Ahmedabad

CCTV: 'તને ખબર છે હું કોણ છું, મારા કેટલા ફોલોવર્સ છે?': નિકોલમાં કેકની દુકાનમાં લાલ ક્રીમ ન હોવાથી ગ્રાહકે કર્મચારી પર કર્યો હુમલો

By GS Team
7 Oct 20264 mins read
TukuTouch Logo
અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક કેકની દુકાનમાં ગ્રાહક અને કર્મચારી વચ્ચે કેક પર નામ લખવા બાબતે મોટો વિવાદ થયો. રાજ શાહ નામના ગ્રાહકે લાલ રંગની ક્રીમ ન હોવા છતાં તેની માંગ કરી અને કર્મચારી શિવશંકર મુદલીયા સાથે ગાળાગાળી કરીને મારપીટ કરી. CCTV ફૂટેજમાં આ ઘટના કેદ થઈ છે. ભોગ બનનાર યુવાને પોલીસ અરજી આપી છે, જેમાં રાજ શાહે પોતાના સોશિયલ મીડિયા ફોલોવર્સનો રોફ જમાવી હુમલો કર્યો હોવાનો આરોપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CCTV: 'તને ખબર છે હું કોણ છું, મારા કેટલા ફોલોવર્સ છે?': નિકોલમાં કેકની દુકાનમાં લાલ ક્રીમ ન હોવાથી ગ્રાહકે કર્મચારી પર કર્યો હુમલો

Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી કેકની એક દુકાનમાં ગ્રાહક અને કર્મચારી વચ્ચે સામાન્ય બાબતે મોટો વિવાદ સર્જાયો હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કેક પર કયા રંગથી નામ લખવું તે બાબતે થયેલી આ તકરાર એટલી હદે વણસી ગઈ હતી કે ગ્રાહકે દુકાનમાં ફરજ બજાવતા કર્મચારી સાથે ગાળાગાળી કરીને મારામારી કરી હતી. આ મામલે ભોગ બનનાર યુવાને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અરજી આપી છે.

લાલ રંગની ક્રીમ દુકાનમાં ઉપલબ્ધ ન હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, ન્યુ મણીનગરમાં રહેતો 28 વર્ષીય યુવાન શિવશંકર પનિરસેલ્વમ મુદલીયા નિકોલમાં રાજહંસ સિનેમા નીચે આવેલા પવેલિયન મોલમાં 'ડેન્ગી ડમ્સ' નામની કેકની દુકાનમાં નોકરી કરે છે. ગત 6 ઓક્ટોબરના રોજ રાતના 12 વાગ્યે તે દુકાને હાજર હતો ત્યારે રાજ શાહ નામનો શખ્સ અન્ય લોકો સાથે ત્યાં કેક લેવા આવ્યો હતો. કર્મચારીએ તેમને કેક આપી જેના પર સફેદ અક્ષરથી નામ લખેલું હતું, પરંતુ ગ્રાહક રાજ શાહે લાલ અક્ષરે નામ લખી આપવા માંગ કરી હતી. શિવશંકરે દુકાનમાં લાલ રંગની ક્રીમ ઉપલબ્ધ ન હોવાનું જણાવતા રાજ શાહ અને તેની સાથે આવેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ યુવાન સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરી હતી અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે શિવશંકરે આરોપી રાજ શાહ તથા તેની સાથે આવેલા અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ અરજી કરી છે.

'આ મેનેજર ને સમજાવો હું કોણ છું અને મારા સોશિયલ મીડિયા પર કેટલા ફોલોવર છે'

ભોગ બનનારે જણાવવું કે, રાજ શાહ નામનો વ્યક્તિ તેના મિત્રોને એવું કહેતો હતો કે આ મેનેજર ને સમજાવો હું કોણ છું અને મારા સોશિયલ મીડિયા પર કેટલા ફોલોવર છે. સોશિયલ મીડિયા પર મળેલા થોડા હજાર કે લાખ ફોલોવર્સ કે પોતાના હોદ્દાનો અહંકાર શું કોઈ વ્યક્તિને સામાન્ય માણસ પર હિંસા કરવાનો કે તેની ગરિમા છીનવવાનો અધિકાર આપી દે છે?

