Ahmedabad

અમદાવાદમાં પાર્કિંગ થશે મોંઘું: ડિસેમ્બરથી લાગુ થશે નવા દર, હવે દર ત્રણ વર્ષે ભાવ વધારાની સમીક્ષા, જાણો નવા ચાર્જની યાદી

By GS Team
12 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 11 વર્ષ બાદ પાર્કિંગના દરોમાં સુધારો કરાયો છે. સ્ટેન્ડિંગ કમિટીએ ગુરુવારે કેટલાક સુધારા સાથે દરખાસ્તને મંજૂરી આપી હતી. હવે દર 3 વર્ષે દરોની સમીક્ષા થશે. ટુ-વ્હીલરનો પ્રથમ કલાકનો ચાર્જ 5થી 10 રૂપિયા કરાયો છે. ફોર-વ્હીલર સહિત અન્ય વાહનોમાં પણ ભાવ વધારો થયો છે. નવા દર ડિસેમ્બરની શરૂઆતથી અમલમાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં પાર્કિંગ થશે મોંઘું: ડિસેમ્બરથી લાગુ થશે નવા દર, હવે દર ત્રણ વર્ષે ભાવ વધારાની સમીક્ષા, જાણો નવા ચાર્જની યાદી
AI IMAGE

Ahmedabad parking rates changed : અમદાવાદમાં પાર્કિંગના દરમાં 11 વર્ષ બાદ ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ષ 2015માં નક્કી કરાયેલા પાર્કિંગના દરમાં સુધારો કરવા માટે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્તને કેટલાક સુધારા સાથે મંજૂરી આપવામાં આવી હતી. નવી નીતિની મહત્ત્વની બાબત એ છે કે હવે પાર્કિંગના દરની દર ત્રણ વર્ષે પુનઃસમીક્ષા કરવામાં આવશે. એટલે કે જરૂરિયાત અને પરિસ્થિતિને આધારે દર ત્રણ વર્ષે પાર્કિંગના ભાવમાં વધારો કે ઘટાડો કરી શકાશે. જોકે, નવા દરનો અમલ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીથી તાત્કાલિક શરૂ થશે નહીં. દરખાસ્તને બોર્ડની મંજૂરી મળ્યા બાદ જ તેનો અમલ કરવામાં આવશે. એટલે કે, ડિસેમ્બરની શરૂઆતથી નવા દરો અમલમાં આવશે.

નવી વ્યવસ્થા અંતર્ગત ટુ-વ્હીલરના પ્રથમ કલાકના પાર્કિંગ ચાર્જમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. ટુ-વ્હીલરના પ્રથમ કલાકનો ચાર્જ 5 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરવામાં આવ્યો છે. જો કે, કમિશનરે સૂચવેલા અન્ય સમયગાળાના દરમાં ઘટાડો કરીને કમિટીએ મંજૂરી આપી છે.

  • 1થી 3 કલાક માટે 20ને બદલે 15 રૂપિયા
  • 3થી 6 કલાક માટે 35ને બદલે 25 રૂપિયા
  • 6થી 12 કલાક માટે 50ને બદલે 40 રૂપિયા
  • 12થી 24 કલાક માટે 70ને બદલે 55 રૂપિયા

આવી જ રીતો ફોર વ્હીલર, મીડિયમ કોમર્શિયલ વ્હીલર અને હેવી કોમર્શિયલ વ્હીકલમાં ભાવ વધારો કરાયો છે. જ્યારે આ વખતે બે કેટેગરી વધારવામાં આવી છે. જેમાં 3 વ્હીલર અને લાઈટ કોમર્શિયલ વ્હીકલનો સમાવેશ પ્રથમ વખત કરાયો છે.

