Ahmedabad

ગુજરાતમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ફરી ચર્ચામાં, અમદાવાદમાં દર મહિને સરેરાશ 12 લોકો અરજી કરે છે

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ધર્મપરિવર્તનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા 10 મહિનામાં 120 અરજીઓ મળી, જેમાં 95% લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ધર્મ બદલનારાઓમાં 60% શહેરી વિસ્તારના લોકો હતા. કાયદેસર ધર્મ બદલવાની સાથે લાલચ-દબાણથી ધર્મપરિવર્તન કરાવવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. 2021ના સુધારા મુજબ, ગેરકાયદે ધર્મપરિવર્તન સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ફરી ચર્ચામાં, અમદાવાદમાં દર મહિને સરેરાશ 12 લોકો અરજી કરે છે
AI IMAGE

Religious conversion in Gujarat : ગુજરાતમાં ધર્મપરિવર્તનનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. એક તરફ વ્યક્તિગત શ્રદ્ધા, સામાજિક સમાનતા અને વૈચારિક માન્યતાઓના આધારે કાયદેસર રીતે ધર્મ બદલતા લોકોની સંખ્યા સામે આવી રહી છે, તો બીજી તરફ ધર્મપરિવર્તન માટે લાલચ-પ્રલોભન- દબાણ કે છેતરપિંડીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદો પણ નોંધાઈ રહી છે. ખાસ કરીને સગીરોઓને લલચાવીને અન્ય સ્થળે લઈ જવા અને ધર્મપરિવર્તન કરાવવાના પ્રયાસના તાજેતરના બનાવોએ આ મુદ્દાને વધુ સંવેદનશીલ બનાવ્યો છે.

છેલ્લા 10 મહિનામાં 120 અરજી, ધર્માંતરણ કરાવનારા 60 ટકા શહેરી વિસ્તારના

અમદાવાદમાં ધર્માંતરણની પ્રક્રિયા અંતર્ગત આ વર્ષે અત્યાર સુધીમાં 120 જેટલી અરજીઓ આવી છે. જે પૈકી 95 ટકા લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે, બાકીના 5 ટકાએ અલગ-અલગ ધર્મમાં પરિવર્તન કર્યું છે. છેલ્લા અઢી વર્ષની વાત કરવામાં આવે તો ધર્માંતરણ માટે 545 અરજીઓ આવી હતી. ધર્મપરિવર્તન કરનારાઓમાં આશરે 60 ટકા લોકો શહેરી વિસ્તારના હતા.

ક્યાંક આસ્થા, ક્યાંક દબાણ

પૂર્વ અમદાવાદના અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં પ્રમાણ વધુ હોવાનું પણ જણાવાયું હતું. ધોળકા, સાણંદ અને વિરમગામ જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અરજીઓ મળી હતી. લગ્ન, વ્યક્તિગત માન્યતાઓ અને સામાજિક પરિબળો ધર્મપરિવર્તન પાછળનાં કારણો હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાતમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003 અમલમાં છે. વર્ષ 2021માં તેમાં સુધારા કરીને બળજબરી, લાલચ, કપટપૂર્ણ રીતો અને લગ્નના માધ્યમથી કરાતા ગેરકાયદે ધર્મપરિવર્તન સામે કડક જોગવાઈઓ કરવામાં આવી હતી. આવા કેસોમાં કાયદાકીય કાર્યવાહી માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી સહિતની પ્રક્રિયા પણ મહત્ત્વપૂર્ણ છે.

ધર્મ પરિવર્તનની અરજીઓમાં વધારો

બીજી તરફ, ભારતીય બંધારણની કલમ 25 દરેક નાગરિકને અંતરાત્માની સ્વતંત્રતા તથા પોતાનો ધર્મ માનવા, પાળવા અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે.

ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ લગ્ન કે અંગત કારણોસર સ્વેચ્છાએ ધર્મ બદલવા માટે કલેક્ટર કે સંબંધિત અધિકારીની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે ત્યારે આ જોગવાઈને કારણે હવે વિધિવત અરજીઓ કરવાનું પ્રમાણ પણ વધ્યું છે. તંત્ર દ્વારા પોલીસ વેરિફિકેશન અને જરૂરી તપાસ બાદ આ મંજૂરી અપાય છે.