ગુજરાતમાં શરીરને નુકસાન પહોંચાડતા UV ઈન્ડેક્સ હાઈ કેટેગરીમાં, પ્રદૂષણ પણ વધ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Heatwave October 2026 : અમદાવાદ, રાજકોટ સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં આસો માસમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. રાજ્યમાં વાદળોનું આવરણ ઘટતાં બપોરના સમયે પારજાંબલી(UV) કિરણોનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ, નવરાત્રિ દરમિયાન માર્ગો પર વાહનોની વધતી અવરજવર અને સૂકા હવામાનને કારણે વાયુ પ્રદૂષણમાં પણ વધારો નોંધાયો છે. હવામાનની આ સ્થિતિ વચ્ચે આગામી પાંચ દિવસમાં ગરમીથી ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે.
રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન
રાજ્યમાં રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 3.9 ડિગ્રી વધારે છે. છેલ્લા છ વર્ષમાં રાજકોટમાં નોંધાયેલું આ સૌથી ઊંચું તાપમાન હોવાનું જણાવાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધારે છે. અહીં લઘુત્તમ તાપમાન પણ 26 ડિગ્રીને પાર જતાં સામાન્ય કરતાં આશરે ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અન્ય શહેરોમાં ભુજમાં 39.4, અમરેલીમાં 38.3, ડીસામાં 37.6, વડોદરા અને ભાવનગરમાં 37.2, સુરતમાં 37 તથા ગાંધીનગરમાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.
UV ઇન્ડેક્સ 11 સુધી પહોંચતાં જોખમ
સૂર્યમાંથી નીકળતાં પારજાંબલી કિરણો આંખે જોઈ શકાતાં નથી, પરંતુ લાંબા સમય સુધી તેનો સીધો સંપર્ક ત્વચા અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે. ગુજરાતમાં વાદળોનું આવરણ માત્ર 0થી 4 ટકા અને તાપમાન 38થી 40 ડિગ્રીની આસપાસ હોવાથી મધ્યાહ્નના સમયે UV ઇન્ડેક્સ ઊંચો રહે છે. રાજકોટ સહિતનાં સ્થળોએ તે 7થી 9 વચ્ચે નોંધાયો છે, જ્યારે કેટલાક સેન્સર પર આંક 11 સુધી પહોંચ્યો છે. 11 કે તેથી વધુનો UV ઇન્ડેક્સ અત્યંત ઊંચા જોખમની શ્રેણીમાં આવે છે. પારજાંબલી કિરણોના લાંબા સંપર્કથી ત્વચા પર કરચલીઓ અને ડાઘ વહેલા પડી શકે છે. ત્વચાના કોષોના DNAને નુકસાન થવાથી ત્વચાના કેન્સરનું જોખમ પણ વધી શકે છે. આંખના કોર્નિયા અને રેટિના પર પણ વિપરીત અસર થવાની શક્યતા રહે છે.
વાયુ પ્રદૂષણ પણ ચિંતાજનક
રાજ્યનાં મોટાં શહેરોમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. રાત્રે 8 વાગ્યાની આસપાસ અમદાવાદમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 131, સુરતમાં 143 અને વડોદરામાં 111 નોંધાયો હતો. રાજકોટનાં વિવિધ સેન્સર પર આંક 101થી 139 વચ્ચે રહ્યો હતો. PM2.5 અને PM10 જેવા સૂક્ષ્મ કણો શ્વાસ દ્વારા ફેફસાં સુધી પહોંચી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
તડકાથી બચવા શું કરવું?
UV ઇન્ડેક્સ ઊંચો હોય ત્યારે બપોરે 11થી 3 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બહાર જવું જરૂરી હોય તો માથું અને ચહેરો ઢાંકવો, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો અને શરીર ઢંકાય તેવાં કપડાં પહેરવાં. આંખોની સુરક્ષા માટે UV-રક્ષણ આપતાં સનગ્લાસિસનો ઉપયોગ પણ મદદરૂપ થઈ શકે છે.




