Ahmedabad

દીકરી બનીને દિવાળીએ પિયર પધારે છે માતાજી, દોઢસો વરસથી અખંડ શ્રદ્ધાની અનોખી પરંપરા

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના શાહપુર વિસ્તારની વનમાળી વાંકાની પોળમાં 150 વર્ષથી અનોખી પરંપરા જોવા મળે છે. અહીંના રહીશો માતાજીને દીકરી માની, દિવાળીના બેસતા વર્ષે પિયર પધારવા ભાવભીનું આમંત્રણ આપે છે. શરદ પૂનમ પહેલાં ઢોલના નાદ સાથે આમંત્રણ અપાય છે અને બેસતા વર્ષે વાજતે-ગાજતે માતાજીને પોળમાં લાવી, લાભ પાંચમ સુધી પૂજા કરાય છે. આ પરંપરા પોળની એકતા અને શ્રદ્ધાનું પ્રતિક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દીકરી બનીને દિવાળીએ પિયર પધારે છે માતાજી, દોઢસો વરસથી અખંડ શ્રદ્ધાની અનોખી પરંપરા

Ahmedabad Diwali Mataji Tradition : અમદાવાદની પોળો માત્ર ઐતિહાસિક સ્થાપત્યો અને જૂની હવેલીઓ માટે જ નહીં, પરંતુ પોતાની આગવી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ માટે પણ જાણીતી છે. શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી વનમાળી વાંકાની પોળમાં દિવાળી દરમિયાન આવી જ એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. અહીં માતાજીની સ્થાપના નવરાત્રિમાં નહીં, પરંતુ બેસતા વર્ષના દિવસે કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે પોળના રહીશો માતાજીને પોતાની દીકરી માને છે અને દિવાળીએ તેમને પિયર પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપે છે. લગભગ 150 વર્ષથી આ પરંપરા અવિરતપણે ચાલી આવે છે.

શરદ પૂનમ પહેલાં માતાજીને અપાય છે આમંત્રણ

વનમાળી વાંકાની પોળના રહીશો દર વર્ષે શરદ પૂનમ પહેલાંની ચૌદશે ઢોલના નાદ સાથે વાજતે-ગાજતે માતાજીને આમંત્રણ આપવા જાય છે. આ પ્રસંગે તેઓ માતાજીને બેસતા વર્ષના દિવસે પિયર પધારવાની વિનંતી કરે છે. રહીશો જાણે પોતાની દીકરીને તેડવા જતા હોય એ રીતે કહે છે કે, બેસતા વર્ષના દિવસે તૈયાર રહેજો, તમારા પિયરિયા તમને લેવા આવશે. ત્યારબાદ બેસતા વર્ષના દિવસે પોળના રહીશો ફરી ઢોલના નાદ સાથે માતાજીના મંદિરે પહોંચે છે અને તેમને પોતાની પોળમાં લઈ આવે છે. અહીં માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને લાભ પાંચમ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. છઠ્ઠના દિવસે માતાજીને પરત વિદાય આપવામાં આવે છે.

માતાજીનું મંદિર ગણાય છે તેમનું સાસરું

આ પરંપરા પાછળ ધાર્મિક શ્રદ્ધાની સાથે પારિવારિક ભાવના પણ જોડાયેલી છે. સ્થાનિક અગ્રણી જયેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, પોળમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી વડીલોએ આશરે 150 વર્ષ પહેલાં આ પરંપરા શરૂ કરી હતી. પોળના રહીશો માતાજીને પોતાની દીકરી માને છે. શાહપુરમાં હલીમની ખડકી પાસે આવેલી વસ્તાધેલજીની પોળમાં માતાજીનું મંદિર તેમનું સાસરું મનાય છે. તેથી દર વર્ષે દિવાળીના પર્વે માતાજીને દીકરીની જેમ પિયર તેડી લાવવાની પરંપરા નિભાવવામાં આવે છે.

દોઢસો વર્ષ જૂની અખંડ માંડવીની વિશેષતા

માતાજીની સ્થાપના સાથે તેમની આગળ માંડવીની પણ સ્થાપના કરવામાં આવે છે. સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા અનુસાર, આ માંડવી પણ આશરે 150 વર્ષ જૂની છે. તેની સૌથી વિશેષ બાબત એ છે કે તે અખંડ માંડવી છે. તેમાં કોઈ ખીલી લગાવવામાં આવી નથી. લાકડાને જ વિશેષ રીતે આકાર આપીને માંડવીનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આમ, વનમાળી વાંકાની પોળમાં દિવાળીના દિવસોમાં નિભાવાતી આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત નથી. માતાજીને દીકરી માનીને પિયર તેડી લાવવાની આ ભાવના પોળના રહીશોની એકતા, શ્રદ્ધા અને પારિવારિક સંબંધોની અનોખી ઓળખ બની છે. દોઢસો વર્ષથી પેઢી દર પેઢી આગળ વધતી આ પરંપરા અમદાવાદની પોળ સંસ્કૃતિના આગવા વારસાની સાક્ષી પૂરે છે.