VIDEO | અમદાવાદ: ચાંગોદરના વેરહાઉસમાં ₹1 કરોડના ગેઝેટ્સ ચોરનાર 5 ઝડપાયા, ગુગલ પરથી માહિતી મેળવી ઘટનાને અંજામ આપતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

5 Arrested In ₹1 Crore Apple Gadgets Theft Changodar: અમદાવાદ જિલ્લાના ચાંગોદરમાં આવેલા એક કંપનીના વેરહાઉસમાંથી થોડા દિવસ પહેલા આશરે ₹1 કરોડની કિંમતના આઇ ફોન, લેપટોપ, સહિતની મત્તાની ચોરી થવાના કેસમાં ગ્રામ્ય પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. જેમાં ચોરીને અંજામ આપનાર આંતરરાજ્ય ગેંગના 5 આરોપીઓને ટેક્નિકલ એનાલિસિસના આધારે ઝડપી લીધા હતા. ઓનલાઇન એપલ કંપનીના વિવિધ વેર હાઉસની માહિતી એકઠી કરીને રેકી કર્યા બાદ આરોપીઓ ચોરીને અંજામ આપતા હતા. સમગ્ર મામલે પોલીસે પાંચેયની ધરપકડ કર્યા બાદ મુદ્દામાલ જપ્ત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
કિંમતી ગેઝેટ્સની ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
પોલીસ ફરિયાદ અનુસાર, ચાંગોદર પાસે આવેલા નવાપુરા ગામની સીમમાં આવેલી એક કંપનીના વેરહાઉસમાંથી એક મહિના પહેલા ચોરીની ઘટના બની હતી. જેમાં ₹1 કરોડના કિંમતી ગેઝેટ્સની ચોરી કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ ગ્રામ્ય LCBએ સીસીટીવી ફૂટેજના આધારે કારમાં આવેલા 5 શખસોની તપાસ શરૂ કરી હતી. જેમાં કમાન્ડ એન્ડ કંટેલ રૂમથી 100થી વધુ વાહનોના ડેટા તપાસીને મહારાષ્ટ્રના થાણે, રાજસ્થાનના શિહોરી અને ઝાલોર, તેમજ ઉત્તર પ્રદેશના મિરઝાપુર, વારાણસીમાં પોલીસે તપાસ કરતા અંતે 5 આરોપી ઝડપાયા છે.
ઝડપાયેલા આરોપીના નામ
- સંદીપ પટેલ (રહે.જોનપુર, ઉત્તરપ્રદેશ)
- સુરેન્દ્ર પટેલ (રહે. જોનપુર)
- આકાશ ચૌહાણ (રહે. મિરઝાપુર, ઉત્તરપ્રદેશ)
- મોહમંદ સમીમ (રહે. ભીવંડી, મહારાષ્ટ્ર)
- કમલેશગીરી ગોસ્વામી
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, આરોપીઓ ગુગલ પર ઓનલાઇન એપલ કંપનીના વેરહાઉસની માહિતી મેળવીને તેના લોકેશનની આસપાસ રેકી કરીને ચોરી કરતા હતા. અગાઉ આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આરોપીઓ ઝડપાઇ ચૂક્યા હતા. સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.




