'બેફામ ડમ્પર અટકાવો અને હેલ્મેટના કાયદાનું પાલન કરાવો...', ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court Flags Reckless Dumpers: અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમન સહિતની બાબતોને લઈ ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં આજે એક્ટિંગ ચીફ જસ્ટિસ માનસ રંજન પાઠકે શહેરના માર્ગો પર બેફામ દોડતા ડમ્પરો અને વધતા જતાં અકસ્માતોને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને નાગરિકોના જીવન બચાવવાના હેતુથી હેલમેટના કાયદાનું પાલન કરાવવા અને બેફામ દોડતા ડમ્પરોને દિવસ દરમિયાન ફરવા પર પ્રતિબંધનો અમલ કરાવવા માર્મિક ટકોર કરી હતી.
ટૂ વ્હીલરની પાછળ બેઠેલાં લોકો માટે પણ હેલમેટ પહેરવાની વાત તો દૂર, ચાલકો પણ હેલમેટ પહેરતા નથી : હાઈકોર્ટની ટકોર
કેસની સુનાવણી દરમિયાન એક્ટિંગ ચીફ જસ્ટિસે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ જેવા શહેરોમાં દિવસે પણ બેફામ ડમ્પરો ફરે છે. લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. દિવસે ડમ્પરો ફરવા ઉપર પ્રતિબંધનો અમલ કરો. લોકો ચાલુ વાહને મોબાઈલ ઉપર વાતો કરે છે, ગાડીમાં બેસીને વિડિયો કોલ કરે છે અને વીડિયો જુએ છે. તો તેઓનું ધ્યાન ડ્રાઈવિંગમાં ક્યાંથી હોય? જેને લઈને અકસ્માતો સર્જાય છે.
હાઈકોર્ટે સરકારપક્ષને એવી પણ ટકોર કરી કે, અમદાવાદ જેવા શહેરોમાં લોકો હેલમેટ પહેરતા નથી. બીજા રાજ્યમાંથી જજિસ ગુજરાત આવે છે, તો તેઓ પૂછે છે કે શું અહીં હેલમેટનો કાયદો નથી? દરેક રાજ્યમાં હેલમેટ ફરજિયાત છે. વળી ટૂ વ્હીલરની પાછળ બેઠેલા લોકો માટે હેલમેટ પહેરવાની વાત તો દૂર, વાહન ચાલક પણ હેલમેટ પહેરતા નથી. એક્ટિંગ ચીફ જસ્ટિસે અમદાવાદ શહેરમાં બેફામ દોડતા ડમ્પરો, તેના લીધે સર્જાતા ગમખ્વાર અકસ્માત અને હેલમેટ નહીં પહેરવાના કારણે નિર્દોષ નાગરિકોના મોત સહિતના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી તે વિષયમાં અસરકારક અને પરિણામલક્ષી અમલવારી કરાવવા સરકારને મૌખિક ટકોર કરી હતી.
કેસની સુનાવણીમાં અગાઉ સરકારપક્ષ તરફથી પોલીસ ભરતી સંબંધી થયેલી કાર્યવાહીની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી, જેમાં ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં ટીઆરબી જવાનની સંખ્યા વધારવા સહિતની માહિતીનો સમાવેશ થતો હતો. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.