ઓનસ્ટ્રીટ અને ઓફસ્ટ્રીટ પાર્કિંગમાં એકસમાન દરની જોગવાઈ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, શહેરમાં પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને પાર્કિંગના દરમાં એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી લાયસન્સ ફી તથા દરના પુનઃનિર્ધારણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં પાર્કિંગની નીતિ અંતર્ગત અલગ-અલગ દરની જોગવાઈ છે. નવી વ્યવસ્થામાં ઓફસ્ટ્રીટ પાર્કિંગ, ઓનસ્ટ્રીટ પાર્કિંગ અને વધુ ગીચતા ધરાવતા વિસ્તારોમાં પાર્કિંગના એકસમાન દર નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે દર ત્રણ વર્ષે પુનઃસમીક્ષાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, શહેરમાં કેટલીક પાર્કિંગ જગ્યાઓના કોન્ટ્રાક્ટ અગાઉના દરે કાર્યરત છે. આવી સ્થિતિમાં નવી જગ્યાઓ પર સુધારેલા દર લાગુ કરવામાં આવે તો આસપાસની બે પાર્કિંગ જગ્યાઓમાં અલગ-અલગ દર વસૂલવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેનાથી નાગરિકોને અસુવિધા થવાની સાથે પાર્કિંગ વ્યવસ્થામાં અસમાનતા સર્જાઈ શકે છે.

જૂના કોન્ટ્રાક્ટરોને પણ નવા દર લાગુ કરવા સમજાવાશે

આ સ્થિતિ ટાળવા માટે માત્ર નવા ટેન્ડરમાં જ સુધારેલા દર લાગુ કરવાને બદલે અગાઉથી કાર્યરત પાર્કિંગ કોન્ટ્રાક્ટરો સાથે પણ બેઠક યોજીને ચર્ચા કરવામાં આવશે. જૂના કોન્ટ્રાક્ટરોને પણ નવા દર લાગુ કરવા સમજાવવામાં આવશે. આ માટે કોર્પોરેશનને હાલમાં ચૂકવવામાં આવતી લાયસન્સ ફીમાં કેટલો વધારો કરી શકાય તે અંગે કોન્ટ્રાક્ટરો સાથે પરામર્શ કરીને નિર્ણય લેવામાં આવશે.

ચેરમેને ઉદાહરણ આપતાં જણાવ્યું કે, જો અગાઉ કોઈ પાર્કિંગમાં પ્રતિ વાહન 10 રૂપિયાનો દર અમલમાં હોય અને નવી વ્યવસ્થામાં તે 15 રૂપિયા કરવામાં આવે તો તે મુજબ કોર્પોરેશનને મળતી હયાત લાયસન્સ ફીમાં પણ ફેરફાર કરવાનો થાય. જે કોન્ટ્રાક્ટની મુદત પૂરી થવામાં એક મહિનો કે એક વર્ષ જેટલો સમય બાકી હોય તેવા કિસ્સામાં બાકીના સમયગાળાને ધ્યાનમાં રાખીને પ્રોરેટા પદ્ધતિથી નવી લાયસન્સ ફી નક્કી કરવામાં આવશે.

અગાઉ કોન્ટ્રાક્ટ અપાયા હોય અને તેની મુદત હજુ પૂર્ણ ન થઈ હોય તેવા કિસ્સાઓમાં પણ કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ જરૂરી આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ તમામ પાર્કિંગ સ્થળોએ સમાન દરની વ્યવસ્થા ઊભી કરવાની સાથે કોર્પોરેશનની આવકમાં યોગ્ય વધારો કરવાનો છે.

જાહેર પરિવહનના ઉપયોગને પ્રાધાન્ય આપવાનો દાવો

ચેરમેને જણાવ્યું કે, નાગરિકો પોતાના ખાનગી વાહનોના બદલે જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરે તે બાબતને પ્રાધાન્ય આપવામાં આવશે. આ માટે કોર્પોરેશન દ્વારા બસોની સંખ્યા વધારવા તેમજ લાસ્ટ માઈલ કનેક્ટિવિટી સુધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પાર્કિંગના નવા દરની દરખાસ્ત હવે બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યાં મંજૂરી મળ્યા બાદ જ નવા દર અમલમાં આવશે.