Ahmedabad

દિવાળીના તહેવારોના આગમન સમયે જ અમદાવાદ શહેરનો શ્વાસ રૂધાયો, અમદાવાદી માટે શુદ્ધ હવા નહીં!

By GS Team
8 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં દિવાળી પહેલાં જ હવાની ગુણવત્તા ગંભીર બની છે. શહેરમાં AQI 150ને પાર કરી ગયો છે, જે રહેણાંક વિસ્તારોમાં પણ હવાને 'ઝેરી' સ્તરે લઈ ગયો છે. ફેક્ટરીઓનો ધુમાડો, વાહનો અને બાંધકામની ધૂળ મુખ્ય કારણો છે. ડોકટરો શ્વાસ સંબંધિત રોગો વધવાની અને બાળકો-વૃદ્ધોને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. આ સ્થિતિ દિવાળીમાં વધુ ખરાબ થવાની ભીતિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીના તહેવારોના આગમન સમયે જ અમદાવાદ શહેરનો શ્વાસ રૂધાયો, અમદાવાદી માટે શુદ્ધ હવા નહીં!
AI IMAGE

Ahmedabad Air Quality Index : દિવાળીના પર્વનું આગમન થયુ છે ત્યારે ત્યારે જ અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણે માઝા મૂકી છે. ઔદ્યોગિક વિસ્તારો તો ઠીક, રહેણાંક વિસ્તારોમાં હવા અત્યંત 'ઝેરી' સ્તરે પહોંચી ગઈ છે. દિવાળી પહેલાં જ અમદાવાદ શહેરની હવાણી ગુણવત્તા એટલી હદે કથળી કે, એર કવોલિટી ઇન્ડેક્સ 150ને પાર પહોંચી ચૂક્યો છે. આ જ સ્થિતિ રહી તો, દિવાળીમાં ફટાકડાં ફૂટ્યાં બાદ શહેરમાં હવાની સ્થિતિ વધુ ગંભીર બને તેવી ભીતિ સેવવામાં આવી રહી છે.

રહેણાંક વિસ્તારોમાં હવા અત્યંત 'ઝેરી' સ્તરે પહોંચી

એક બાજુ, અમદાવાદ શહેરને પ્રદૂષણમુક્ત બનાવવાના વાયદા-વચન અપાયા છે પણ લાખો કરોડોના ધુમાડા પછી પણ અમદાવાદીઓને હજુ શુદ્ધ હવા નસીબ થઈ નથી. અત્યાર સુધી સ્થિતિ કાબુમાં હતી પણ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં બધાય દિવસોમાં એર કવોલિટી ઇન્ડેક્સ 150ને પાર રહ્યો છે. શહેરમાં પ્રદૂષણની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ એર કવોલિટી ઇન્ડેક્સના આંકડા પરથી લગાવી શકાય છે જેમકે, નિકોલમાં 159, જજીસ બંગલો 159, મણિનગર 157, ઇસનપુર 156, નારણપુરા 154, ચાંદખેડા 156, રખિયાલ 156, ઘાટલોડિયા 154, નારોલ 154, શાહીબાગ 154 એર કવોલિટી ઇન્ડેક્સ રહ્યો હતો. ટૂંકમાં, દિવાળીના તહેવારો સમયે રહેણાંક અને વ્યાપારિક વિસ્તારોમાં પણ શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે.

image.png

ચીમની-વાહનોનો ધુમાડો, બાંધકામની ધૂળ જવાબદાર

વટવા, ઓઢવ, નારોલ અને પીપળજ જેવા ઔદ્યોગિક વિસ્તારોની ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો હવામાં ઝેર ભેળવી રહ્યો છે. આ ઉપરાંત કેટલીક ફેક્ટરીઓ રાત્રિના સમયે જૂના ટાયર, પ્લાસ્ટિક અને નકામું ઓઈલ સળગાવતી હોવાનું પણ સામે આવ્યું છે. શહેરમાં સતત વધી રહેલા વાહનો અને ટ્રાફિક જામના કારણે હવામાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધે છે.

અમદાવાદમાં ઠેર-ઠેર ચાલી રહેલા મેગા પ્રોજેક્ટ્સ અને ઈમારતોના બાંધકામ દરમિયાન ધૂળ ઉડતી અટકાવવા યોગ્ય નિયમોનું પાલન ન થવાને કારણે હવામાં પર્ટીક્યુલેક્ટ મેટરનું પ્રમાણ વધ્યું છે. પીરાણા ડમ્પિંગ સાઈટમાં અવાર-નવાર લાગતી આગ અને તેમાંથી નીકળતા ઝેરી વાયુઓ આસપાસના વિસ્તારોની હવાને સતત દૂષિત કરે છે. ઉલ્લેખનીય છે કે, વટવા, નારોલ અને ઓઢવ સહિતના વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોને ક્લોઝર નોટિસ ફટકારીને તાળા મારી દેવામાં આવ્યા હોવા છતાં, પ્રદૂષણની સ્થિતિ પર કાબૂ મેળવી શકાયો નથી.

150થી વધુ એર ક્વોલિટી ઈન્ડેક્સ હોય તો, ચાર સિગારેટનો ધુમાડો શ્વાસ મારફતે શ્વાસમાં પ્રવેશે

આ ઝેરી હવામાં શ્વાસ લેવાના કારણે હોસ્પિટલોમાં ખાસ કરીને શ્વાસ સંબંધી ઈમરજન્સીના કેસો વધવાની આશંકા તબીબો વ્યક્ત કરી રહ્યા છે. ઝેરી હવાને લીધે લોકોને આંખમાં બળતરા, ગળામાં ઈન્ફેક્શન અને સતત ઉધરસની સમસ્યા થઈ રહી છે. અસ્થમાં, બ્રોન્કાઈટીસ અને હ્રદયના દર્દીઓ માટે આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. તબીબોના મતે, લાંબા સમય સુધી આવી પ્રદૂષિત હવામાં રહેવાથી ફેફસાના કેન્સરનું જોખમ પણ વધી જાય છે. 150થી વધુ એર ક્વોલિટી ઈન્ડેક્સ હોય તો, ચાર સિગારેટનો ધુમાડો શ્વાસ મારફતે શ્વાસમાં પ્રવેશે છે. આવા સમયે વયોવૃદ્ધો, બાળકો અને શ્વાસના દર્દીઓને વહેલી સવારે કે મોડી રાત્રે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને માસ્કનો ઉપયોગ કરવે હિતાવહ છે.