અમદાવાદ: મહાચીટર મિહીર પરીખ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, રોકાણમાં વળતરની લાલચ આપી મહિલાનું ₹1.74 કરોડનું સોનું પચાવી પાડયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Mihir Parikh Fraud Case: વીમા પોલિસી, શેર બજાર અને અન્ય રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર મિહીર પરીખ અને તેની ગેંગ વિરૂદ્ધ એક પછી એક ફરિયાદો નોંધાઇ રહી છે. ત્યારે મિહીર પરીખે એક મહિલાને બુલિયનમાં રોકાણના નામે રૂપિયા 1.74 કરોડની કિંમતનું સોનું પચાવી પાડયું હતું. નવાઇની વાત એ હતી કે, મિહીર પરીખે સોનું લઇને અમેરિકામાં રહેતા એક યુવકની બોગસ સહી કરીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું. ત્યારે આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મહાચીટર મિહીર પરીખ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ
અમદાવાદ શહેરના પ્રહલાદનગરમાં આવેલા ઇન્દ્રરપ્રસ્થ કદમ્બ એપાર્ટમેન્ટમાં રહેતા બિરવાબહેન ગાંધીએ ફરિયાદ નોંધાવી છે કે, તે તેમના વીમા, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય રોકાણ મિહીર પરીખ મારફતે કરતા હતા. આ દરમિયાન મિહીર પરીખની ઓફિસમાં સીએફઓ તરીકે કામ કરતા ભુમિ શાહ અને હેમરાજસિંહ સાથે પરિચય થયો હતો. વર્ષ 2025માં મિહીર પરીખ અને ભૂમિ શાહ બિરવાબહેનની ઓફિસ પર આવ્યા હતા અને જણાવ્યું હતુ કે, બુલિયન ડીલમાં સોનાનું રોકાણ કરવામાં આવે તો દર મહિને સોનાની તે સમયની કિંમત પ્રમાણે 2 ટકા વળતર અપાશે. આ માટે 85 ટકા ફીઝીકલ ગોલ્ડની જરૂર છે.
રોકાણમાં વળતરની લાલચ આપી મહિલાનું ₹1.74 કરોડનું સોનું પચાવી પાડયું
આ પછી બિરવાબહેને તેમની પાસે રહેલું 1300 ગ્રામ ગ્રામ સોનાની લગડી કે જેની કિમત 1.74 કરોડ હતી. જે તમામ સોનું મિહીર પરીખને આપ્યું હતું. જેની સામે મોનીષ ગાંધીના નામથી લખાણ આપ્યું હતું અને કારણ આપ્યુ હતું કે, મોનીષ તેમના બુલિયનનું કામ કરે છે. શરૂઆતમાં તેણે નાણાં ચુકવ્યા હતા. પરંતુ જાન્યુઆરી 2026માં વળતર આપ્યું નહોતું. જેથી તે ગોળગોળ જવાબ આપતો હતો અને ઓફિસમાં મળતો નહોતો.
આ દરમિયાન મિહીર પરીખ અને તેની ગેંગના કારસ્તાન સામે આવ્યા હતા અને પોલીસ ફરિયાદ થતા બિરવાબહેને બુલિયનનો કરાર કરી આપનાર મોનીષ ગાંધીના પ્રેમચંદનગર નજીક અજયદીપ સોસાયટીમા આવેલા મકાન પર તપાસ કરવા ગયા હતા. ત્યારે તેઓ ચોંકી ઉઠયા હતા. કારણ કે મોનીષ ગાંધી વર્ષ 2019થી અમેરિકામાં રહે છે અને તે ભારતમાં આવ્યો જ નહોતો. તેમ છતાંય મિહીર પરીખે તેની બોગસ સહી કરીને કરાર કર્યો હતો. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.




