Ahmedabad

અમદાવાદમાં લગ્નપ્રસંગે આવેલા મુંબઈના પરિવાર પર હુમલો, 4 અજાણ્યા શખસો સામે ફરિયાદ

By GS Team
22 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વસ્ત્રાલમાં નજીવી બાબતે મુંબઈથી લગ્નમાં આવેલા પરિવાર પર 4 શખસોએ જીવલેણ હુમલો કર્યો છે. 20 નવેમ્બરની રાત્રે હોર્ન વગાડવા જેવી સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને આરોપીઓએ લોખંડની પાઈપ અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 લોકોને ઈજા થઈ હતી. વસ્ત્રાલ પોલીસે 4 શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં લગ્નપ્રસંગે આવેલા મુંબઈના પરિવાર પર હુમલો, 4 અજાણ્યા શખસો સામે ફરિયાદ
AI IMAGE

Ahmedabad crime news : રાજ્યમાં નજીવી બાબતોમાં હુમલાની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી છે. અમદાવાદના વસ્ત્રાલમાં મુંબઈથી આવેલા પરિવાર પર 4 શખસો દ્વારા જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. ગત 20 નવેમ્બરની રાત્રે મુંબઈથી લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારના સભ્યો પર 4 શખસોએ લોખંડની પાઈપ અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હોર્ન ન વગાડવા જેવી નજીવી બાબતે ઉશ્કેલાયેલા આરોપીઓએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે ભોગ બનનાર યુવકે વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં 4 શખસો સામે ફરિયાદ નોંધાવી છે.

મુંબઈનો પરિવાર લગ્નપ્રસંગ માટે આવ્યો હતો અમદાવાદ

મળતી માહિતી પ્રમાણે, મૂળ મુંબઈમાં રહેતા અને ટેક્સ એન્ડ લીગલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા રત્નેશ્વર શુક્લા ગત 18 નવેમ્બરે તેમના સંબંધીના દીકરાના લગ્નમાં હાજરી આપવા માટે પરિવાર સાથે વસ્ત્રાલ આવ્યા હતા. ગત 20 નવેમ્બરની રાત્રિના સમયે અમિત મોપેડ લઈને બહેનના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બાઈક પર અજાણ્યા શખસો પાછળથી વારંવાર હોર્ન મારી અપશબ્દો બોલી રહ્યા હતા. જેથી અમિતે મોપેડ ઉભુ રાખી અપશબ્દો બોલાવાની ના પાડી હતી. આ સાંભળી શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થઈ જતા ત્રણ શખસો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જ્યારે એક શખ્સ ત્યાં જ ઊભો રહ્યો હતો.

નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખસોએ કર્યો હુમલો

અમિતભાઈનો ફોન આવતા રત્નેશ્વરભાઈ, તેમના સંબંધીના દીકરા અને નાનાભાઈ સોસાયટીના પાછળના ગેટ પાસે રોડ પર પહોંચ્યા હતા. તે જ સમયે અગાઉ ભાગી ગયેલા 3 શખસો હાથમાં લોખંડની પાઈપ અને ચપ્પુ લઈને બાઈક પર પરત આવ્યા હતા. અમિતભાઈ તેને સમજાવવા જતા એક શખસે તેમના પર લોખંડની પાઈપ વડે હુમલો કરતા તેઓ નીચે પડી ગયા હતા અને અન્ય શખસોએ પણ મારામારી શરૂ કરી દીધી હતી. અમિતભાઈને વચ્ચે છોડાવવા પડેલા રત્નેશ્વર, જત્નેશ્વર અને પ્યારેલાલ પર પણ પાઈપ અને ચપ્પુ વડે હુમલો કરાયો હતો.

4 હુમલાખોરો સામે ફરિયાદ દાખલ

​હુમલાખોરોએ 'આ લોકોને પતાવી દેવાના છે' તેમ કહીને રત્નેશ્વરભાઈ પર ચપ્પુ વડે ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બૂમાબૂમ થતા ફરી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી આરોપીઓ બાઈક પર બેસીને 'જો પોલીસ ફરિયાદ કરશો તો જીવતા નહીં મૂકીએ' તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત બન્ને યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ વસ્ત્રાલ પોલીસે આરોપી સૌરભ, રાજુ અને અન્ય બે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે.