Ahmedabad

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે કુલડીમાં ગોળ ભાંગ્યો! દાવા સાથે વકીલોએ હડતાળ યથાવત્ રાખી, પ્રમુખ માઈક તોડીને જતાં રહ્યા

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
ગુજરાત ભાડા વિધેયક-2026 સામે છેલ્લા 6 દિવસથી ચાલી રહેલી વકીલોની હડતાળ બાર કાઉન્સિલ દ્વારા પરત ખેંચાતા અમદાવાદના વકીલોમાં આક્રોશ ફાટી નીકળ્યો. બુધવારે મળેલી તાત્કાલિક બેઠકમાં અમદાવાદ બારના પ્રમુખ જગત ચોકસી અને સ્મોલ કોઝ બારના પ્રમુખ પ્રજાપતિને બરતરફ કરાયા. વિનોદ દીક્ષિત અને સી.એમ. વિરમગામીની નવા કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ. વકીલોએ 10 ઑક્ટોબર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે કુલડીમાં ગોળ ભાંગ્યો! દાવા સાથે વકીલોએ હડતાળ યથાવત્ રાખી, પ્રમુખ માઈક તોડીને જતાં રહ્યા

Gujarat Rent Bill 2026 Lawyers Strike: ગુજરાત ભાડા વિધેયક-2026નો રાજયભરના વકીલો છેલ્લા 6 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. જેને લઇને બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે કુલડીમાં ગોળ ભાગી મંગળવારે(6 ઑક્ટોબર) સાંજે રાજ્ય ગૃહમંત્રી સાથે બેઠક કરી હડતાળ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જેને લઇને સિટી સિવિલ ઍન્ડ સેશન્સ કોર્ટ અને સ્મોલ કોઝ કોર્ટના વકીલોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. જેને ધ્યાનમાં રાખીને બુધવારે(7 ઑક્ટોબર) તાત્કાલિક જનરલ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ઉગ્ર વાતાવરણ ગરમાતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વકીલોએ અમદાવાદ બારના પ્રમુખ જગત ચોકસી અને સ્મોલ કોઝ બારના પ્રમુખ જયશંકર પ્રજાપતિને બરતરફ કર્યા હતા. અને અમદાવાદ બારના કાર્યકારી પ્રમુખ તરીકે વરિષ્ઠ ધારાશાસ્ત્રી વિનોદ દીક્ષિત અને સ્મોલ કોઝ બારના પ્રમુખ તરીકે સી.એમ.વિરમગામીની નિમણૂક કરવામાં આવી હતી. સિટી સિવિલ ઍન્ડ સેશન્સ કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વાર બનેલી ઘટનાથી રાજયભરના વકીલોમાં સન્નાટો છવાઈ ગયો હતો.

અમદાવાદ બાર અને સ્મોલ કોઝ બારના પ્રમુખોને બરતરફ કર્યા

અમદાવાદ બારના કાર્યકારી પ્રમુખ વિનોદ દીક્ષિતે વકીલોના હિત માટે પોતાનો રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે બાર કાઉન્સિલ ઑફ ગુજરાત તેમજ રાજ્યના 280 બાર ઍસોસિયેશનના વકીલોના સલાહ-સૂચનો લીધા વગર ભાડા વિધેયક 2026નો નવો કાયદો બનાવ્યો હતો. અને તે કાયદો ચલાવવાની સત્તા જ્યુડિશયરી પાસેથી છીનવી લઈ વહીવટી અઘિકારીઓને સોંપી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે વકીલોમાં અસંતોષ ફેલાયો હતો. અને છેલ્લા 6 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. જેને રાજકીય અખાડો બની ગયેલા વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે ટેકો જાહેર કર્યો હતો.

વકીલોએ છેડેલા ઉગ્ર આંદોલન સામે સરકાર ફફડી

વકીલોએ છેડેલા ઉગ્ર આંદોલન સામે સરકાર ફફડી ગઈ હતી. અને રાજકીય અખાડો બની ગયેલા બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના સભ્યો સાથે મસલતો કરી મંગળવારે મોડી સાંજે ગાંધીનગર ખાતે બેઠક બોલાવવામાં આવી હતી. જે બેઠકમાં અમદાવાદ બારના પ્રમુખ, સેક્રેટરી અને સ્મોલ કોઝ કોર્ટ બારના પ્રમુખ અને સેક્રેટરી સહિત બાર કાઉન્સિલના સભ્યો હાજર રહ્યા હતા. જે બેઠકમાં સરકાર તરફે 15 દિવસમાં કાયદામાં સુધારો કરી નવો કાયદો બનાવી તમામ સત્તા જયુડીશીયરીને આપવાની મૌખિક ખાતરી આપી હતી.

બેઠક પુરી થયા બાદ બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે કુલડીમાં ગોળ ભાગી હડતાળ પરત ખેંચવાના નિર્ણયની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે લેખિતમાં કે પ્રેસમાં કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી. જેને કારણે સિટી સિવિલ ઍન્ડ સેશન્સ કોર્ટ અને સ્મોલ કોઝ કોર્ટના વકીલોમાં ભારે ઉગ્ર રોષ ફેલાયો હતો. બુધવારે અમદાવાદ બાર અને સ્મોલ કોઝ બારના વકીલોની તાત્કાલિક અસરથી જનરલ બેઠક બોલાવવામાં આવી હતી.

સરકારે બાર કાઉન્સિલ ઑફ ગુજરાત સાથે મળીને વકીલોની હડતાળ બંધ કરાવી દેવાનો કારસો રચ્યો

બેઠકમાં વકીલોએ પોતાના મંતવ્યો રજૂ કરી બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી તેનો સખત વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે ભાડા વિધેયક -2026ની સત્તા જ્યુડિશયરીને આપવાની અને નવો કાયદો બનાવવા અંગે કોઈ લેખિતમાં આપ્યું નથી. તેમજ રાજ્ય સરકારે પ્રેસમાં પણ આ અંગે કોઈ માહિતી આપી નથી. રાજ્ય સરકારે બાર કાઉન્સિલ ઑફ ગુજરાત સાથે મળીને વકીલોની હડતાળ બંધ કરાવી દેવાનો કારસો રચ્યો હોય તેવા આક્ષેપો કર્યા હતા.

બેઠકમાં અમદાવાદ બારના પ્રમુખએ હડતાળ પુરી થઈ ગઈ હોવાનું કહેતા હાજર વકીલોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી આવેશમાં આવી ગયેલા પ્રમુખે માઈક તોડીને જતાં રહેતાં ભારે હોબાળો મચી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વકીલોએ ટપલીદાવ પણ કર્યો હતો. જેને પગલે કોર્ટ પરિસરમાં વાતાવરણ ગરમાયું હતું. બંને બારના પ્રમુખોને બરતરફ કરવા માટે વકીલોએ સહી ઝુંબેશ હાથ ધરી હતી. જે કાગળ ફાડી નાખવામાં આવતા ફરીથી વકીલ GEN Z સ્ટાઈલમાં વિફર્યા હતા. બપોરે વકીલોની યોજાયેલી બેઠકમાં બંને બારના પ્રમુખોને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી. 10 ઑક્ટોબર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.