Ahmedabad

અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, સ્થાનિકોએ પકડી પોલીસને સોંપ્યો; કારમાંથી દારૂની 2 બોટલ મળી

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સોલા-નારણપુરા રોડ પર દારૂના નશામાં ઝીગઝેગ કાર હંકારતા યતીન પટેલ નામના ચાલકને સ્થાનિકોએ પકડી પાડ્યો હતો. જૈન પાર્શ્વનાથ મંદિર પાસે રાત્રે 10 વાગ્યે લક્ઝુરિયસ કારમાંથી વિદેશી દારૂની 2 બોટલ મળી આવી હતી. ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, સ્થાનિકોએ પકડી પોલીસને સોંપ્યો; કારમાંથી દારૂની 2 બોટલ મળી

Ahmedabad Drunk Driving Case Sola Naranpura Road : શહેરના સોલા-નારણપુરા રોડ પર દારૂના નશામાં કાર હંકારતા ચાલકને સ્થાનિક લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો. જૈન પાર્શ્વનાથ મંદિર નજીક ગત રાત્રે અંદાજે 10 વાગ્યે લક્ઝુરિયસ કારનો ચાલક જોખમી રીતે ઝિગઝેગ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. શંકા જતાં સ્થાનિકોએ કારને અટકાવી ચાલકને બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી. ઘાટલોડિયા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝિગઝેગ ડ્રાઇવિંગથી રસ્તા પર ભયનો માહોલ

મળતી વિગતો પ્રમાણે, સોલા-નારણપુરા રોડ પર જૈન પાર્શ્વનાથ મંદિર નજીક એક લક્ઝુરિયસ કારનો ચાલક બેદરકારીપૂર્વક ઝિગઝેગ રીતે કાર હંકારી રહ્યો હતો. તેની જોખમી ડ્રાઇવિંગ જોઈ સ્થાનિકોને શંકા ગઈ હતી. રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષાને જોખમ ઊભું થતાં લોકોએ કારને ઘેરીને અટકાવી હતી. કારમાંથી બહાર કાઢ્યા બાદ ચાલક દારૂના નશામાં હોવાનું જણાયું હતું. તે યોગ્ય રીતે ઊભો પણ રહી શકતો ન હોવાથી સ્થાનિકોએ તેને રસ્તાની બાજુમાં બેસાડ્યો હતો. તેની તપાસ દરમિયાન દારૂનું એક ક્વાર્ટર પણ મળી આવ્યું હતું. આથી સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

કારમાંથી વિદેશી દારૂની બે બોટલ મળી

ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ચાલકને કસ્ટડીમાં લીધો હતો. કારની તપાસ કરતાં વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે પકડાયેલા શખસની ઓળખ મેમનગરના ગુરુકુળ રોડ પર આવેલા સનસેટ રો-હાઉસમાં રહેતા યતીન પટેલ તરીકે થઇ હતી. ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી આરોપી સામે ધરપકડ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના માર્ગો પર નશામાં વાહન ચલાવવાની આવી ઘટનાઓ અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું કરે છે.