Ahmedabad

અમદાવાદ: તહેવારો સમયે જ અગવડતા ઊભી કરી, પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન માટે 12 કલાક રસ્તો બંધ

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં તહેવારો ટાણે જ નાગરિકોની મુશ્કેલી વધે તેવો નિર્ણય લેવાયો છે. મોટેરા પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન નિમિત્તે, ચાંદખેડાથી આઈ.ઓ.સી. તરફ જતો મુખ્ય માર્ગ 5 નવેમ્બરે 12 કલાક માટે બંધ રખાશે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી મધ્યરાત્રિ 00:00 કલાકથી બપોરે 12:00 કલાક સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ લાદ્યો છે. સામાન્ય વાહનચાલકોને લાંબા ડાયવર્ઝનનો સામનો કરવો પડશે, જેનાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: તહેવારો સમયે જ અગવડતા ઊભી કરી, પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન માટે 12 કલાક રસ્તો બંધ

Chandkheda to IOC Road Closed Ahmedabad: તહેવારોની ભરપૂર ખરીદી અને ધમાલ વચ્ચે સામાન્ય નાગરિકોની મુશ્કેલીમાં વધારો થાય તેવો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. મોટેરા પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે VIP અને VVIP વાહનોની અવરજવરનું બહાનું આગળ ધરીને ચાંદખેડાથી આઈ.ઓ.સી. તરફ જતો મુખ્ય માર્ગ 5 નવેમ્બરના રોજ 12 કલાક માટે બંધ રાખવાનો આદેશ કરાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી આ માર્ગ પર વાહનવ્યવહાર પર પ્રતિબંધ લાદી દીધો છે, જેનો અમલ 5 નવેમ્બરના રોજ મધ્યરાત્રિ 00:00 કલાકથી બપોરે 12:00 કલાક સુધી રહેશે.
​
મોટેરા પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન માટે મુખ્ય માર્ગ 12 કલાક બંધ રહેતાં શહેરીજનો મુશ્કેલીમાં

સામાન્ય દિવસોમાં પણ સતત વાહનોથી ધમધમતા આ મુખ્ય માર્ગને ભરપૂર ટ્રાફિકવાળા સમયગાળામાં બંધ કરી દેવાતાં સ્થાનિક રહીશો અને નોકરીયાતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાહેરનામા મુજબ, ચાંદખેડા ચાર રસ્તાથી આઈ.ઓ.સી. તરફ જતો ગુજરાત હાઉસિંગ બોર્ડ એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા સુધીનો રસ્તો તમામ પ્રકારના ખાનગી વાહનો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે, માત્ર કાર્યક્રમ સાથે સંકળાયેલા સરકારી વાહનો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનોને જ છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે સામાન્ય જનતાને ડાયવર્ઝનનો સામનો કરવો પડશે.

વાહનચાલકોએ લાંબો ફેરો ફરવો પડશે

મુખ્ય માર્ગ બંધ કરાતાં વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. વાહનચાલકોએ ચાંદખેડા ચાર રસ્તાથી ઝુંડાલ સર્કલ તરફ જઈ સત્યમેવ હોસ્પિટલ પાસેથી ડાબી બાજુ વળવું પડશે અને ત્યાંથી કડી નાગરિક બેંક ચાર રસ્તા થઈને ફરી ડાબી બાજુ વળી આઈ.ઓ.સી. રોડ તરફ જવું પડશે. તહેવારોના ટાણે જ આ રીતે ટ્રાફિક ડાયવર્ટ કરાતાં આંતરિક રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.