Ahmedabad

સાબરમતી જેલમાં બેઠા બેઠા કેવી રીતે ગેંગ ચલાવી રહ્યો છે લોરેન્સ બિશ્નોઈ? કેનેડા-યુકે સુધી ખંડણી અને હત્યાનું નેટવર્ક

By GS Team
27 Oct 20265 mins read
TukuTouch Logo
સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી જ તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. તેણે સલમાન ખાનને ધમકાવવાથી માંડીને સિદ્ધુ મુસેવાલા અને ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગમાં સંડોવણી દર્શાવી છે. ગુજરાત ATS દ્વારા પણ બિશ્નોઈ ગેંગના 2 આરોપીઓ પકડાયા છે. કેનેડા પોલીસે અમદાવાદમાંથી બિશ્નોઈના નેટવર્કનો દાવો કર્યો છે, જે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરમતી જેલમાં બેઠા બેઠા કેવી રીતે ગેંગ ચલાવી રહ્યો છે લોરેન્સ બિશ્નોઈ? કેનેડા-યુકે સુધી ખંડણી અને હત્યાનું નેટવર્ક

Lawrence Bishnoi Gang: દિલ્હીમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ બંને ગુજરાતીઓ છે, ત્યારે ભારતનો સૌથી મોટો ગેંગસ્ટર ગંગાતો લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલના કહેવાતા હાઈ સિક્યોરીટી ઝોનમાંથી બેઠા બેઠા માત્ર દેશમાં જ નહીં, પરંતુ અમેરિકા અને યુકે તેમજ કેનેડામાં તેની ગેંગની મદદથી મોટાપ્રમાણમાં ગુનાઈત પ્રવૃત્તિ આચરીને ભય ફેલાવી રહ્યો છે. ત્યારે દિલ્હીથી થતા સબ સલામત હોવાના દાવાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. નોંધનીય છે કે,સલમાનખાનને મારી નાખવાની ધમકી આપવાથી માંડીને સિદ્ધુ મુસેવાલાની હત્યા અને છેલ્લે ટાઈગર શ્રોફ પર કરવામાં આવેલા ફાયરિંગમાં લોરેન્સ બિશ્નોઈની સંડોવણી સામે આવી છે. થોડા દિવસ પહેલા ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચે પણ મેડ સંધુની હત્યા કેસના બે આરોપીઓને ઝડપી લીધા હતા. જે બિશ્નોઈ ગેંગ માટે કામ કરતા હતા.

ગુજરાતમાં ગેંગ સક્રિય હોવા અંગે પોલીસ અજાણ!

ડ્રગ્સ સ્મગલિંગ અને ખંડણી, હત્યા, અપહરણ જેવા દેશના અનેક હાઈપ્રોફાઈલ કેસમાં સંડોવાયેલો કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ છેલ્લા સાડા ત્રણ વર્ષથી એટલે કે મે 2023થી સાબરમતી સેન્ટ્રલ જેલના હાઈ સિક્યોરીટી વોર્ડમાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા હાલની ભારતીય ન્યાય સંહિતાની કલમ 303 હેઠળ આકરા પગલા ભરીને તેને અન્ય રાજ્યમાં ટ્રાન્સિટ રિમાન્ડ પર લઈ જવા પર પ્રતિબંધ છે. તેને સાબરમતી સેન્ટ્રલમાં રાખવાનો હેતું ગેંગની પ્રવૃતિ પર કાબુ મેળવવાનો હતો. પરંતુ, ગુજરાત અને દેશમાં સબ સલામત હોવાના દાવા વચ્ચે લોરેન્સ બિશ્નોઈ હાઈ સિક્યોરીટી ઝોનમાં બેઠા બેઠા તેની ગેંગને ઓપરેટ કરવાની સાથે હમલા કરાવી રહ્યો છે.

કેન્દ્ર સરકારની ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા જ ચોંકાવનારા રિપોર્ટ કરાયા છે કે, લોરેન્સ બિશ્નોઈ જેલમાં બેઠા બેઠા વીડિયો કોલથી કે તેના સાગરિતોને સુચના આપી ખંડણી, ડ્રગ્સ અને હત્યાની ગુનાઈતિ પ્રવૃતિ આચરી રહ્યો છે. વર્ષ 1998માં સલમાન ખાન દ્વારા કાળા હરણનો શિકાર કરવાના મામલે તેણે ધમકી આપતા તે લાઈમલાઈટમાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે ડ્રગ્સ અને સોપારી કીલીંગ શરૂ કર્યું હતું. સાથે સાથે કેનેડા, યુએસ અને યુકે પણ ગેંગ સક્રિય કરી હતી.

કેનેડા અને અમેરિકાની ગેંગનું સંચાલન ગોલ્ડી બ્રારને સોપ્યું છે. જ્યારે યુરોપમાં પણ ગેંગસ્ટર રોહિત ગોદારાની મદદથી ગેંગ ચલાવે છે. મે 2022માં તેશે પંજાબના જાણીતા ગાયક સિદ્ધ મુસેવાલાની હત્યા કરાવી કરાવી હતી, ડિસેમ્બર 2023માં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુરખેવસિંહ ગોગામેડીની હત્યા અને એન એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં પણ લોરેન્સ બિશ્નોઇ ગેંગની હાથ હતો. આ તમામ હત્યા તેણે જેલમાં બેઠા બેઠા કરાવી હતી. સાથેસાથે તમામ સુચનાઓ તેની હાઇસિક્યોરીટી ઝોન ગણાતી સેલમાંથી આપતો હોવાની પણ ચર્ચા છે. થોડા દિવસ પહેલા અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાંથી મેડ સંધુની હત્યા કેસમાં સેંડોવાયેલા આરોપીઓ પણ ઝડપાયા હતા. જે લોરેન્સ માટે કામ કરતા હતા.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે માત્ર ભારતની ઇન્ટેલીજન્સ એજન્સીઓ જ નહી પણ અન્ય દેશોમાં પણ એવા ઇનપુટ અપાયા છે કે, લોરેન્સ બિશ્વોઈ જેલમાંથી ગેંગનું સંચાલન કરે છે. ત્યારે સાબરમતી જેલમાં દેશમાં કાયદો અને વ્યવસ્થા માટે નહી પણ લોરેન્સ બિશ્નોઈની ગેંગ માટે સલામત સ્થળ બની ગયું હોથ તેવો ઘાટ ઊભો થયો છે.

