ગુજરાતમાં બ્લેક મનીની રમત! કોઈ જાણતું ય ના હોય તેવા 6 રાજકીય પક્ષોને 2692 કરોડનું ફંડ મળ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Political Funding: ભારતીય રાજકારણમાં પારદર્શકતા અને કાળા નાણાંને લઈને એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રજિસ્ટર્ડ પરંતુ બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને મળતા અબજો રૂપિયાના ફંડિંગને લઈને હવે સવાલ ઊઠ્યાં છે. સાથે સાથે રાજકીય પક્ષોને મળતી કરમુક્તિનો દુરુપયોગ કરીને મની લોન્ડરીંગ અને ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. તેનું કારણ એછેકે, ગુજરાતમાં જ છ નાના રાજકીય પક્ષોને છેલ્લાં પાંચેક વર્ષમાં કુલ મળીને 2692 કરોડ રૂપિયા ફંડ મળ્યું છે.
માત્ર 140 મત મળ્યા તે સૌરાષ્ટ્ર જનતા પક્ષને 211 કરોડનું દાન મળ્યું
ભારતીય રાષ્ટ્રીય જનતાદળ, ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી, સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, સૌરાષ્ટ્ર જનતા પક્ષ અને જનમન પાર્ટી. આ નાના રાજકીય પક્ષો વિશે ગુજરાતના લોકોને ખબર પણ નહીં હોય. ગુજરાતમાં આ છ રાજકીય પક્ષો ભલે જાણીતા ન હોય પણ તેમને કરોડો રૂપિયા ફંડ મળ્યું છે. આ મુદ્દો હાલ વિવાદના કેન્દ્રે રહ્યો છે.
એડીઆરના રિપોર્ટમાં એવું વિશ્લેષણ કરાયુ છેકે, છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય રાષ્ટ્રીય જનતાદળને 1156 કરોડ રૂપિયા, ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીને 699 કરોડ રૂપિયા, સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટીને 75 કરોડ રૂપિયા, સત્યવાદી રક્ષક પાર્ટીને 416 કરોડ રૂપિયા, સૌરાષ્ટ્ર જનતા પક્ષને 211 કરોડ રૂપિયા, જ્યારે જનમન પાર્ટીને 133 કરોડ રૂપિયાનું માતબર ફંડ મળ્યું છે.
આ રાજ્યની વિધાનસભા ચૂંટણી વખતે પણ ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતાર્યા હતાં
જોકે, આ પક્ષો દ્વારા ચૂંટણી ખર્ચના જે આંકડા દર્શાવવામાં આવ્યા છે તે પણ શંકાના દાયરામાં છે. લાઉડસ્પીકર, માઈક, બેનરો અને રેલીઓના ભોજન પાછળ 20 કરોડ રૂપિયાથી લઈને 90 કરોડ રૂપિયા સુધીના અવાસ્તવિક ખર્ચો ચોપડે બતાવીને કાળા નાણાંને ધોળું કરવાનો ખેલ ખેલાયો હોવાની આશંકા છે. આ છ રાજકીય પક્ષોએ લોકસભા, વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. માત્ર ગુજરાત જ નહીં, પણ બિહાર અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી વખતે પણ પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતાર્યા હતાં. મહત્વવી વાત એછેકે, કરોડોનું ફંડ મેળવનારા આ પક્ષો ચૂંટણીમાં સમ ખાવા પુરતી એક બેઠક જીતી શક્યા નથી.
દાખલા તરીકે, ગુજરાતના 'સત્યવાદી રક્ષક પાર્ટી' એ 2024ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 2 બેઠકો પર ચૂંટણી લડી કુલ માંડ 1042 વોટ મેળવ્યા હતાં આમ છતાંય 416 કરોડ રૂપિયાનું માતબર દાન આવ્યું હતું. જ્યારે પાંચ ચૂંટણીમાં 140 મત મેળવનારા સૌરાષ્ટ્ર જનતા પક્ષને 211 કરોડ રૂપિયાનું ગુપ્ત દાન મળ્યું છે. આ અહેવાલે ભારતીય ચૂંટણી પ્રક્રિયા અને રાજકીય પક્ષોને મળતા ગુપ્ત ફંડિંગ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

દેશમાં રાજકીય પક્ષોના કુલ ફંડમાંથી 70 ટકા હિસ્સો માત્ર ગુજરાતના 6 રાજકીય પક્ષોના ખાતામાં
ચોંકાવનારી વાત એ છે કે, છેલ્લા 5 વર્ષમાં દેશભરના આ નાના રાજકીય પક્ષોને મળેલા કુલ ફંડમાંથી 70 ટકા હિસ્સો માત્ર ગુજરાતના 6 રાજકીય પક્ષોના ખાતામાં ગયો છે, જેની કુલ રકમ 3142,692 કરોડ રૂપિયા થાય છે. આ પક્ષો ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શક્યા નથી, છતાં તેમના પર કરોડો રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે.
હાલ આ મામલે સીઆઈડી ક્રાઈમ તપાસ ચલાવી રહી છે ત્યારે આશંકા છે કે રાજકીય પક્ષોને મળતી ટેક્સ મુક્તિનો દુરુપયોગ કરીને મોટા પાયે મની લોન્ડરિંગ અને ટેક્સ ચોરીનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. ઈન્કમટેક્સ એક્ટ હેઠળ રાજકીય પક્ષોને મળતા ડોનેશન પર ટેક્સમાંથી મુક્તિ મળે છે. આ કાયદાકીય છટકબારીનો ઉપયોગ કરીને આ પક્ષો ફાઈનાન્સિયલ સિન્ડિકેટની જેમ કામ કરી રહ્યા છે.
રાજકીય પક્ષોએ ચૂંટણીમાં ચોપડે કેટલો ખર્ચ દેખાડ્યો?
- ભારતીય રાષ્ટ્રીય જનતાદળ: 1155 કરોડ રૂપિયા
- ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી: 698 કરોડ રૂપિયા
- સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી: 73 કરોડ રૂપિયા
- સત્યવાદી રક્ષક પાર્ટી: 419 કરોડ રૂપિયા
- સૌરાષ્ટ્ર જનતા પક્ષ: 210 કરોડ રૂપિયા
- જનમન પાર્ટી: 133 કરોડ રૂપિયા




