Ahmedabad

ક્રિકેટરોના કરોડો ડૂબાડનાર BZ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, CID ક્રાઇમ પાસે માગ્યો ખુલાસો

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાતના BZ ગ્રૂપના પોન્ઝી સ્કીમ કૌભાંડમાં હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા જેવા ક્રિકેટરો સાથે કરોડોની છેતરપિંડી થઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે CID ક્રાઈમ અને પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવી સ્પષ્ટ ખુલાસો માંગ્યો છે. ક્રિકેટરોના વકીલે યોગ્ય કાર્યવાહીમાં વિલંબનો આરોપ લગાવ્યો હતો. ધવલ શાહ, પુનિતા શાહ અને વિરલ શાહની શંકાસ્પદ ભૂમિકાને લઈને પણ કોર્ટે ખુલાસો માંગ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિકેટરોના કરોડો ડૂબાડનાર BZ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, CID ક્રાઇમ પાસે માગ્યો ખુલાસો

Gujarat HC Steps In Over BZ Group Ponzi Scheme: ગુજરાતના ચકચારી BZ ગ્રૂપના ભૂપેન્દ્ર ઝાલા સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ભારતીય ક્રિકેટરો સાથે થયેલી છેતરપિંડીનો મામલો ગરમાયો છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર વલણ અપનાવીને તપાસ એજન્સીઓ સામે સવાલ ઉઠાવ્યા છે.

ક્રિકેટરોનું કરોડોનું રોકાણ અને વિવાદ

ભારતીય ક્રિકેટર હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવના રોકાણ સાથે જોડાયેલા આ વિવાદમાં IPL ફ્રેન્ચાઇઝી 'ગુજરાત ટાઇટન્સ'ના પૂર્વ મેનેજર ધવલ શાહ, તેના પત્ની પુનિતા શાહ અને વિરલ શાહની ભૂમિકા શંકાસ્પદ જણાઈ છે. એવા આક્ષેપો છે કે, ધવલ શાહે ક્રિકેટ જગતમાં તેમના હોદ્દા અને સંબંધોનો ગેરલાભ લઈને ભૂપેન્દ્ર ઝાલા માટે રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો. ક્રિકેટરોને ટૂંકા ગાળામાં ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને કરોડોનું રોકાણ કરાવાયું હતું, પરંતુ સમય પૂરો થવા છતાં તેમને વળતર મળ્યું ન હતું.

હાઈકોર્ટમાં વકીલની આક્રમક રજૂઆત

ગુજરાત હાઈકોર્ટમાં ક્રિકેટરો વતી હાજર એડવોકેટ કિશન ચકવાવાલાએ રજૂઆત કરી હતી કે, બોડકદેવ પોલીસ સ્ટેશન સહિતના સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત ફરિયાદો કરવા છતાં યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં જાણી જોઈને વિલંબ અને ઉદાસીનતા દાખવાઈ રહી છે. આટલા મોટા કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય જવાબદારો સામે યોગ્ય ગુનાઇત કલમો હેઠળ નિષ્પક્ષ તપાસ થવી અનિવાર્ય છે.

CID ક્રાઇમ અને પોલીસની ભૂમિકા પર સવાલ

અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે પોલીસને ફરિયાદો અંગે ત્વરિત નિર્ણય લેવા આદેશ આપ્યો હતો. હવે BZ ફાઇનાન્સિયલ સર્વિસિસ સામે નોંધાયેલી ફરિયાદમાં ધવલ શાહ, પુનિતા શાહ અને વિરલ શાહ જેવા મુખ્ય પાત્રોને આરોપી તરીકે કેમ સામેલ કરવામાં આવ્યા નથી? તે અંગે હાઈકોર્ટે CID ક્રાઇમ પાસે સ્પષ્ટ ખુલાસો માગ્યો છે. આગામી સુનાવણીમાં તપાસની પ્રગતિ અને સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિ બાબતે કડક સૂચના અપાઈ છે, જેથી આગામી દિવસોમાં આ કેસમાં નવા ખુલાસા થવાની પૂરી સંભાવના છે.