NCERTના અભ્યાસક્રમમાં ઈમરજન્સીના ચેપ્ટર મુદ્દે કોંગ્રેસના પ્રહાર, કહ્યું- 'ઇતિહાસ સિલેક્ટિવ નહીં, ઓબ્જેક્ટિવ હોવો જોઈએ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Congress on NCERT Emergency Chapter: NCERTના અભ્યાસક્રમમાં ઇમરજન્સીના પ્રકરણ મુદ્દે ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતાઓએ આરોપ કર્યો છે કે કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે દિશાવિહીન છે અને પ્રજાનું ધ્યાન મૂળ સમસ્યાઓ પરથી ભટકાવવા માટે જ આવી નીતિઓ અપનાવી રહી છે. દેશના દરેક બાળકને પોતાના ઇતિહાસની માહિતી મળવી જ જોઈએ, પરંતુ આ ઇતિહાસ 'સિલેક્ટિવ' નહીં, પણ 'ઓબ્જેક્ટિવ' (તટસ્થ) હોવો જોઈએ. વધુમાં કટાક્ષ કરતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો ઇતિહાસ જ ભણાવવો હોય તો સરકારે એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે દેશના ઇતિહાસમાં કોણ 'માફીવીર' તરીકે ઓળખાયું છે.
'કુલ કેટલા પેપર લીક થયા અને તેનાથી શું નુકસાન થયું તે પણ અભ્યાસક્રમમાં રાખો'
બીજી તરફ, રાજ્યની કથળતી શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતાં કોંગ્રેસે જણાવ્યું છે કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સતત પાછળ ધકેલાઈ રહ્યું છે. સરકારની નિષ્ફળતાઓ પર સીધું નિશાન સાધતાં કોંગ્રેસે કટાક્ષ કર્યો છે કે, જો સરકાર ખરેખર વિદ્યાર્થીઓને વાસ્તવિકતાથી માહિતગાર કરવા માંગતી હોય, તો તેમણે અભ્યાસક્રમમાં એ પણ ઉમેરવું જોઈએ કે અત્યાર સુધી દેશ અને રાજ્યમાં કુલ કેટલા પેપર લીક થયા છે અને તેનાથી યુવાઓના ભવિષ્યને કેટલું નુકસાન પહોંચ્યું છે. NCERT અભ્યાસક્રમમાં ઇમરજન્સીના પ્રકરણ મુદ્દે કોંગ્રેસે પણ શૈક્ષણિક મુદ્દાઓને આગળ ધરીને સરકારની નીતિઓની આકરી આલોચના કરી હતી.
સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું કે
NCERTના અભ્યાસક્રમમાં વર્ષ 1975થી 1977 દરમિયાનની ઇમરજન્સીનો વિષય દાખલ કરવા બાબતે હું પ્રમાણિકપણે માનું છું કે દેશના દરેક બાળકને આપણા ઇતિહાસની જાણ હોવી જ જોઈએ, પરંતુ તે ઇતિહાસ સિલેક્ટિવ નહીં પણ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. હું સરકારની આ નીતિને મૂળ સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાના એજન્ડા તરીકે જોઉં છું, કારણ કે ભાજપ સરકાર શિક્ષણના મામલે તદ્દન દિશાવિહીન છે. એક તરફ કોંગ્રેસ સમગ્ર દેશમાં 'રાઈટ ટુ એજ્યુકેશન' લાવી હતી, જ્યારે બીજી તરફ કેન્દ્ર અને ગુજરાતની સરકારો છેલ્લા 30 વર્ષથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે.
કોણ અંગ્રેજોની સામે નમતું જોખતું હતું કે વારંવાર માફી માંગીને 'માફીવીર' તરીકે ઓળખાયું?: ગુજરાત કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસે સરકારની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે 'બાળકોના અભ્યાસક્રમમાં માત્ર ઇમરજન્સી જ નહીં, પરંતુ એ પણ ભણાવવું જોઈએ કે આઝાદીની જંગમાં કોનું શું યોગદાન હતું, કોણ અંગ્રેજોની સામે નમતું જોખતું હતું કે વારંવાર માફી માંગીને 'માફીવીર' તરીકે ઓળખાયું, તેમજ કોણે 50 વર્ષ સુધી પોતાના હેડક્વાર્ટર પર દેશની શાન સમાન તિરંગો ફરકાવ્યો ન હતો. સરકાર જો ખરેખર નિષ્ઠાથી કામ કરવા માંગતી હોય, તો તેમણે દેશની 1 લાખથી વધુ શાળાઓને મારેલા તાળા, 30 વર્ષમાં ગુજરાતની સતત કથળતી શૈક્ષણિક વ્યવસ્થા અને વધી રહેલા શિક્ષણના વ્યાપારીકરણ અંગે જવાબ આપવો પડે. આ ઉપરાંત, પેપર લીકની ઘટનાઓથી બાળકો અને યુવાનોના ભવિષ્ય સાથે જે રીતે રમત રમાઈ રહી છે અને આ શૈક્ષણિક અરાજકતાના કારણે વિદ્યાર્થીઓ જે રીતે આત્મહત્યા જેવા પગલાં ભરી રહ્યા છે, તે બાબતોનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ, જેથી નવી પેઢીને ખ્યાલ રહે કે આ અવ્યવસ્થા સામે તેમણે શું ધ્યાન રાખવાનું છે.'









