VIDEO: 'જિજ્ઞેશભાઇને ન્યાય આપો...' મેવાણીના સમર્થનમાં ધોળકામાં 300થી વધુ લોકોનું શક્તિપ્રદર્શન, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dholka Jignesh Mevani Support Rally: વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આજે(5 ઓક્ટોબર) ધોળકામાં સર્વ સમાજના 300થી વધુ લોકોનું શક્તિપ્રદર્શન જોવા મળ્યું હતું. ભેટાવાડા, ત્રાસદ, પાલડી, અંબારેલી અને નેસડા સહિતના ગામોના લોકોએ ધોળકા સેવાસદન પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. લોકોનો આરોપ છે કે, 24 સપ્ટેમ્બરે પ્રદૂષણ મદ્દે કાઢેલી રેલીમાં ભાજપ વિરૂદ્ધ સોગંદ લેવાયા બાદ અકળાયેલા ભાજપે મેવાણીને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર રચ્યું છે.
મેવાણીના સમર્થનમાં ધોળકામાં 300થી વધુ લોકોનું શક્તિપ્રદર્શન
આવેદનપત્રમાં જણાવાયા મુજબ, યાકુબ શેરસીયા અને અરુણા પરમાર દ્વારા કરાયેલા તમામ આક્ષેપો ખોટા છે. યાકુબ શેરસીયાએ જિજ્ઞેશ મેવાણી પર ₹4 લાખ લીધા હોવાનો નાણાકીય આક્ષેપ કર્યો હતો. તો અરુણા પરમાર નામની મહિલાએ જિજ્ઞેશ મેવાણી તેમને હેરાન કરતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. યાકુબ શેરસીયા ખુદ લાંચ લેતા પકડાયેલો અને ગુનાહિત રૅકોર્ડ ધરાવતો શખ્સ હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રભારી ધવલ દવે દ્વારા જિજ્ઞેશ મેવાણીના બહેન સામે કરાયેલી ટિપ્પણી સામે ભારે રોષ વ્યાપી ગયો છે. આ મામલે ધવલ દવે સામે કાર્યવાહી કરવા પ્રેમજીભાઈ પરમારે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે લેખિત અરજી પણ આપી છે.
બીજી તરફ, ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા જિજ્ઞેશ મેવાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પોલીસે અંદર ન પ્રવેશવા દેતાં તેને તાનાશાહી ગણાવી આવેદનપત્રમાં આકરો વિરોધ નોંધાવાયો છે. ખોટા આક્ષેપો કરનારા તમામ તત્વો સામે સખત શિક્ષાત્મક પગલાં ભરવાની માગ કરાઈ છે.




