અમદાવાદ: દારૂ ભરેલી ગાડી લઈને ભાગતા બુટલેગરો પર સ્ટેટ મોનિટરિંગ સેલે કર્યું ફાયરિંગ, આરોપીઓ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad SMC Firing Liquor Smuggling Case : અમદાવાદમાં દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરવા પહોંચેલી ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગુરુવારે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શાહિબાગથી ઇન્દિરા બ્રિજ વિસ્તાર સુધી દારૂ ભરેલી ગાડીનો પીછો કરતી વખતે ગાડીમાં સવાર શખ્સોએ પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. જોકે, ફાયરિંગ છતાં આરોપીઓ ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
ખંડુભાઈ હોલ પાસે દારૂની હેરાફેરીની બાતમી મળી
પ્રાથમિક માહિતી મુજબ, SMCને શાહિબાગ વિસ્તારમાં આવેલા ખંડુભાઈ હોલ પાસે દારૂનો જથ્થો એક વાહનમાં ખસેડવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. આ દારૂનો જથ્થો બુટલેગર અનૂપ ઠાકોર ઉર્ફે મેકો રતનસિંહ ઠાકોર, જેને મેપો ઠાકોર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે મંગાવ્યો હોવાની આશંકા છે.બાતમીના આધારે SMCની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દારૂ ભરેલી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાડીમાં સવાર શખ્સોને પોલીસની હાજરીની જાણ થતાં તેઓ વાહન લઈને ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ SMCની ટીમે શાહિબાગથી ઇન્દિરા બ્રિજ તરફ તેમનો પીછો શરૂ કર્યો હતો.
પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ થતાં ફાયરિંગ
પીછો કરતાં કરતાં SMCની ટીમ ઇન્દિરા બ્રિજ નજીક સરસ્વતી પાર્ક સોસાયટીના વિસ્તારમાં પહોંચી હતી. અહીં પોલીસે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગાડીમાં સવાર શખ્સોએ પોલીસકર્મીઓ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. પરિસ્થિતિને પગલે SMCના એક અધિકારીએ હવામાં એક રાઉન્ડ ગોળી ચલાવી હતી. ફાયરિંગ છતાં આરોપીઓ ગાડી લઈને ફરાર થવામાં સફળ રહ્યા હતા. ઇન્દિરા સર્કલ નજીક ફાયરિંગની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પોલીસકર્મીઓએ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
ફરાર આરોપીઓની શોધખોળ તેજ
SMCએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ફરાર શખ્સોને શોધવા અને દારૂનો જથ્થો કબજે કરવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. જોકે, ગાડીમાં કેટલો દારૂ હતો અને વાહન અંગેની અન્ય વિગતો તાત્કાલિક મળી શકી નહોતી. દારૂની હેરાફેરી રોકવા પહોંચેલી પોલીસની ટીમ સામે જ વાહન ચડાવવાના પ્રયાસના આરોપને પગલે હવે તપાસમાં આરોપીઓની ઓળખ, દારૂના જથ્થા અને ફરાર થવા માટે વપરાયેલા વાહન અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.




