અમદાવાદમાં 'પોર્ટર' એપથી ડ્રગ્સ સપ્લાય કરવાનો ખતરનાક ખેલ: ડિલિવરી બોયની સતર્કતાથી 2 વેપારી ઝડપાયા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Porter App Drug Smuggling Case : અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી માટે હવે પોર્ટર એપ્લિકેશનનો ઉપયોગ થતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાર્સલ પહોંચાડવા માટે પોર્ટર એપનો ઉપયોગ કરીને ડ્રગ્સ મોકલવામાં આવતું હતું. જોકે, પાર્સલમાં ડ્રગ્સ હોવાની શંકા જતાં પોર્ટર ડિલિવરી વર્કરે તપાસ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. નરોડા પોલીસે આ કેસમાં ડ્રગ્સ મોકલનાર સરદારનગરના અમિત સિંધી અને ડ્રગ્સ મંગાવનાર સાબરમતીના વેપારી પ્રિયંક સંઘવીની ધરપકડ કરી છે.
પાર્સલમાંથી ડ્રગ્સ જેવી પડીકી મળી
નરોડા પોલીસને સોમવારે રાત્રે આશરે 9 વાગ્યે પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો હતો કે નાના ચિલોડા સર્કલ પાસે ડ્રગ્સ વેચતા શખ્સને પકડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચાંદખેડાના જનતાનગરમાં રહેતા વસંતભાઈ માધુભાઈ સોલંકી પોર્ટર એપ્લિકેશનના માધ્યમથી વસ્તુઓ પહોંચાડવાનું કામ કરે છે. એપ્લિકેશન પર મળેલા ઓર્ડર મુજબ, તેમણે સતિષભાઈ નામના વ્યક્તિને ઇન્દિરા બ્રિજ સર્કલ પાસે આવેલી કોઠારી હોસ્પિટલ નજીક પાર્સલ પહોંચાડવાનું હતું. જોકે, ઓર્ડર આપનાર વ્યક્તિએ બાદમાં પાર્સલ નાના ચિલોડા નજીક નરોડા ખાતે પહોંચાડવાનું કહ્યું હતું. બીજી તરફ, પાર્સલ માટે જે સતિષભાઈનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો, તેમને ઓટીપી મળતાં તેમણે પોર્ટર વર્કરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પાર્સલ મેળવીને ખોલતાં તેમાંથી ડ્રગ્સ જેવા પદાર્થની પડીકી મળી આવી હતી. આથી સતિષભાઈએ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.
0.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું
પોલીસે એફએસએલની મદદથી તપાસ કરતાં પડીકીમાંથી રૂ. 1,540ની કિંમતનું 0.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પાર્સલમાં શંકાસ્પદ વસ્તુ હોવાની જાણ થતાં વસંતભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ડ્રગ્સ મંગાવવા માટે લાકડાના વેપારી સતિષભાઈ સરાણિયાના મોબાઈલ નંબરનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. તેમના નામે પાર્સલ બુક કરાવાયું હતું, પરંતુ ડ્રગ્સ સાથે તેમને કોઈ લેવાદેવા નહોતી.
રેન્ડમ મોબાઈલ નંબર આપીને ડ્રગ્સ મંગાવાતું
નરોડા પોલીસની તપાસમાં સામે આવ્યું કે પોર્ટર એપ્લિકેશનથી ડ્રગ્સ મોકલતી વખતે ડ્રગ્સ મેળવનાર તરીકે કોઈપણ રેન્ડમ મોબાઈલ નંબર આપવામાં આવતો હતો. પોર્ટરનો નંબર મળ્યા બાદ તે ડ્રગ્સ મેળવનારને મોકલવામાં આવતો હતો. આ રીતે મૂળ નંબર બંધ હોવાનું જણાવીને પાર્સલ મેળવવાની પદ્ધતિ અપનાવવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે સરદારનગરના અમિત સિંધી અને સાબરમતીના વેપારી પ્રિયંક સંઘવીને ઝડપી લીધા છે. પોલીસે સમગ્ર હેરાફેરી અંગે વધુ તપાસ હાથ ધરી છે.




