Ahmedabad

સાયબર ફ્રોડ: અમદાવાદમાં ક્રેડિટ કાર્ડ અને કોલેજ એડમિશનની લાલચ આપી ઠગ ટોળકીએ ₹31 લાખ પડાવ્યા

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં સાયબર ઠગોએ 2 શિક્ષિત નાગરિકોને નિશાન બનાવી 31.46 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. નારણપુરાના ડેપ્યુટી જનરલ મેનેજરના ક્રેડિટ કાર્ડમાંથી OTP વગર 15.96 લાખ ઉપાડી લીધા. જ્યારે શાહીબાગના ડોક્ટરને દીકરીના એડમિશનના બહાને 15.50 લાખ ગુમાવવાનો વારો આવ્યો. બંને કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયબર ફ્રોડ: અમદાવાદમાં ક્રેડિટ કાર્ડ અને કોલેજ એડમિશનની લાલચ આપી ઠગ ટોળકીએ ₹31 લાખ પડાવ્યા

Ahmedabad Cyber Crime: અમદાવાદ શહેરમાં સાયબર અપરાધીઓ અને ઠગ ટોળકીઓ દ્વારા શિક્ષિત નાગરિકોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના બે અલગ-અલગ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. નારણપુરા અને શાહીબાગ વિસ્તારમાં રહેતા બે લોકોએ ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ફ્રોડ તથા દીકરીના કોલેજ એડમિશનના બહાને કુલ 31,46,026 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. બનાવ અંગે બંને પીડિતોએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં તપાસ ચક્રો ગતિમાન કરાયા છે.

OTP વગર ઈમેલ આઈડી હેક કરી મેનેજરના 15 લાખ ટ્રાન્સફર

નારણપુરા ખાતે રહેતા અને 'થોમસ કુક ઈન્ડિયા લિમિટેડ'માં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા રવિકુમાર ચૌહાણ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે.

ગત 26મી જૂનના રોજ અજાણ્યા સાયબર ઠગોએ રવિકુમારના અમેરિકન એક્સપ્રેસ પ્લેટિનમ ચાર્જ અને ગોલ્ડ ચાર્જ ક્રેડિટ કાર્ડ સાથે છેતરપિંડી આચરી હતી. ઠગોએ કોઈપણ OTP મેળવ્યા વગર જ રવિકુમારનું બૅંકમાં રજિસ્ટર્ડ ઈમેલ આઈડી બદલી નાખ્યું હતું અને બંને કાર્ડનો સંપૂર્ણ એક્સેસ મેળવી લઈ 17,12,430 રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી લીધા હતા.

રવિકુમારે તુરંત જ કાર્ડ બ્લોક કરાવ્યા હતા. કેટલાક ટ્રાન્ઝેક્શન રદ થતાં 1,16,404 રૂપિયા પરત આવ્યા હતા, પરંતુ તેને 15,96,026 રૂપિયાનું ચોખ્ખું નુકસાન થયું હતું. શરૂઆતમાં ક્રેડિટ કાર્ડ કંપનીએ ટેમ્પરરી ક્રેડિટ આપી હતી, પરંતુ દોઢ મહિના પછી તે રકમ પાછી ખેંચી લઈ બિલ ભરવા દબાણ શરૂ કરતાં રવિકુમારે પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે.

બીટ્સ પિલાનીમાં એડમિશનની લાલચ આપી હોમિયોપેથિક ડોક્ટર સાથે 15 લાખની ઠગાઈ

શાહીબાગ વિસ્તારમાં રહેતા અને હોમિયોપેથિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતાં ડૉ. ગોપાલ ભાટીયા સાથે તેમની દીકરીના ઉચ્ચ શિક્ષણના નામે મોટી છેતરપિંડી થઈ છે. ડૉ. ગોપાલની દીકરીને બીટસેટ (BITSAT) પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતાં એન્જિનિયરિંગમાં પ્રવેશ મળ્યો નહોતો. દરમિયાન નિહારિકા શર્મા અને પ્રતિક ગુપ્તા નામના શખસોએ વોટ્સએપ કોલ કરી 'બીટ્સ પિલાની-હૈદરાબાદ'માં મેનેજમેન્ટ ક્વોટામાં સીટ અપાવવાની લાલચ આપી હતી.

શરૂઆતમાં પ્રોસેસિંગ ફી પેટે 50 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા બાદ હૈદરાબાદ ખાતે વિવાન નામના શખસોએ એડમિશન કમિટીના પ્રતિનિધિ તરીકે મળીને ડોક્યુમેન્ટ્સ લીધા હતા. બાદમાં બાકીના 15 લાખ રૂપિયા આંગડિયા મારફતે મોકલવાનું કહેતા ડૉ. ગોપાલ ભાટીયાએ શાહીબાગની પી.એમ. એન્ટરપ્રાઈઝ આંગડિયા પેઢીમાં 10 રૂપિયાની નોટના નંબરના આધારે નાણાં જમા કરાવ્યા હતા.

નાણાં મળી ગયા બાદ આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને પોલીસ ફરિયાદની ચીમકી આપતાં જ તમામ મોબાઈલ નંબર સ્વિચ ઓફ કરી દીધા હતા. બાદમાં કુરિયરથી ડિમાન્ડ ડ્રાફ્ટ પરત આવતાં ડો. ભાટીયાને પોતાની સાથે કુલ 15.50 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.