અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રિમાં ફ્રી એન્ટ્રી બંધ!, સરકાર હસ્તગત કાર્યક્રમમાં ખેલૈયા પાસેથી રૂપિયા રળવાનો 'ખેલ' શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad GMDCVibrant Navratri 2026: વર્ષોથી અમદાવાદના આંગણે GMDC મેદાનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઉજવાતો 'વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ' અત્યાર સુધી આમ જનતા માટે વિનામૂલ્યે ગરબા માણવાનું એક શ્રેષ્ઠ માધ્યમ હતો. પરંતુ, આ વર્ષે રાજ્ય સરકારે ખેલૈયાઓને મોટો ઝટકો આપ્યો છે. પહેલા નોરતાના અપવાદને બાદ કરતા, બાકીના તમામ દિવસો માટે સરકારી આયોજનમાં 'ટિકિટ વિના પ્રવેશ નહીં' તેવો તઘલખી નિર્ણય છૂપી રીતે લેવાયો છે. કારણ કે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ 'બુક માય શો' પર ટિકિટનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, 23 વર્ષ સામાન્ય લોકો માટે ફ્રીમાં ચાલતા ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વને કમાણીનું સાધન બનાવવાની જરૂર કેમ પડી ગઈ? કોંગ્રેસ પાર્ટી તરફથી પણ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં આસ્થા, સંસ્કૃતિ અને લાગણીનું વ્યાપારીકરણ થયું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

બુક માય શો' પર હાલમાં બુકિંગ શરૂ
માતાજીની આરાધના કરવા કે ગુજરાતની ઓળખ સમાન ગરબા જોવા માટે પણ હવે નાગરિકોએ ઓનલાઈન પ્લેટફોર્મ 'બુક માય શો' પર જઈને પોતાના ખિસ્સા ખાલી કરવા પડશે. પ્રાઇવેટ પાર્ટી પ્લોટના આયોજકોની જેમ જ સરકારે પણ મેદાનને અલગ અલગ ઝોનમાં વહેંચી દીધું છે. સામાન્ય લોકો માટે 'સેલિબ્રેશન ઝોન' અને પૈસા ખર્ચી શકતા વર્ગ માટે સ્ટેજની નજીક 'પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન' ઊભો કરાયો છે.

વાઈબ્રન્ટ નહીં 'વેપાર' માટે નવરાત્રિ મહોત્સવ! પાસની ફી પાંચમા નોરતા પછી બમણી
સરકારના વાઈબ્રન્ટ નહીં 'વેપાર'ના નવરાત્રિ મહોત્સવના પાસના આંકડા સામાન્ય અને મધ્યમ વર્ગ માટે આંચકાજનક છે. બીજાથી પાંચમા નોરતા દરમિયાન સામાન્ય 'સેલિબ્રેશન ઝોન'માં એન્ટ્રી લેવા વ્યક્તિ દીઠ રૂપિયા 100 અને ગ્રુપ માટે રૂપિયા 300 થી 600 ચૂકવવા પડશે. જ્યારે VIP સુવિધા વાળા 'પ્રીમિયમ ઝોન'નો ચાર્જ વ્યક્તિ દીઠ રૂપિયા 200 અને ગ્રુપ દીઠ 600 થી 1200 રહેશે. નવાઈની વાત એ છે કે છઠ્ઠા નોરતાથી આ ભાવ સીધા બમણાંથી પણ વધુ કરી દેવાયા છે! અંતિમ દિવસોમાં સેલિબ્રેશન ઝોન માટે રૂપિયા 250 (ગ્રુપ માટે 750-1500) અને પ્રીમિયમ ઝોન માટે અધધ 500 (ગ્રુપ માટે 1500-3000) ખર્ચવા પડશે.

ખેલૈયાઓમાં ભારે નારાજગી
એક તરફ સરકાર ગુજરાતની ગરબા સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર પ્રમોટ કરવાના મોટા મોટા દાવા કરે છે, અને બીજી તરફ પોતાના જ રાજ્યના નાગરિકો પાસેથી ગરબા રમવા કે જોવા માટે ભારેખમ ઉઘરાણી કરી રહી છે. વર્ષોથી ફ્રી ચાલી આવતા આ સરકારી અને લોકોની આસ્થા અને ગુજરાતની ગરિમા સાથે જોડાયેલા કાર્યક્રમમાં વ્યવસાયિકતાનો આ ખુલ્લો પ્રવેશ ખરેખર નિરાશાજનક છે. શું પ્રવાસન વિભાગ પાસે બજેટ ખૂટી પડ્યું છે કે પછી આ તહેવારને માત્ર નફો રળવાનું માધ્યમ માની લેવામાં આવ્યું છે? સામાન્ય જનતા માટે આ નિર્ણય અત્યંત અન્યાયી છે અને તેનાથી ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું- 'આસ્થા, સંસ્કૃતિ અને લાગણીનું વ્યાપારીકરણ'
'વાઇબ્રન્ટ નવરાત્રીનો વાઇબ્રન્ટ વેપાર. આસ્થા, સંસ્કૃતિ અને લાગણીનું વેપારીકરણ. ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા જે વાઇબ્રન્ટ નવરાત્રીનો ઉત્સવ અમદાવાદમાં ઉજવાતો હતો, હવે તેની ગરીબ અને મધ્યમ વર્ગ જોડે ફી લેવામાં આવશે, પાસ વેચવામાં આવશે. ખાનગી ક્લબો અને ખાનગી પાર્ટી પ્લોટોમાં જે પ્રકારે ગરબાનું વેપારીકરણ થઈ ગયું છે, હવે સરકાર દ્વારા પણ એ જ દિશામાં પગલાં લેવાઈ રહ્યા છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડના પાસીસ આજે બુક માય શો પર વેચાઈ રહ્યા છે. 100 રૂપિયા, 250 રૂપિયા, 1200 રૂપિયાથી લઈને 3-3 હજાર રૂપિયા સુધીના પાસીસ, ગ્રુપ પાસીસ બુક માય શો ઉપર વેચાઈ રહ્યા છે. મને લાગે છે કે એક તરફ તો આમેય આ ગુજરાતમાં મોંઘવારી વધી રહી હોય, પ્રજા ઉપર મોંઘવારીનો માર હોય, ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વિનામૂલ્યે જ્યાં ગરબા થતા હોય ત્યાં માણવા, માં જગદંબાની આરાધના કરવા જતા હોય, હવે તેના ઉપર પણ આ પાસનું દૂષણ, વેપારીકરણ અને જેને કહી શકાય કે મોંઘવારીનો માર પ્રજા ઉપર વધવાનો છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે'




