Ahmedabad

સાયબર ઍલર્ટ: રૂ. 8,000ના દિવાળી બોનસના ફેક મેસેજથી સાવધાન! લિંક પર ક્લિક કર્યું તો બૅંક ખાતું થઈ જશે ખાલી

By GS Team
12 Nov 20263 mins read
TukuTouch Logo
સાયબર ગઠિયાઓ દ્વારા દિવાળી બોનસના નામે લોકોને છેતરવાનું કૌભાંડ સામે આવ્યું છે. વોટ્સએપ પર PM યોજના હેઠળ 8000 રૂપિયા મળવાના ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ DCPએ જણાવ્યું કે, આ લિંક પર ક્લિક કરવાથી APK ફાઈલ ડાઉનલોડ થાય છે, જે વોટ્સએપ અને બેન્ક ખાતું હેક કરી શકે છે. સરકારે આવી કોઈ યોજના જાહેર કરી નથી. આવા મેસેજથી સાવધ રહેવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયબર ઍલર્ટ: રૂ. 8,000ના દિવાળી બોનસના ફેક મેસેજથી સાવધાન! લિંક પર ક્લિક કર્યું તો બૅંક ખાતું થઈ જશે ખાલી
AI IMAGE

Diwali Bonus Message Fraud : સાયબર ગઠિયાઓ દ્વારા અનેકવિધ રીતે લોકોને છેતરી તેમના રૂપિયા પડાવી લેવાના કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે હવે દિવાળીના તહેવારમાં પીએમ યોજના હેઠળ 8000 રૂપિયાનું દિવાળી બોનસ મળવા અંગેનો વાયરલ થઈ રહેલા વોટ્સએપ મેસેજથી લોકોને છેતરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ ડીસીપીના જણાવ્યા અનુસાર, સરકારની આવી કોઈ જ યોજના નથી અને આ મેસેજમાં આવતી લિંક પર ક્લિક કરવાથી અજાણી એપીકે ફાઇલ ડાઉનલોડ થાય છે જે તમારું વોટ્સએપ અને બેન્ક ખાતું હેક કરી શકે છે.

તહેવારો, સરકારની રાહત, વળતર કે વિશેષ યોજનાઓના નામે નકલી મેસેજ

આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ DCPએ જણાવ્યું કે, હાલમાં પીએમ યોજના હેઠળ દિવાળી બોનસ તરીકે 8000 રૂપિયા મળવાના નામે WhatsApp પર એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું. લોકો જ્યારે આ મેસેજ પર ક્લિક કરે છે ત્યારે એક એપીકે ફાઇલ ડાઉનલોડ થાય છે અને નવું પેજ ખુલે છે, જેમાં અરજી કરવાથી આ યોજનાનો લાભ મળશે તેવું જણાવાય છે. એ અરજી પર ક્લિક કર્યા બાદ અલગ-અલગ એપ્લિકેશનો, ગેમિંગ એપ કે પેમેન્ટ લિંક ખૂલે છે અથવા અસલી WhatsApp નંબર માગવામાં આવે છે, જેથી તમારું WhatsApp નવા ડિવાઇસ સાથે લિંક થઈને હેક થવાનું જોખમ ઊભું થાય છે.

આ સ્કેમમાં ખાતામાં 8000 રૂપિયા જોવા માટે આગળ પ્રોસેસ કરી વધુ એક ક્લિક કરવાનું કહેવામાં આવે છે, જેનાથી બીજી એપીકે ફાઇલ ડાઉનલોડ થઈ જાય છે અને બૅન્કિંગ ક્રેડેન્શિયલ હેકર્સ પાસે પહોંચી જતાં ખાતામાંથી પૈસા ઉપડી જવાની પૂરેપૂરી શક્યતા રહે છે. આ ઠગ ટોળકી દિવાળી કે અન્ય તહેવારો તેમજ સરકારની રાહત, વળતર કે વિશેષ યોજનાઓના નામે ફેક ઍપ્લિકેશન અને નકલી મેસેજ બનાવીને પોતાની મોડસ ઓપરેન્ડી બદલતી રહે છે.

ahd scam 1.jpg

નાણાંની જરૂરિયાત હોય તેવા વર્ગને લાલચ આપીને ફસાવવાનું કાવતરું

તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર તરફથી દિવાળી બોનસ આપવાની આવી કોઈ યોજના નથી કે કોઈ સત્તાવાર જાહેરાત પણ થઈ નથી, અને સરકાર ક્યારેય આવા મેસેજ મોકલીને સંપર્ક કરતી નથી. આ સ્કેમ ખાસ કરીને દિવાળીના સમયે જેમને નાણાંની જરૂરિયાત હોય તેવા વર્ગને ખાતામાં 8,000 રૂપિયા મેળવવાની લાલચ આપીને ફસાવવા માટે જ શરૂ કરવામાં આવ્યું છે. જો તમે સાચે કોઈ સરકારી યોજનાના લાભાર્થી હો તો સરકારી સંસ્થામાં વ્યક્તિગત જઈને અથવા સત્તાવાર વેબસાઇટના માધ્યમથી જ ફોર્મ ભરવાની કાર્યવાહી કરવી જોઈએ.

ભૂલથી શંકાસ્પદ લિંક પર ક્લિક થઈ જાય તો ફરિયાદ નોંધાવવી

લોકોએ સાવચેતી રાખી માત્ર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરેલી ઓફિશિયલ ઍપ્લિકેશન કે સત્તાવાર વેબસાઇટ પર જ પોતાના બૅન્કિંગ આઈડી, પાસવર્ડ કે અંગત ક્રેડેન્શિયલ શેર કરવા જોઈએ અને તુરંત વળતર આપતા આવા મેસેજથી દૂર રહેવું જોઈએ. જો ભૂલથી પણ આવી કોઈ શંકાસ્પદ એપ્લિકેશન કે લિંક પર ક્લિક થઈ જાય, તો તરત જ 1920 નંબર પર કોલ કરવો જોઈએ અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવી જોઈએ.