3 વખત મારામારી કરી, CCTV ફૂટેજ વાઈરલ

આ અંગે કંપનીના ઓપરેશનલ મેનેજર પ્રદ્યુમન સોલંકીએ જણાવ્યું કે, "ગઈકાલે રાત્રે 4થી 6 જણા અમારી નિકોલ બ્રાન્ચ ખાતે કેક લેવા આવ્યા હતા. તેમણે કેક સિલેક્ટ કરીને લાલ અક્ષરથી નામ લખવા કહ્યું હતું, પરંતુ કંપનીની પોલિસી મુજબ ચોકલેટ કેક પર માત્ર વાઈટ ક્રીમ જ ઉપલબ્ધ હોવાથી અમારા સ્ટોર મેનેજરે વાઈટ ક્રીમથી લખી આપવાની વાત કરી અને અન્ય કોઈ સજેશન કે ફીડબેક હોય તો કંપનીમાં જણાવવા કહ્યું હતું. આ સાંભળીને તે લોકોએ ગાળાગાળી ચાલુ કરી દીધી હતી. અમારા સ્ટાફે ગાળો બોલવાની ના પાડતા રાજ શાહ નામના વ્યક્તિએ મેનેજરને મારવાનું શરૂ કર્યું હતું. તેમણે કુલ 3 વખત મારામારી કરી હતી, જેમાંથી 2 વખતનો બનાવ CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે. રાજે મેનેજરનો હાથ પકડીને અંદર ખેંચીને માર્યો હતો અને બાદમાં બ્લેક ટીશર્ટ વાળા વ્યક્તિએ પણ મારામારી કરી હતી. CCTVમાં 5થી 6 અલગ-અલગ એંગલથી આખું દ્રશ્ય રેકોર્ડ થયેલું છે. અમારા મેનેજરે સામે ગાળ આપી હોવાની વાત તદ્દન ખોટી છે અને શરૂઆત તે લોકોએ જ કરી હતી. આ બાબતે અમારું કોઈ પણ પ્રકારનું સેટલમેન્ટ થયું નથી. કંપની પોતાના સ્ટોર મેનેજરની સાથે ઊભી છે અને આજે આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે."

ભોગ બનનાર સ્ટોર ઓપરેટર શિવશંકર પનિરસેલ્વમ મુદલિયાએ જણાવ્યું કે-

હું છેલ્લા 10 વર્ષથી સેલ્સમેન તરીકે કામ કરી રહ્યો છું અને ગ્રાહક સાથે હંમેશા નમ્રતાપૂર્વક વર્તવાની કંપનીની તાલીમનું જ પાલન કરું છું. આ આખો બનાવ કેક પર નામ લખવાની બાબતે શરૂ થયો હતો, જેમાં ગ્રાહક રાજ શાહે મારી સાથે બોલાચાલી શરૂ કરી અને પોતાની વિઝા કંપની હોવાનું કહીને 'હું આ કંપની અત્યારે જ ખરીદીને તને ફાયર કરી દઉં' તેવી ધમકી આપી હતી. મેં સામે કોઈના પર હાથ ઉપાડ્યો નહોતો કે ગાળો દીધી નહોતી, છતાં બહાર જતી વખતે ગાળો આપીને, હું એકલો હતો તે જોઈને રાજ શાહ અને તેમની સાથેના 5થી 6 લોકોએ મારા પર હુમલો કરી મારપેટ કરી હતી. મને મારવાના પ્રથમ 2 પ્રયાસ બાદ ત્રીજી વાર ખૂબ વધારે મારવામાં આવ્યો હતો. હું સવારે 9થી રાત્રે 1 વાગ્યા સુધી સ્ટોર પર નોકરી કરું છું, જેથી સ્ટોર પર મારી સુરક્ષા અંગે મેં કંપનીને જાણ કરીને કંપની મારફતે પોલીસ અરજી કરાવી છે.-

મા-બહેનને ગાળો આપે તો પછી તેને બાકી રખાય નહીં, લૂલો બચાવ

બીજી તરફ, મિત્રો સાથે દુકાનમાં મારામારી કરનાર આરોપી રાજ શાહે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, 'જો કોઈ આપણી મા-બહેનને ગાળો આપે તો પછી તેને બાકી રખાય નહીં અને તાળી ક્યારેય એક હાથે વાગતી નથી. જો કોઈ ગાળો બોલે તો તેને મુકાય નહીં, એટલે અમારાથી તેની સાથે થોડી લાપટ-ઝાપટ થઈ ગઈ હતી. આ બનાવ અંગે અમારો કેસ હાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે જ અને એ સિવાયનું બાકીનું બધું અમારે ડાયરેક્ટ જ પતી ગયું છે.'

અહંકાર બતાવવો એ વર્ચસ્વ નથી!

નિકોલની ઘટનામાં "હું કોણ છું" અને "મારા કેટલા ફોલોવર્સ છે" જેવી શેખી મારીને કર્મચારી પર રોફ જમાવવો અને ત્યારબાદ તેની સાથે મારપીટ કરવી, એ સમાજના માનસિક પતન અને આભાસી લોકપ્રિયતાના ભ્રમની હકીકત છતી કરે છે. ઓનલાઈન દુનિયામાં ફોલોવર્સની સંખ્યા વધી જવાથી કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર કે સંસ્કારોથી મુક્ત થઈ જતી નથી. પોતાની મહેનતથી પ્રામાણિકપણે રોજીરોટી કમાતા કર્મચારી સામે માત્ર એક કેક પર લાલ રંગથી નામ ન લખાઈ શકવા જેવી ક્ષુલ્લક બાબતે અહંકાર બતાવવો એ વર્ચસ્વ નથી, પરંતુ વિવેકહીનતા અને માનસિક નાદારીનું પ્રતીક છે. આખરે સવાલ એ થાય છે કે, શું ડિજિટલ પ્લેટફોર્મ પર મળતી લાઈક્સ અને ફોલોવર્સ આપણને સંવેદનશીલ માણસ બનાવવાને બદલે બીજા પર અત્યાચાર કરવાનો અહંકાર આપે છે?