અમદાવાદમાં વ્હોટ્સએપ પર APK ફાઈલ મોકલી વૃદ્ધનો ફોન હેક, પેન્શન કાર્ડના નામે રૂ.2.40 લાખ ઉપાડી લીધા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Crime News: અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધને 'બૅંક ઓફ બરોડામાંથી બોલું છું અને તમારું પેન્શન કાર્ડ બનાવી આપીશ' તેવી લાલચ આપી એક ગઠિયાએ વ્હોટ્સએપ પર શંકાસ્પદ APK ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. જે બાદ વૃદ્ધનો મોબાઈલ ફોન હેક કરી તેમના બૅંક ખાતામાંથી ટુકડે- ટુકડે કુલ 2.40 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનાર વૃદ્ધને સાયબર ફ્રોડ થયાની જાણ થતા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પેન્શન કાર્ડ અને સિનિયર સિટીઝન વેરિફિકેશનના નામે રચ્યો ખેલ
દરિયાપુર ખાતે નગીના પોળ, તંબુ ચોકી પાસે રહેતા અને કાલુપુર ટોપીવાળાની પોળમાં પર્સ (પાકીટ) બનાવવાની મજૂરી કરતા 65 વર્ષીય ગુલામનબી રસુલમીયા શેખનું બૅંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાની દરિયાપુર શાખામાં છે. 13મી ઓક્ટોબરના રોજ સવારે આશરે 9 વાગ્યે તેઓ ઘરે હાજર હતા, ત્યારે તેમના મોબાઈલ પર અજાણ્યા શખસનો કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ બૅંક ઓફ બરોડાની મુંબઈ (બોમ્બે) શાખામાંથી ઈમરાન હુસેન તરીકે આપી હતી અને વૃદ્ધને જણાવ્યું હતું કે, જો તમારું પેન્શન કાર્ડ ન હોય તો અમે બનાવી આપીશું.
APK ફાઈલ ડાઉનલોડ કરાવતા જ ખાતું સાફ થઈ ગયું
આ માટે આરોપીએ ચાલુ કોલ દરમિયાન ગુલામનબી શેખના વ્હોટ્સએપ પર "BOB BANK SENIOR CITIZEN VERIFICATION APK" નામની ફાઈલ મોકલી હતી. ગઠિયાની વાતમાં આવી જઈ વૃદ્ધે તે ફાઈલ ડાઉનલોડ કરી પરમિશન એલાઉ કરી દીધી હતી. ત્યારબાદ તે એપ્લિકેશનમાં નામ, મોબાઈલ નંબર તેમજ એમ-પીન અને ટી-પીન નાખવા કહ્યું હતું. વૃદ્ધે વિગતો ભરતાં જ ગઠિયાએ પ્રોસેસ ચાલુ હોવાનું કહી ફોન ચાલુ રખાવ્યો હતો અને થોડી જ વારમાં તેમના ખાતામાંથી રૂ.1,80 લાખ, રૂ. 25 હજાર , રૂ. 25 હજાર અને રૂ. 10 હજાર મળી કુલ રૂ. 2.40 લાખ ડેબિટ થઈ ગયા હતા.
પૈસા કપાતાં જ વૃદ્ધે સાયબર ક્રાઈમમાં જાણ કરવાની વાત કરતા ગઠિયાએ ફોન કાપી નાખ્યો હતો. બેંકમાં જઈ ખાતરી કર્યા બાદ વૃદ્ધે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કરી હતી અને ત્યારબાદ દરિયાપુર પોલીસ મથકે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




