Ahmedabad

અમદાવાદમાં પાર્કિંગ ચાર્જ 4 ગણા વધારશે AMC!, જાણી લો ટુ કે ફોર વ્હિલર માલિકને કેટલા રૂપિયા ચૂકવવા પડશે

By GS Team
10 Oct 20264 mins read
TukuTouch Logo
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ચાર્જમાં મોટા ફેરફારોની તૈયારી છે. નવા પ્રસ્તાવ મુજબ, મલ્ટિલેવલ પાર્કિંગમાં ટુ-વ્હીલરનો 1 કલાકનો ચાર્જ ₹5થી વધીને ₹10 થશે, જ્યારે કારનો ચાર્જ ₹15થી ₹20-₹40 થઈ શકે છે. હાઇ ડેન્સિટી વિસ્તારોમાં ચાર્જ વધુ રહેશે. આ દરખાસ્ત મંજૂર થયા બાદ નવા દરો લાગુ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં પાર્કિંગ ચાર્જ 4 ગણા વધારશે AMC!, જાણી લો ટુ કે ફોર વ્હિલર માલિકને કેટલા રૂપિયા ચૂકવવા પડશે

Ahmedabad Parking Charges: અમદાવાદમાં પાર્કિંગ ચાર્જમાં ફેરફાર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે અને નવા દરો નક્કી પણ કરી દેવામાં આવ્યા છે. હાલ વર્ષ 2015-16માં નક્કી થયેલા દર વસૂલવામાં આવે છે, ત્યારે નવા પ્રસ્તાવમાં પાર્કિંગના પ્રકાર, ઝોન અને ટ્રાફિકની ગીચતાને આધારે અલગ-અલગ દર નક્કી કરવાની જોગવાઈ છે. નવા નક્કી કરાયેલા દર મુજબ, મલ્ટિલેવલ અને ઑફ-સ્ટ્રીટ પાર્કિંગમાં ટુ-વ્હીલરનો એક કલાકનો ચાર્જ હાલના 5 રૂપિયાથી વધારીને 10 રૂપિયા, જ્યારે હાઇ ડેન્સિટી ટ્રાફિક ડિમાન્ડ એરિયામાં 20 રૂપિયા કરવાની તૈયારી છે. કારનો હાલનો એક કલાકનો ચાર્જ 15 રૂપિયા છે, જે નવા પ્રસ્તાવમાં પાર્કિંગના સ્થળ પ્રમાણે 20 રૂપિયાથી 40 રૂપિયા થઈ શકે છે. એટલે કે, પાર્કિંગ ચાર્જ ચાર ગણા સુધી કરવાની તૈયારી ચાલી રહી છે.

હાલના દરોમાં ટુ-વ્હીલર માટે એક કલાકના 5 રૂપિયા, કાર માટે 15 રૂપિયા, મિડિયમ કોમર્શિયલ વાહન માટે 50 રૂપિયા અને હેવી કોમર્શિયલ વાહન માટે 75 રૂપિયા ફિક્સ વસૂલવામાં આવે છે. નવા નક્કી કરાયેલા દરમાં મલ્ટિલેવલ અને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગમાં આ દર ટુ વ્હીલર માટે 10 રૂપિયા, 20 રૂપિયા, 70 રૂપિયા અને 100 રૂપિયા રાખવામાં આવ્યા છે. જ્યારે સામાન્ય ઓન-સ્ટ્રીટ અને અંડરબ્રિજ પાર્કિંગમાં મધ્ય, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોન માટે ટુ-વ્હીલરના 15 રૂપિયા અને કારના 30 રૂપિયા સૂચવાયા છે. પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આ જ વાહનો માટે અનુક્રમે 10 રૂપિયા અને 20 રૂપિયાનો દર પ્રસ્તાવિત છે.

