Ahmedabad

અમદાવાદમાં રિક્ષા બની ડ્રગ્સ ડિલિવરી વાહન! સીટ નીચે છુપાવી હતી ગાંજાની 90 પડીકીઓ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીકથી 45 વર્ષીય ઓટોરિક્ષા ચાલક મોહમ્મદ આરિફ સૈયદને 184 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. વેજલપુર-શ્યામલ રોડ પરથી ઝડપાયેલ આરોપી પાસેથી રૂ. 9,200નો ગાંજો, 2 મોબાઈલ અને રિક્ષા સહિત કુલ રૂ. 64,700નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ગુનામાં ફતેહવાડીનો ઉબેદ પઠાણ પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રિક્ષા બની ડ્રગ્સ ડિલિવરી વાહન! સીટ નીચે છુપાવી હતી ગાંજાની 90 પડીકીઓ

Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે સોમવારે વાસણા એપીએમસી મેટ્રો સ્ટેશન નજીકથી ૪૫ વર્ષીય ઓટોરિક્ષા ચાલકને 184 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ વટવા સ્થિત ગોલ્ડન ટોકીઝ પાછળ નૂરનગરના રહેવાસી મોહમ્મદ આરિફ મઝહર હુસૈન સૈયદ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સોમવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ વેજલપુર અને શ્યામલને જોડતા જાહેર રોડ પર પોતાની રિક્ષામાં નશીલો પદાર્થ લઈને જઈ રહ્યો હતો.

બાતમીના આધારે કાર્યવાહી

SOG ક્રાઈમ બ્રાન્ચને બપોરે 2 વાગ્યાની આસપાસ ચોક્કસ બાતમી મળી હતી કે એક ઓટોચાલક મેટ્રો સ્ટેશન નજીક ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવા માટે જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રિક્ષાને અટકાવી હતી. રિક્ષાની તલાશી લેતા ડ્રાઇવરની બેઠક નીચેથી એક પીળા રંગની બેગ મળી આવી હતી. જેની અંદર રહેલી કાળી પ્લાસ્ટિકની થેલીમાંથી 90 નાની પારદર્શક પડીકીઓ મળી આવી હતી. FSL અધિકારી દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં પદાર્થ ગાંજો હોવાનું સાબિત થયું હતું.

64,700 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત

પોલીસે જણાવ્યું કે જપ્ત કરાયેલા ગાંજાનું વજન 184 ગ્રામ છે, જેની અંદાજિત કિંમત 9,200 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસ દ્વારા 5,500 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને 50,000 રૂપિયાની કિંમતની ઓટોરિક્ષા સહિત કુલ 64,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં ફતેહવાડીના રહેવાસી ઉબેદ અમાનુલ્લાહ ખાન પઠાણ નામના અન્ય એક શખ્સનું નામ પણ સામે આવ્યું છે, જે ડ્રગ્સના વેચાણમાં સંડોવાયેલો હોવાનું મનાઈ રહ્યું છે. SOG ક્રાઈમ બ્રાન્ચે NDPS એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.