આયુર્વેદના નામે જીવલેણ ખેલ! ફાર્મા હબ ગણાતા ગુજરાતમાં 21 આયુષ દવાઓના સેમ્પલ ફેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayush medicine : એલોપેથી દવા કરતાં હવે લોકોને આયુર્વેદ પર માંડ માંડ ભરોસો બેઠો છે ત્યારે જ રાજ્યસભામાં રજૂ કરાયેલા એક રિપોર્ટે ચિંતા જન્માવી છે તેનું કારણ એછેકે, હવે તો આયુષ દવાઓની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ફાર્મા હબ ગણાતાં ગુજરાતમાં આયુર્વેદ અને હોમિયોપેથીક દવાઓના કુલ 21 સેમ્પલ ફેલ થયાં છે. આ જોતાં સરકારે આ આયુષ દવાઓને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વાલિટી જાહેર કરી છે. આમ, આયુષ દવા પણ ભેળસેળ થઈ રહી છે.
લોકો કેમિકલ મુક્ત ઇલાજ માટે આયુર્વેદ તરફ વળી રહ્યા છે, પરંતુ બજારમાં બ્રાન્ડ્સના નામે સ્લો પોઇઝન પીરસાઈ રહ્યું છે. આયુર્વેદિક દવાઓમાં આર્સેનિક, પારો કે સીસું જેવી ધાતુઓ ભળવાથી દર્દીઓનું લિવર અને કિડની હંમેશા માટે ફેલ થઈ શકે છે. હલકી ગુણવત્તા ધરાવતી આયુષ દવાઓ માનવ શરીર માટે જોખમી પુરવાર થઈ શકે છે.
ભેળસેળયુક્ત આયુષ દવામાં પણ ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
રાજ્યસભામાં રજૂ કરાયેલા અહેવાલ અનુસાર, દેશમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં સૌથી વધુ આયુષ દવાઓ ટેસ્ટિંગમાં ફેલ સાબિત થઈ છે. સરકારી આંકડા દર્શાવે છે કે જ્યાં સૌથી વધુ દવાઓ બને છે, ત્યાં જ ગુણવત્તાના નિયમોના ધાજીયા ઉડી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં સૌથી ખરાબ સ્થિતિ છે જ્યાં સૌથી વધુ 185 દવાઓ અપ્રામાણિક હોવાનું સાબિત થયુ છે. આયુર્વેદના ગઢ ગણાતા ઉત્તરાખંડમાં છેલ્લા 3 વર્ષમાં 155 દવાઓ ટેસ્ટિંગમાં ફેલ થઈ છે જ્યારે વિકાસ અને ફાર્માના રોલ મોડેલ ગણાતા ગુજરાતમાં પણ 21 આયુષ દવાઓ હલકી કક્ષાની અને અસુરક્ષિત સાબિત થઈ છે. ગુણવત્તા વિહોણી આયુષ દવાઓમાં પણ ગુજરાત ટોચના નંબરે રહ્યું છે. મહત્વની વાત એછેકે, મધ્યપ્રદેશ, ઓડિસા, દિલ્હી, કાશ્મીર, મેઘાલય, ગોવા, છત્તીસગઢ, હરિયાણા જેવા રાજ્યોમાં આયુષ દવાનો એકેય સેમ્પલ ફેલ થયુ ન હતું.

આયુર્વેદિક-હોમિયોપેથિક દવા માનવ સ્વાસ્થ્ય માટે જોખમી
શુદ્ધતાના દાવા કરતી આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓમાં માનવ શરીર માટે અત્યંત ઘાતક એવી ભારે ધાતુઓ અને તાત્કાલિક રાહત આપવાના બહાને એલોપેથિક દવાઓનું ગેરકાયદે મિશ્રણ મળી આવ્યું છે. જેને પગલે સરકારે આ તમામ પ્રોડક્ટસને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી જાહેર કરી દીધી છે. સંસદમાં રજૂ થયેલો આ રિપોર્ટ સાબિત કરે છે કે હવે ડ્રગ કંટ્રોલ વિભાગે લેબોરેટરી ટેસ્ટિંગ અને નકલી આયુર્વેદિક કંપનીઓ પર કડક સકંજો કસવાની તાતી જરૂર છે.