હાઇ ડેન્સિટી વિસ્તારમાં સૌથી વધુ ચાર્જ

હાઇ ડેન્સિટી ટ્રાફિક ડિમાન્ડ એરિયામાં પાર્કિંગ માટે સૌથી ઊંચા દર સૂચવાયા છે. અહીં એક કલાક માટે ટુ-વ્હીલરના 20 રૂપિયા અને કારના 40 રૂપિયા વસૂલવાનો પ્રસ્તાવ છે. આ જ વિસ્તારમાં 1થી 3 કલાક માટે ટુ-વ્હીલરના 40 રૂપિયા અને કારના 80 રૂપિયા, જ્યારે 3થી 6 કલાક માટે અનુક્રમે 60 રૂપિયા અને 120 રૂપિયાનો ચાર્જ સૂચવાયો છે. 6થી 12 કલાક માટે ટુ-વ્હીલરના 80 રૂપિયા અને કારના 160 રૂપિયા તથા 12થી 24 કલાક માટે અનુક્રમે 100 રૂપિયા અને 250 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે.

મલ્ટિલેવલ અને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગમાં 1થી 3 કલાક માટે ટુ-વ્હીલરના 20 રૂપિયા અને કારના 40 રૂપિયા, 3થી 6 કલાક માટે 35 રૂપિયા અને 80 રૂપિયા, 6થી 12 કલાક માટે 50 રૂપિયા અને 120 રૂપિયા તથા 12થી 24 કલાક માટે 70 રૂપિયા અને 170 રૂપિયા સૂચવાયા છે. સામાન્ય ઓન-સ્ટ્રીટ અને અંડરબ્રિજ પાર્કિંગમાં મધ્ય, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોન માટે આ જ સમયગાળામાં ટુ-વ્હીલરના દર 30, 45, 60 અને 80 રૂપિયા તથા કારના દર 60, 100, 140 અને 200 રૂપિયા રહેશે. પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ટુ-વ્હીલરના દર 20, 35, 50 અને 70 રૂપિયા તથા કારના દર 40, 80, 120 અને 170 રૂપિયા સૂચવાયા છે.

થ્રી-વ્હીલર અને લાઇટ કોમર્શિયલ વાહનો માટે પણ દર

નવી દરખાસ્તમાં થ્રી-વ્હીલર અને લાઇટ કોમર્શિયલ વાહનો માટે પણ અલગ ચાર્જ સૂચવાયા છે. હાલના દરના કોષ્ટકમાં આ બંને પ્રકારનાં વાહનો માટે અલગથી ચાર્જ વસૂલ નથી કરાતો. થ્રી વ્હીલર માટે ફોર વ્હીલરનો દર વસૂલાય છે અને લાઇટ કોમર્શિયલ પાર્કિંગમાં આવે તો મીડિયમ કોમર્શિયલ વ્હીકલનો જ દર લેવાય છે. ત્યારે હવે મલ્ટિલેવલ અને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગમાં થ્રી-વ્હીલર માટે એક કલાકના 15 રૂપિયા અને લાઇટ કોમર્શિયલ વાહન માટે 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. સામાન્ય ઓન-સ્ટ્રીટ પાર્કિંગમાં ઝોન પ્રમાણે થ્રી-વ્હીલર માટે 20થી 30 રૂપિયા અને લાઇટ કોમર્શિયલ વાહન માટે 50થી 60 રૂપિયાનો દર સૂચવાયો છે. હાઈ ડેન્સિટી વિસ્તારમાં આ બંને વાહનો માટે એક કલાકના અનુક્રમે 30 અને 60 રૂપિયાનો ચાર્જ રાખવાની દરખાસ્ત છે.

કોમર્શિયલ વાહનો માટે પણ સમયગાળો વધતાં ચાર્જ વધશે. ઉદાહરણ તરીકે, હાઈ ડેન્સિટી વિસ્તારમાં 12થી 24 કલાક માટે મિડિયમ કોમર્શિયલ વાહનનો ચાર્જ 600 રૂપિયા અને હેવી કોમર્શિયલ વાહનનો 900 રૂપિયા સૂચવાયો છે. મલ્ટિલેવલ અને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગમાં આ જ સમયગાળા માટે અનુક્રમે 400 રૂપિયા અને 600 રૂપિયાનો દર છે.

હાઈ ડેન્સિટી ટ્રાફિક એરિયાના ચાર્જ નક્કી કરવાની સત્તા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે

હાઈ ડેન્સિટી ટ્રાફિક ડિમાન્ડ એરિયા કયા સ્થળોએ લાગુ પડશે તે નક્કી કરવાની સત્તા સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આપવાની જોગવાઈ છે. પાર્કિંગની જરૂરિયાતને આધારે સમયાંતરે આ વિસ્તારો નક્કી કરવામાં આવશે. ઓન-સ્ટ્રીટ પાર્કિંગ માટે ટ્રાફિક પોલીસની એનઓસી પણ જરૂરી રહેશે.

