેખાશે નહિ, કારણ કે આ દુનિયામાં પોતાની દુનિયા બનાવી લેવાનો સુવર્ણયુગ તેઓએ બેહોશીમાં ગુમાવી દીધો હશે. ગુજરાતના સમાજના એક મોટા સમુદાયના સમયને મનોરંજન અને સોશ્યલ મીડિયાની આત્યંતિક ઘેલછા કોરી ખાઇ રહી છે. એમાં પ્રમાણભાન જાળવવું એ દરેક એન્ડ્રોઇડ છાપ ગુજરાતી માટે મોટો પડકાર છે.
(૩) હજુય શાળા અને કોલેજો પર વિશ્વાસ રાખીને મહામૂલ્યવાન વરસોને વીતી જવા દેતા લોકો દેખાય છે. હાઇસ્કૂલમાં ગયા પછી જે વિદ્યાર્થી દર રવિવારે, કંઇક આપ કમાઇ ન કરે અને કોલેજમાં ગયા પછી જે સંતાનો નાની પાર્ટટાઇમ જોબ ન કરે એનું કોઇ જ ભવિષ્ય નથી. આપણે ત્યાં શાળા-કોલેજ સંચાલકોએ ઢોલ વગાડીને સામાન્ય 'એજ્યુકેશન' શબ્દને એટલો મોટો કરી દીધો છે કે એની નિરર્થકતા જાહેર થઇ ગઇ હોવા છતાં વાલીઓ એની એ જ પુરાણી સિસ્ટમમાં વિશ્વાસ રાખીને બેઠા છે.
ખરેખર મોટો શબ્દ તો જોબ છે. અમેરિકા અને યુરોપમાં તો કોઇને એમ પૂછવું કે તમે શું ભણો છો ? - એ એમનું અપમાન છે. ત્યાંના કિશોરોથી યુવાનો સુધીના સહુુના કાને જોબ શબ્દ જ વારંવાર અથડાયા કરે છે. જો બહુ જ ટૂંકાગાળામાં ગુજરાતી પ્રજા શિક્ષણ પરના તેના અતિશય ફોકસને બદલાવીને સંતાનોને વહેલા રૂપિયો રળતા નહિ શીખવે તો એમને બેઠા ઘાટે સ્નાતક થયા પછી ક્યાંય જોબ નહિ મળે. ગુજરાતી વાલીઓ અને યુવાવર્ગ માટે સૌથી મોટો પડકાર જોબ ઓરિએન્ટેશનનો છે.
(૪) ગુજરાતીઓની બચતોનું બહુવિધ રીતે ધોવાણ થયું છે અને હજુ થતું રહે છે. બેન્કોમાં ફિક્સ ડિપોઝિટ મૂકનારાઓની તુલનામાં મૂકેલી ડિપોઝિટને અપરિપકવ સમયે તોડનારા ખાતેદારોની સંખ્યા બહુ વધારે છે. છેલ્લા આઠ-દસ વરસથી ગુજરાતના સમાજજીવનમાં આ ક્રમ ચાલે છે. અગાઉનો ગુજરાતી સમાજ બહુ જ અલ્પસાધને સુખ નીપજાવતો હતો. સવાર-સાંજ ટોળે વળીને સમગ્ર પરિવાર એક સાથે ભોજન કરતો.
હજુ એ ક્રમ બહુધા જળવાયો છે. અન્ન નોખા, એના મન નોખા એ જોખમ ગુજરાતીઓ જાણે છે. છતાં દરેક પરિવારનો બહાર જમવાનો અને ઘરે લાવવા તૈયાર ઓર્ડર આપવાનો ખર્ચ વધતો જાય છે. ગુજરાતી ગૃહિણીઓનો એક વર્ગ તો એવો છે જેઓ શૉપિંગ મેનિયા નામક મનોવૈજ્ઞાાનિક આપત્તિનો ભોગ બનેલો છે. ટેઇલર પાસે માપસરના કપડાં સિવરાવવા નવી પેઢીને પસંદ નથી, રેડીમેઇડ જ તેઓ ચાહે છે.
આવા ન દેખાતા અનેક રસ્તાઓ છે જ્યાં ત્રૈલોક્યમોહિની લક્ષ્મી ટુકડે ટુકડે વહી જાય છે અને બચત માટેની કોઇ શેષ રકમ માસાન્તે કે વર્ષાન્તે પરિવારના હાથમાં રહેતી નથી. ગુજરાતીઓએ પોતાની જૂની અને વિવિધતા સભર બચત પરંપરા તરફ પાછા વળવું પડશે. મોંઘવારીના બહાને ખાલસા થતા પર્સનલ ફાઇનાન્સને એણે પાટે ચડાવવું પડશે, નહિતર ગુજરાતની સ્વનિર્ભરતા અને સ્વાભિમાન ઘટશે, એથી તુરત પરાધીનતા વધશે.
(૫) આમ તો ગુજરાત સામેના ભીષણ પડકારો પ્રજાની સામે હારબંધ ઊભા છે. છતાં છેલ્લે વધુ એક ગંભીર પડકારનો ઉલ્લેખ કરી આજના ગુજરાત રાજ્ય સ્થાપના દિનના આપણા આંશિક આત્મદર્શન પર પરદો પાડીએ. યુવાપેઢી તરફ શરાબી વ્યસનનો અજગર ક્રમશઃ ભરડો લઇ રહ્યો છે.
તેઓ આ પ્રકારના વ્યસનને હાઇલાઇફ માને છે, જ્યારે કે ખરેખર હાઇલાઇફનો અર્થ છે આપકમાઇથી ભરયુવાનીએ સંપત્તિોનું સર્જન કરવું. જેઓ આ વ્યસનના રસ્તે છે તેઓ રંગદોષથી એ રવાડે ચડયા હોય છે અને આગળ જતાં ઘરનાં કરિયાણાનું બિલ પણ તેઓ ચૂકવી શકતા નથી. છાને પગલે ગુજરાતના યૌવન તરફ આવી રહેલી આ તબાહીને રોકવી એ પણ આજના ગુજરાત સામેનો એક મોટો પડકાર છે.
અભિનવ ગુજરાત હવે શિક્ષિત અને દીક્ષિત છે. છેલ્લા છ-આઠ વરસથી ગુજરાતનું અર્થતંત્ર કંઇક અંશે ઠેબે ચડેલું છે. પર્યાવરણ બદલાયું છે. નદીઓ માત્ર થોડી અને અન્ય તો નામ માત્રની રહી છે. પ્રકૃતિ તરફની પ્રીતિ હજુ કેળવાઇ નથી. જીભના ચટકાને કારણે ભેળસેળયુક્ત કે વાસી ખાદ્ય પદાર્થો પેટમાં પધરાવતા રહેવાની ટેવને કારણે પ્રજાનું આરોગ્યશાસ્ત્ર પણ અભરાઇ પર મૂકાઇ ગયું છે.
આશાના અત્યંત મહત્ત્વના કારણ અને કિરણ તરીકે એક જ વાત છે કે એક અદના ગુજરાતીમાં જે સમજણ છે તે દેશના અન્ય કોઇ પણ રાજ્યની પ્રજા પાસે નથી. જેને વિદ્વાનો વિઝડમ કહે, આત્મસૂઝ કે આપઆવડત કહે એ ડહાપણ તો ગુજરાતી પ્રજામાં હજુય વ્યક્ત કે અવ્યક્ત પણ છે તો શતદલપદ્મ સરીખું પ્રફુલ્લિત અને મહેકથી મુખરિત ! એ સમજણ એને હવે પછીના પંથનો પ્રવાસ અને એનો માર્ગ નક્કી કરી આપશે ! આ છે આપણી ગરવી-નરવી ગુજરાત !
અલ્પવિરામ


