અમદાવાદ: AMCના અધિકારીઓની બાજી ઊંધી પડી, SBRનું સફેદ હાથી જેવું મલ્ટીલેવલ પાર્કિંગ કરોડોમાં વેચવાની દરખાસ્ત ફગાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Municipal Corporation News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સિંધુભવન રોડ પર આવેલા મલ્ટી લેવલ પાર્કિંગના કાયમી વેચાણ, અસારવાના EWS ક્વાર્ટર્સ અને સાબરમતી રિવરફ્રન્ટ પર ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમા સ્થાપિત કરવા અંગેની જાહેરાતો કરી હતી. બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 53 વર્ષ જૂના સુભાષ બ્રિજને આધુનિક ધોરણો સાથે સંપૂર્ણપણે નવો બનાવવાની પણ ટેકનિકલ જાહેરાત કરવામાં આવી છે.
સિંધુભવન મલ્ટી લેવલ પાર્કિંગમાં 99 વર્ષના ભાડાપટ્ટાને બદલે કાયમી વેચાણ કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મિલકતને 99 વર્ષના ભાડાપટ્ટે આપવાને બદલે કાયમી વેચાણ પેટે આપવાનું આયોજન કરાયું છે. સિંધુભવન રોડ પર આવેલું મલ્ટી લેવલ પાર્કિંગ આ અંતર્ગત વેચવામાં આવશે. જો કે, ચેરમેને સ્પષ્ટતા કરી હતી કે આ કામને ભવિષ્યમાં મંજૂરી આપતા પહેલા અધિકારીઓ પાસે 2-3 મહત્ત્વની બાબતોના ખુલાસા મંગાયા બાદ ભવિષ્યમાં મંજૂરી છે. જેમ કે…
•પાર્કિંગના બીજો, ત્રીજો અને ચોથા માળનો ઉપયોગ ભવિષ્યમાં ખરીદનાર વ્યક્તિ કઈ રીતે કરશે તેની સ્પષ્ટતા.
•બાંધકામ સમયે ઉપલબ્ધ FSI અને બાકી રહેલી FSIની વિગતો.
•જો ખરીદનાર ભવિષ્યમાં આ બિલ્ડિંગ તોડીને 12-14 માળની હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવે, તો તેમાં AMCના અધિકારો શું રહેશે તેની કાયદાકીય સ્પષ્ટતા.
જમીન અને બાંધકામના ગણીને કુલ 370 કરોડ રૂપિયાની આસપાસ પાંચ માળની આખી આ ઈમારતનો ભાવ અંદાજવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ.ના ઈતિહાસમાં પહેલી વખત આવી રીતે કોઈ મિલકતનું વેચાણ થઈ રહ્યું હતું.
EWS ક્વાર્ટર્સમાં ગેરકાયદે કબજો કરનારા સામે કાયદેસરની કાર્યવાહી
બેઠકમાં અસારવા વિસ્તારના સ્થાનિક સભ્ય દ્વારા જડેશ્વર મિલ ખાતે આવેલા EWS ક્વાર્ટર્સના 17 મકાનોમાં ગેરકાયદે કબજો હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગે ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, 'ગેરકાયદે રહેતા લોકોનો સામાન જપ્ત કરી લેવામાં આવ્યો છે.' સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ મામલે કમિશનર અને ડેપ્યુટી કમિશનરને કડક સૂચના આપતાં જણાવ્યું છે કે, 'આવા તત્ત્વો સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવે.'
પોરાનાશક કામગીરી: મકાનો વધતાં મેનપાવર 903 કરાયો
શહેરમાં વધી રહેલા શહેરીકરણને પહોંચી વળવા મચ્છર અને પોરાનાશક કામગીરીના સંસાધનો વધારાયા છે. વર્ષ 2025-26માં શહેરમાં 19,34,400 ઘર હતા, જે વર્ષ 2026-27માં વધીને 22,88,500 થયા છે. મકાનોની સંખ્યા વધવાને કારણે ગત વર્ષના 704 કર્મચારીઓની સામે આ વર્ષે ફિલ્ડ વર્ક માટે 903 માણસોનો સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે.
રિવરફ્રન્ટ પર ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની ભવ્ય પ્રતિમા મુકાશે
આગામી છઠ્ઠી જુલાઈએ દેશના અગ્રણી નેતા ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેમની પ્રતિમા સ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચેરમેને આ પ્રોજેક્ટ માટેની જરૂરી વહીવટી અને ટેકનિકલ પ્રક્રિયા તાકીદે શરૂ કરવા કમિશનરને આદેશ આપ્યો છે.