મંજૂરી બાદ જ નવા દર લાગુ થશે

અધિકારીઓના જણાવ્યા મુજબ, દરખાસ્તને પહેલાં ટાઉન પ્લાનિંગ કમિટી અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. બંને તબક્કા બાદ જનરલ બોર્ડની મંજૂરી મેળવવામાં આવશે. જનરલ બોર્ડની મંજૂરી મળ્યા પછી જ નવા દર લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધશે. તેથી હાલ આ દરખાસ્ત છે; નવા દર અમલમાં આવ્યા હોવાનો અર્થ થતો નથી.

પાર્કિંગના ચાર્જ

ઑફ-સ્ટ્રીટ / મલ્ટિલેવલ પાર્કિંગ (તમામ ઝોન માટે એકસરખા દર)

સમયગાળો (કલાકમાં)
ટૂ-વ્હીલર હાલ/નવો
થ્રી-વ્હીલર નવો
કાર હાલ/નવો
લાઇટ કોમર્શિયલ નવો
મિડિયમ કોમર્શિયલ હાલ/નવો
હેવી કોમર્શિયલ હાલ/નવો
0–1
5/10
15
15/20
50
50/70
75/100
1–3
8/20
30
23/40
100
100/140
155/200
3–6
17/35
50
47/80
150
160/210
245/300
6–12
29/50
70
77/120
200
250/300
365/450
12–24
47/70
100
119/170
300
340/400
515/600

સામાન્ય ઓન-સ્ટ્રીટ / અંડરબ્રિજ પાર્કિંગ- મધ્ય (CZ), ઉત્તર પશ્ચિમ (NWZ),દક્ષિણ પશ્ચિમ (SWZ) અને પશ્ચિમ (WZ)

સમયગાળો (કલાકમાં)
ટૂ-વ્હીલર હાલ/નવો
થ્રી-વ્હીલર નવો
કાર હાલ/નવો
લાઇટ કોમર્શિયલ નવો
મિડિયમ કોમર્શિયલ હાલ/નવો
હેવી કોમર્શિયલ હાલ/નવો
0–1
5/15
20
15/30
60
50/80
75/125
1–3
8/30
40
23/60
120
100/160
155/250
3–6
17/45
60
47/100
180
160/250
245/400
6–12
29/60
80
77/140
250
250/350
365/600
12–24
47/80
120
119/200
350
340/500
515/800

ઓન-સ્ટ્રીટ / અંડરબ્રિજ પાર્કિંગ- પૂર્વ (EZ), ઉત્તર (NZ) અને દક્ષિણ (SZ) ઝોન

સમયગાળો
ટૂ-વ્હીલર હાલ/નવો
થ્રી-વ્હીલર નવો
કાર હાલ/નવો
લાઇટ કોમર્શિયલ નવો
મિડિયમ કોમર્શિયલ હાલ/નવો
હેવી કોમર્શિયલ હાલ/નવો
0–1
5/10
20
15/20
50
50/70
75/100
1–3
8/20
35
23/40
100
100/140
155/200
3–6
17/35
50
47/80
150
160/210
245/300
6–12
29/50
70
77/120
200
250/300
365/450
12–24
47/70
100
119/170
300
340/400
515/600

હાઈ ડેન્સિટી ટ્રાફિક ડિમાન્ડ એરિયા- ઓન-સ્ટ્રીટ / અંડરબ્રિજ પાર્કિંગ

સમયગાળો (કલાકમાં)
ટૂ-વ્હીલર હાલ/નવો
થ્રી-વ્હીલર નવો
કાર હાલ/નવો
લાઇટ કોમર્શિયલ નવો
મિડિયમ કોમર્શિયલ હાલ/નવો
હેવી કોમર્શિયલ હાલ/નવો
0–1
5/20
30
15/40
60
50/80
75/125
1–3
8/40
60
23/80
120
100/160
155/250
3–6
17/60
90
47/120
180
160/250
245/400
6–12
29/80
110
77/160
250
250/400
365/600
12–24
47/100
150
119/250
350
340/600
515/900