VIDEO: ‘SD Pay’ અને ‘Apna Pay’ ₹1200 કરોડના ફ્રોડ સામે કોંગ્રેસનું ઓનલાઇન અભિયાન, QR કોડ-લિંક જાહેર કરી વિધાનસભાથી સંસદ સુધી લડતની ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Congress Online Campaign SD Pay-Apna Pay Scam: ગુજરાતમાં SD Pay અને અપના પેના નામે 1200 કરોડના ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિ માટે કોંગ્રેસે ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે. રાજ્યમાં SD Pay અને અપના પેના નામે થયેલા ઓનલાઇન ફ્રોડમાં 6.5 લાખ પરિવારો સાથે 1200 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવા છતાં સરકાર મૌન છે. આ પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને તેમની લૂંટાયેલી બચત પરત મળે તે માટે કોંગ્રેસ દ્વારા change.org પ્લેટફોર્મ પર ઓનલાઇન પિટિશન અને રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં, આગામી 1 મહિનામાં પીડિતોની વિગતો એકત્ર કરી મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવાની અને જો બજેટ સત્ર પહેલાં યોગ્ય ઉકેલ નહીં આવે તો વિધાનસભાથી લઈને સંસદ સુધી લડત ચલાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ઓનલાઇન ફ્રોડમાં ₹1200 કરોડથી વધુની રકમ અને 6.5 લાખ પરિવારો લૂંટાયા: કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું કે, 'થોડા દિવસ પહેલાં અમારા AICCના મહામંત્રી અને ગુજરાત પ્રભારીની ઉપસ્થિતિમાં અમે વિગતવાર વાત મૂકી હતી કે કેવી રીતે સરકારના નાક નીચે ધોળા દિવસે લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. SD Pay અને અપના પેના નામે થયેલા ઓનલાઇન ફ્રોડમાં 1200 કરોડ રૂપિયાથી વધુની રકમ અને 6.5 લાખ પરિવારો લૂંટાયા છે, છતાં ગુજરાત સરકાર કે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. આ પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. દેશમાં છેલ્લા 5 વર્ષમાં સંસદીય સમિતિના અહેવાલ મુજબ ઓનલાઇન ચીટિંગની 54 લાખ ફરિયાદોમાંથી માત્ર 2.4% કેસોમાં જ ફરિયાદ થઈ છે. ગુજરાતમાં પણ વર્ષ 2025ના ફક્ત 9 મહિનામાં જ આશરે 1,42,000 ફ્રોડ કોલ આવ્યા અને લગભગ 72,000 લોકોના 600 કરોડ રૂપિયાથી વધુની રકમ આ ધુતારાઓએ લૂંટી લીધી છે.'
'જવાબદારી છતાં સરકાર મૌન…'
વધુમાં તેમણે કહ્યું કે, 'આ સમગ્ર નેટવર્ક અને ઍપ્લિકેશનને રેગ્યુલેટ તેમજ મોનિટર કરવાની જવાબદારી સરકારની હતી, છતાં સરકાર સંપૂર્ણ મૌન છે અને લોકોને કોઈ આશ્વાસન આપવા પણ તૈયાર નથી. કોંગ્રેસે આ 6.5 લાખ પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને તેમના લૂંટાયેલા નાણાં પરત મળે તે માટે change.org પ્લેટફોર્મ પર એક ઓનલાઇન પિટિશન શરૂ કરી છે. અમારી અગાઉની પ્રેસ કોન્ફરન્સ પછી ઘણા લોકોએ સંપર્ક કરીને પોતાની વ્યથા જણાવી છે. આ પિટિશન માત્ર ભોગ બનેલા લોકો માટે જ નહીં, પરંતુ સાયબર ફ્રોડ રોકવા સરકાર પર દબાણ લાવવા અને જવાબદારી નક્કી કરવા માટે દરેક નાગરિકના સમર્થન માટે છે. લોકો સરળતાથી જોડાઈ શકે તે માટે અમે લિંક અને ક્યુઆર કોડ પણ જાહેર કર્યા છે. જેના દ્વારા નામ, નંબર અને ઈમેઇલ આપીને સહી કરી શકાય છે. આગામી દિવસોમાં અમે તમામ જિલ્લા મથકોએ પણ આ અભિયાનને લઈ જઈશું.'
કોંગ્રેસનું કહેવું છે કે, 'આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ સરકારની જવાબદારી નક્કી કરીને પીડિતોની આખી જિંદગીની લૂંટાયેલી બચત પાછી અપાવવાની અને ભવિષ્ય માટે ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવાની લડત છે. આવનારા 1 મહિનામાં અમે તમામ પીડિતો પાસેથી વિગતો એકત્રિત કરીને ગુજરાત વિધાનસભા અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરીશું. જો સરકાર આગામી બજેટ સત્ર પહેલાં આ પરિવારોને આશ્વસ્ત નહીં કરે અને યોગ્ય નિવેડો નહીં લાવે, તો અમે ગુજરાત વિધાનસભાથી લઈને સંસદ સુધી આ લડાઈ લડીશું.'