અમદાવાદથી નેટવર્ક ચલાવતો હોવાનો કેનેડા પોલીસનો દાવો

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની જેલમાં બેઠાબેઠા ગ્લોબલ કાઈમની સિન્ડિકેટ ચલાવી રહ્યો હોવાનો દાવો કેનેડાની પોલીસ દ્વારા થોડા સમય અગાઉ કરવામાં આવ્યો હતો. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે, ભારત સ્થિત અમદાવાદની જેલમાંથી ઓર્ગેનાઈઝ કાઈમનો માસ્ટરમાઇન્ડ લોરેન્સ બિશ્નોઈ હજી પણ ખંડણી, ડ્રગ્સની હેરાફેરી અને કોન્ટ્રેક્ટ કિલિંગનું નેટવર્ક ચલાવી રહ્યો છે. કચ્છ-ગુજરાત સહિત ભારત અને દુનિયામાં હજુ બિશ્નોઈના ગેંગના લોકો સક્રિય હોવાનો દાવો ભારતમાં પોલીસ કરી ચુકી છે, ત્યારે કેનેડાની પોલીસના આ રિપોર્ટથી ખળભળાટ મચી ગયો હતો.

અમિત શાહનો મત વિસ્તાર જ લોરેન્સ બિશ્નોઈ માટે 'સેફ ઝોન'

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જ્યારે પણ સંસદ કે જાહેર મંચ પરથી બોલે છે, ત્યારે તેનો જુસ્સો દેશપ્રેમીઓના દિલ જીતી લે છે. ભારતને ડ્રગ્સ મુક્ત કરીશું, આતંકવાદનો સફાયો કરીશું, જો પાકિસ્તાન કે ચીને સરહદ પર આંખ ઉઠાવવી તો નામોનિશાન મિટાવી દઈશું, શાહની આ ગર્જના તેના મજબૂત રાજકીય કદને દર્શાવે છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. ભાજપની રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતની હાઈ-પ્રોફાઈલ સાબરમતી જેલ અત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ 'સેફ હેવન' બની છે અને આ વિસ્તાર અમિત શાહનો જ મત વિસ્તાર છે.

ખુદ સુરક્ષા એજન્સીઓ સ્વીકારી ચુકી છે કે સાબરમતી જેલમાં બેઠા બેઠા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પંજાબના પ્રખ્યાત સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરું ઘડી શકે છે, બોલિવૂડ સ્ટાર્સને ધમકાવી શકે છે અને દેશભરમાંથી કરોડોની ખંડણી ઉઘરાવી શકે છે. આ આખી સ્થિતિ કાયદો અને વ્યવસ્થાની લીરેલીરા ઉડાડનારી છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગૃહ મંત્રી અમિત શાહ અત્યારે ચોતરફી વ્યસ્ત છે. તેના માથે ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતાડવાની મોટી જવાબદારી છે. સળગતું મણિપુર કેવી રીતે શાંત કરવું તેનું ટેન્શન છે, કાશ્મીરમાં આતંકવાદ ઉથલો ન મારે તેની ચિંતા છે અને પંજાબમાં ભાજપનો દબદબો વધારવા તેઓ સક્રિય છે. અંડરવર્લ્ડની ગલિયારાઓમાં અત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, અમારા વિના ચૂંટણી જીતી શકાય તેમ નથી, અમે જ નેતાઓને સંસદ-વિધાનસભામાં મોકલીએ છીએ. આજ આત્મવિશ્વાસને કારણે જેલમાં બંધ ગુનેગારોને કોઈનો ડર રહ્યો નથી. જેલના અધિકારીઓ પણ કદાચ એ ડરથી ફફડી રહ્યા છે કે, જો લોરેન્સ દિલ્હી સુધી કોઈ 'સંદેશો' પહોંચાડી દેશે, તો તેમની આખી કરિયર દાવ પર લાગી જશે.

આ બધા રાષ્ટ્રીય મોરચાઓ વચ્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ક્યાંક અમિત શાહના 'પ્રાયોરિટી લિસ્ટ' માંથી બહાર થઈ ગયો હોય તેમ લાગે છે, અને આ જ વ્યસ્તતાનો લાભ લઈને લોરેન્સને જેલમાં મોકળો દોર મળી ગયો છે. ચિંતાજનક બાબત એ છે કે જે ગુજરાતમાં કડક દારૂબંધી છે પણ જાણે ડ્રગ્સબંધી નથી. તે આજે ડ્રગ્સના સેફ લેન્ડિંગ માટે બદનામ થઈ રહ્યું છે. દારૂ અને ડ્રગ્સની હેરાફેરી હવે અહીં નવી વાત રહી નથી. ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતની જનતા હવે આ બધું જોઈને ટેવાઈ ગઈ હોય તેમ 'કોઠો પડી ગયો' છે.