VIDEO| અમદાવાદ: રોજ 125 કિલો તેલનો વપરાશ, પણ નિકાલની વ્યવસ્થા નહીં, નરોડામાં નમકીનની ફેક્ટરી સીલ, 1000 કિલો જથ્થો સ્થગિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Food Safety Department Diwali Raid Ahmedabad: અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા ચકાસવા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે તપાસ હાથ ધરી છે. સોમવારે(26 ઑક્ટોબર) શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાદ્ય પદાર્થોના એકમોમાંથી મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થોના કુલ 29 નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ, નરોડાની જૈન સુપર નમકીન ફેક્ટરીમાં રોજ અંદાજે 125 કિલો રસોઈ તેલ વપરાતું હોવા છતાં વપરાયેલા તેલના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને જરૂરી રેકોર્ડ ન મળતાં એકમને સીલ કરવામાં આવ્યો છે અને 1 હજાર કિલો જથ્થો જપ્ત કરાયો છે.
નરોડામાં નમકીનની ફેક્ટરી સીલ, 1000 કિલો જથ્થો સ્થગિત
ફૂડ સેફ્ટી વિભાગે દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ-ફરસાણની વધતી માગને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, ઉત્પાદન પ્રક્રિયા, સ્વચ્છતા અને તળવા માટે વપરાતા તેલની તપાસ શરૂ કરી છે. 26 ઑક્ટોબરે હાથ ધરાયેલી કામગીરીમાં ભાવનગરી સ્વીટ માર્ટ, ક્રિષ્ના સ્વીટ માર્ટ, શ્રી નાગર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, ગ્વાલીયા સ્વીટ્સ, અમૃત મીઠાઈ જંક્શન, હિરા મિષ્ઠાન સહિતના એકમોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. કાજુ કતરી, મોહનથાળ, પેંડા, કલાકંદ, બરફી, રસગુલ્લા, બેસન અને વપરાયેલા તેલ સહિતના નમૂનાઓ તપાસ માટે કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલાયા છે.
તેલના નિકાલનો રૅકોર્ડ ન મળતાં કાર્યવાહી
નરોડાના મધુસુદન બિઝનેસ પાર્કમાં આવેલી જૈન સુપર નમકીન ફેક્ટરીની તપાસ દરમિયાન વપરાયેલા રસોઈ તેલના યોગ્ય સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા ન હોવાનું જણાયું હતું. વિભાગના જણાવ્યા અનુસાર, એકમમાં દરરોજ અંદાજે 125 કિલો રસોઈ તેલ વપરાતું હતું, પરંતુ વપરાયેલા તેલને અધિકૃત એજન્સીને સોંપવા અંગેની વ્યવસ્થા અને જરૂરી રૅકોર્ડ ઉપલબ્ધ નહોતાં. આ બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી વિભાગે એકમને સીલ કર્યો હતો. તપાસ દરમિયાન વપરાયેલા તેલ અને બેસનના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 1000 કિલો તૈયાર નમકીન, બેસન અને મેંદાનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. વપરાયેલા તેલના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ લીધેલા નમૂનાઓમાં પણ ખામીઓ મળી હતી
ફૂડ સેફ્ટી વિભાગે અગાઉ લીધેલા નમૂનાઓના લેબોરેટરી પરિણામોની વિગતો પણ જાહેર કરી છે. 15 ઑક્ટોબરે બહેરામપુરાના MJF Food એકમમાંથી લેવાયેલા 'સ્નેક ટચઅપ'ના નમૂનામાં નિર્ધારિત ધોરણો મુજબ ન હોવા જોઈએ તેવા સિન્થેટિક કલર્સ મળ્યા હતા. સ્ટાર્ચની તપાસમાં પણ પોઝિટિવ પરિણામ આવ્યું હતું. આ નમૂનાને સબ-સ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર કરાયો હતો. એકમમાંથી 2000 કિલો સ્નેક ટચઅપ, ટામેટા પાઉડર અને અન્ય કાચા માલનો જથ્થો જપ્ત કરીને એકમને સીલ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, 17 ઑક્ટોબરે ગોતા વિસ્તારમાં આવેલા આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગમાંથી લેવાયેલા નમૂનાઓમાં પણ ખામીઓ મળી હતી. 'સ્નેક ટચઅપ'ના નમૂનાને અનસેફ જાહેર કરાયો હતો, જ્યારે 'ટોમેટો પેસ્ટ' અને 'બટાકાની પેસ્ટ'ના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા હતા.
બળેલા તેલના સેવનથી ધમનીઓમાં ચરબી જામવી, અલ્ઝાઇમર સહિતના રોગ થવાના જોખમ
ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા અનુસાર, રસોઈના તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ વધી શકે છે. નિયમો મુજબ TPCનું પ્રમાણ 25 ટકાથી વધુ હોય તેવા વપરાયેલા વનસ્પતિ તેલનો માનવ વપરાશ માટે ઉપયોગ કરી શકાતો નથી. વપરાયેલા તેલનો વારંવાર ઉપયોગ કરાતા અને તેનું સેવન કરવામાં આવે તો હાઇ બ્લડ પ્રેશર, ધમનીઓમાં ચરબી જમા થવી (એથેરોસ્કોરિસસ), યકૃતના રોગ અને અલ્ઝાઇર સહિતના રોગ થઈ શકે છે.
50 કિલોથી વધુ તેલનો વપરાશ હોય તો રેકર્ડ જાળવવો જોઈએ: ફૂડ વિભાગ
કોર્પોરેશનના ફૂડ વિભાગના જણાવ્યા મુજબ, જે ફૂડ બિઝનેસમાં તળવા માટે દરરોજ 50 કિલો અથવા લિટરથી વધુ રસોઈ તેલ વપરાય છે. તેમણે તેલના દૈનિક વપરાશ, વપરાય તેલના જથ્થા અને તેના નિકાલની વિગતોનો રેકર્ડ જાળવવો જોઈએ. વપરાયેલ તેલને અલગ, યોગ્ય રીતે ઓળખી શકાય તેવા પાત્રમાં રાખીને અધિકૃત એજન્સીને સોંપવું જોઈએ. વિભાગે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતાં એકમોને વપરાયેલા તેલના જથ્થા અને નિકાલનો રૅકોર્ડ જાળવવા તથા તેલનો નિકાલ અધિકૃત એજન્સી મારફતે કરવા સૂચના આપી છે. તહેવાર દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન જણાય તો લાગુ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.




