Ahmedabad

ગુજરાત યુનિવર્સિટીમાં કચરાના નિકાલમાં 2.50થી 3 કરોડનું કૌભાંડ, NSUIના આક્ષેપ બાદ કુલપતિ દ્વારા તપાસના આદેશ

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
ગુજરાત યુનિવર્સિટીમાં કચરા નિકાલમાં ₹3 કરોડના કૌભાંડનો NSUIનો આરોપ છે. 'ધ્રુવ કોર્પોરેશન'ને ટેન્ડર વગર ડમ્પર દીઠ ₹8,000 ચૂકવાતા, જ્યારે AMCનો ખર્ચ ₹2,000-2,500 છે. ઇનચાર્જ કુલપતિએ એસ્ટેટ વિભાગની તપાસનો આદેશ આપ્યો છે અને 1 સપ્તાહમાં કડક પગલાંની ખાતરી આપી છે. જવાબદારો સામે નાણાકીય ઉચાપતની ફરિયાદની માંગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત યુનિવર્સિટીમાં કચરાના નિકાલમાં 2.50થી 3 કરોડનું કૌભાંડ, NSUIના આક્ષેપ બાદ કુલપતિ દ્વારા તપાસના આદેશ

₹3 Crore Scam Alleged in Gujarat University Waste Disposal: ગુજરાત યુનિવર્સિટીમાં કચરાના નિકાલની કામગીરીમાં અંદાજે 2.50થી 3 કરોડ રૂપિયાનું નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા લગાવવામાં આવ્યો છે. આ ગંભીર આક્ષેપો બાદ યુનિવર્સિટીના ઈનચાર્જ કુલપતિએ એસ્ટેટ વિભાગની કામગીરી સામે તપાસના આદેશ આપ્યા છે અને આગામી એક સપ્તાહમાં તથ્યોના આધારે કડક પગલાં લેવાની ખાતરી આપી છે.

કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન

એનએસયુઆઈના દાવો અનુસાર, કેમ્પસની સફાઈ માટે 'સન' નામની કંપનીને વાર્ષિક 22 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પહેલેથી જ આપવામાં આવેલો છે. તેમ છતાં, ભેગો થયેલો કચરો પીરાણા ડમ્પિંગ સાઈટ સુધી પહોંચાડવા માટે કોઈ પણ જાતની ઓપન ટેન્ડર પ્રક્રિયા વગર 'ધ્રુવ કોર્પોરેશન' નામની એજન્સીને ડમ્પર દીઠ 8,000 રૂપિયા જેવો ઊંચો ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કચરો સ્થળાંતરિત કરવાનો ખર્ચ ડમ્પર દીઠ માત્ર 2,000થી 2,500 રૂપિયા જેટલો થાય છે. એનએસયુઆઈનો આરોપ છે કે ટેન્ડર વગર જ વાર્ષિક 48થી 58 લાખ રૂપિયાથી વધુની ચૂકવણી ખાનગી કંપનીને કરવામાં આવી રહી છે અને છેલ્લા 5 થી 6 વર્ષ દરમિયાન યુનિવર્સિટીને અંદાજે 2.5 થી 3 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

સરકારી નાણાંનો દુરુપયોગ!

વિદ્યાર્થી સંગઠને વધુમાં આક્ષેપ કર્યો છે કે, સરકારી નાણાંનો દુરુપયોગ કરીને અમુક જવાબદાર અધિકારીઓ અને સંબંધિત એજન્સી દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે. આ મુદ્દે વિરોધ પ્રદર્શનની જાહેરાત થતાં જ ઉતાવળે 12 લાખ રૂપિયાના બાકી ચેક મંજૂર કરવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાયો છે. આ સમગ્ર મામલે સંબંધિત એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા અને જવાબદારો સામે નાણાકીય ઉચાપતની ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી છે.

આ અંગે સ્પષ્ટતા કરતા ગુજરાત યુનિવર્સિટીના ઈનચાર્જ કુલપતિએ જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થી સંગઠન તરફથી યુનિવર્સિટીના 300થી 350 એકર કેમ્પસમાંથી કચરો ડમ્પિંગ સાઈટ સુધી લઈ જતી એજન્સીને નિયમ બહાર નાણાં ચૂકવાતા હોવાની રજૂઆત મળી છે. નિયમ મુજબ 10 લાખ રૂપિયાથી વધુના કોઈ પણ ખર્ચ માટે ટેન્ડર બહાર પાડવાનું હોય છે. જેથી આ પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા થઈ છે કે કેમ તેની એસ્ટેટ ડિપાર્ટમેન્ટ મારફતે હકીકતલક્ષી તપાસ કરવામાં આવશે. આગામી 2 થી 3 દિવસમાં અથવા વધુમાં વધુ એક અઠવાડિયામાં આ તપાસ પૂર્ણ કરાશે. AMCના દર અંગે માહિતી મેળવવામાં આવશે અને જો શક્ય હશે તો આ કામગીરી સરકારી એજન્સી (AMC) મારફતે જ કરાવવામાં આવશે. તપાસમાં જો આક્ષેપો સાચા સાબિત થશે તો નિયમાનુસારે કડક કાર્યવાહી કરવામાં આવશે.'