VIDEO| અમદાવાદ: સ્ટીલના યુગમાં ખોવાઈ ગઈ 'કલઈ'વાળા વાસણોની રોનક, માણેકચોકની એક દુકાનમાં આજેય જીવંત છે વર્ષો જૂની પરંપરા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kalai Work Ahmedabad Manek Chowk: વર્ષો પહેલા દિવાળી આવે એટલે અમદાવાદની પોળોમાં વાસણોને કલઈ કરવાની લારીઓ લઈને ફરતા કારીગરો જોવા મળતા, પરંતુ સમયના બદલાતા પ્રવાહ સાથે હવે આ દૃશ્યો દુર્લભ બની ગયા છે. આધુનિકતાના આ યુગમાં અમદાવાદના માણેકચોકમાં હાલ ફક્ત એક જ દુકાન એવી છે જ્યાં કલઈનું કામ થાય છે. પહેલાના સમયમાં લોકો નવા તાંબા-પિત્તળના વાસણો ખરીદે ત્યારે કે પછી દિવાળી જેવા તહેવારો અગાઉ આવા વાસણોને ટીનનું આવરણ (કલાઈ) અચૂક કરાવતા હતા.
આપણા દૈનિક જીવનમાં કોઈ આપણા ખોટા વખાણ કરે ત્યારે આપણે હસીને કહી દઈએ છીએ કે, "રહેવાદો ભાઈ, ખોટી કલઈ ન કરો!" પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ 'કલઈ' શબ્દ આવ્યો ક્યાંથી? ક્યારેક અમદાવાદની પોળોમાં ઘરે-ઘરે ફરીને તાંબા-પિત્તળના વાસણોને ચમકાવતી આ કલઈ માત્ર વાસણોની ચમક વધારવા માટે નહીં, પણ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે એક અસલી કવચ સમાન હતી. જોકે, બદલાતા સમય સાથે આ શબ્દ ભલે રૂઢિપ્રયોગ બનીને રહી ગયો હોય, પરંતુ વાસણોની અસલી કલઈ કરનાર કારીગરો આજે લુપ્ત થવાના આરે છે.
80 વર્ષ જૂનો વારસો અને ચોથી પેઢીની મહેનત
માણેકચોકમાં છેલ્લા 80 વર્ષથી આ દુકાન ધમધમી રહી છે, અને હાલ તેની ચોથી પેઢી આ ઓક્સિજન પર ચાલી રહેલા પરંપરાગત ધંધાને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. દુકાનદારોના જણાવ્યા મુજબ, કલાઈ વિવિધ દેશોમાંથી આયાત થાય છે, જેમાં મોટેભાગે મલેશિયાથી આવતી કલાઈ સૌથી શુદ્ધ માનવામાં આવે છે, જેનો કિલોનો ભાવ આશરે ₹5400 જેટલો રહે છે. હાલના સમયમાં ઘરના રોજના વાસણો ઓછા આવે છે, પરંતુ દિવાળીના તહેવારમાં કેટરિંગ, હોટલ અને રેસ્ટોરન્ટના વાસણો માટે ઓર્ડર જરૂર આવે છે.
તાંબા-પિત્તળના વાસણોને કલાઈ કરવી કેમ છે જરૂરી?
તાંબુ અને પિત્તળ એ અત્યંત પ્રતિક્રિયાશીલ ધાતુઓ છે. જ્યારે તેમાં દાળ, કઢી કે ટમેટા જેવા ખાટા પદાર્થો રાંધવામાં આવે છે, ત્યારે તે ખોરાક સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ઝેરી તત્ત્વો ઉત્પન્ન કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ ઝેરી અસરથી બચવા વાસણની અંદરની બાજુએ કલાઈ(Tin)નો પાતળો થર ચડાવવામાં આવે છે. કલાઈ કરવાથી ખોરાકનો કુદરતી સ્વાદ જળવાઈ રહે છે અને વાસણો સરળતાથી સાફ પણ થઈ શકે છે. જો કે, કેટલાક કારીગરો ખર્ચ ઘટાડવા શુદ્ધ ટીનને બદલે તેમાં 'સીસું' (Lead) જેવી ઝેરી ધાતુ ભેળવતા હોય છે, જે લાંબે ગાળે લીવર, કિડની અને મગજની ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
કેમ ઘટી ગયું કલાઈવાળા વાસણોનું ચલણ?
તાજેતરના વર્ષોમાં તાંબા-પિત્તળના વાસણોનો વપરાશ ઘટવા પાછળ આપણી બદલાતી જીવનશૈલી અને આધુનિક ટૅક્નોલૉજી જવાબદાર છે.
- ઝીરો મેન્ટેનન્સ: સ્ટીલના વાસણો કટાઈ જતા નથી અને તેને કલાઈ કરાવવાની જરૂર પડતી નથી.
- ઇન્ડક્શન અને માઇક્રોવેવ: આધુનિક રસોડામાં ગેસ ઉપરાંત ઇન્ડક્શન કૂકટોપ વપરાય છે, જેના પર પરંપરાગત તાંબા-પિત્તળના વાસણો કામ કરતા નથી.
- વજન અને જાળવણી: તાંબા-પિત્તળના વાસણો ભારે હોય છે અને તેને સાફ કરવા માટે ખાસ પાવડરની જરૂર પડે છે, જ્યારે કલાઈ કરનારા કારીગરો સરળતાથી ઉપલબ્ધ ન હોવાથી લોકોએ આ વાસણોનો ઉપયોગ લગભગ બંધ કરી દીધો છે.




