Ahmedabad

હવે AUDA ને પણ ડિજિટલ યુગનું જ્ઞાન લાદ્યું, ફરિયાદ માટે ઓનલાઈન સિસ્ટમ ગોઠવવાની તૈયારી

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ઔડા દ્વારા નાગરિકો માટે ઓનલાઇન ફરિયાદ નિવારણ સિસ્ટમ શરૂ કરાશે. 1800 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાઓ માટે લોકો હવે વેબ પોર્ટલ, મોબાઇલ એપ, વોટ્સએપ કે હેલ્પલાઇન નંબર દ્વારા ફરિયાદ કરી શકશે. 1 થી 2 કરોડના ખર્ચે બનતી આ સિસ્ટમમાં AI નો ઉપયોગ થશે. દોઢથી બે મહિનામાં તે કાર્યરત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે AUDA ને પણ ડિજિટલ યુગનું જ્ઞાન લાદ્યું,  ફરિયાદ માટે ઓનલાઈન સિસ્ટમ ગોઠવવાની તૈયારી

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા નાગરિકો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં હવે લાંબી રાહ જોયા બાદ ઔડામાં પણ ઓનલાઇન ફરિયાદ નિવારણ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી ઔડાના 1800 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રાધિકારમાં આવતા રિંગ રોડ પાસેના વિસ્તારો, આસપાસના 150 ગામડાઓ, દહેગામ અને સાણંદ જેવા વિસ્તારોના લોકોને રસ્તા, ગટર કે પાણી જેવા પ્રશ્નો માટે પત્ર કે ઇમેઇલ દ્વારા ફરિયાદ કરવી પડતી હતી કારણ કે કોઈ ચોક્કસ સુવિધા નહોતી.

કરોડોના ખર્ચે સિસ્ટમ ડેવલપ કરાશે

આ સમસ્યાના નિવારણ માટે હવે રૂપિયા 1 થી 2 કરોડના ખર્ચે 'સિટીઝન કમ્પ્લેઈન્ટ એન્ડ રિડ્રેસલ સિસ્ટમ' (CCRS) અર્થાત સીસીઆરએસ ઓનલાઇન સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આ નવી વ્યવસ્થા શરૂ થવાથી નાગરિકો વેબ પોર્ટલ, મોબાઇલ એપ, વોટ્સએપ અને હેલ્પલાઇન નંબર સહિતના 4 થી 5 માધ્યમો દ્વારા સરળતાથી પોતાની ફરિયાદો નોંધાવી શકશે. આ સિસ્ટમની વિશેષતા એ રહેશે કે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવશે, જે વારંવાર આવતી ફરિયાદોના ડેટાનો અભ્યાસ કરીને ભવિષ્યમાં સર્જાનારી સમસ્યાઓ વિશે અગાઉથી જ તંત્રને ચેતવણી આપશે.

કામ અને અધિકારીઓનું પણ ટ્રેકિંગ રખાશે

આ ઉપરાંત, પ્રોજેક્ટના મોનિટરિંગ માટે પણ ખાસ ફીલ્ડ ટ્રેક સિસ્ટમ તૈયાર કરવામાં આવશે, જેના દ્વારા કયા પ્રોજેક્ટની કામગીરી કેટલા ટકા પૂર્ણ થઈ છે અને અધિકારીઓએ કેટલી વખત સ્થળ તપાસ કરી છે તેની સમીક્ષા કરી શકાશે. કામગીરીમાં થતા વિલંબ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને ડિજિટલ ડેશબોર્ડ દ્વારા મળી જશે જેથી સમયસર યોગ્ય પગલાં લઈ શકાય. આ બંને નવી સિસ્ટમોના સંપૂર્ણ અમલીકરણમાં હજી આશરે દોઢથી બે મહિનાનો સમય લાગશે.