અમદાવાદ: નિકોલમાં ફટાકડાના સ્ટોલમાં આગ બાદ મોડે મોડે તંત્ર જાગ્યું, પરવાનગી વિનાની લારીઓ સામે થશે કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Action Against Illegal Firecracker Stalls Ahmedabad: બેસતા વર્ષના દિવસે નિકોલ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ અને લારીઓમાં લાગેલી આગની ઘટનાને પગલે હવે કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું છે. જાહેર રોડ પર પરવાનગી વિના ફટાકડાનું વેચાણ કરતી લારીઓ અને સ્ટોલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની સૂચના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી છે. કમિશનરની સૂચના બાદ પૂર્વ ઝોનના એસ્ટેટ અને ફાયર વિભાગે સ્થળની વિગતો એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. જવાબદારો સામે આગામી બે દિવસમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવશે.
નિકોલમાં ફટાકડાના સ્ટોલમાં આગ બાદ મોડે મોડે તંત્ર જાગ્યું
પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, નિકોલમાં ફટાકડાની લારીઓ અને સ્ટોલમાં આગ લાગવાની ઘટનાને કમિશનરે ગંભીરતાથી લીધી છે. ફટાકડાની લારીઓને ફાયર NOC આપવામાં આવતી નથી. તેમ છતાં જાહેર રસ્તા પર આવી લારીઓ ઊભી રાખીને ફટાકડાનું વેચાણ કરવામાં આવે અને તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. આ પ્રકારની પ્રવૃત્તિ ફરી ન થાય અને દાખલો બેસે તે હેતુથી પોલીસ ફરિયાદ નોંધાવવાની સૂચના અપાઈ છે. એસ્ટેટ વિભાગ દ્વારા જરૂરી વિગતો મેળવીને બે દિવસમાં ફરિયાદ નોંધાવવામાં આવશે.
શું હતી ઘટના?
બેસતા વર્ષના દિવસે વહેલી સવારે નિકોલમાં શુકન ચાર રસ્તા તરફ જતા માર્ગ પર ઉમા સ્કૂલની સામે ઊભા કરાયેલા કાચા મંડપ અને સ્ટોલમાં આગ લાગી હતી. અહીં ફળ, ડ્રાયફ્રૂટ, ચંપલ, ફૂલો અને ફટાકડાનું વેચાણ કરતા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. કેટલાક સ્ટોલની આગળ નાની લારીઓ અને ફટાકડાના અલગ સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા. શરૂઆતમાં એક સ્થળે લાગેલી આગ ધીમે ધીમે અન્ય સ્ટોલ સુધી ફેલાતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ફટાકડાના સ્ટોલમાં આગ લાગતાં ફટાકડાના ધડાકા શરૂ થયા હતા. રોકેટ અને સ્કાય શોટ જેવા ફટાકડા હવામાં ઉડ્યા હતા અને રસ્તાની સામે આવેલી દુકાનો તરફ પણ પહોંચ્યા હતા. વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા લોકોમાં નાસભાગ મચી હતી. આગ એક પછી એક સ્ટોલ સુધી ફેલાતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ઘટનાની જાણ થતાં નિકોલ, ગોમતીપુર અને નરોડા ફાયર સ્ટેશનની ટીમો સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ બંને તરફથી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
જાહેર રોડ પર કાચા મંડપ ઊભા કરીને ફટાકડાનું વેચાણ કરવાથી આગ ફેલાવાનું જોખમ વધ્યું હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે. મુખ્ય માર્ગ પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવા છતાં લારીઓ અને નાના સ્ટોલ ઊભા રાખવામાં આવ્યા હતા. આવી પ્રવૃત્તિ સામે અગાઉથી કાર્યવાહી કેમ ન થઈ તે અંગે પણ સવાલો ઊભા થયા છે. હવે કમિશનરની સૂચના બાદ એસ્ટેટ અને ફાયર વિભાગ જવાબદારોની વિગતો મેળવી પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે.
ગત વર્ષે રાયખડમાં પણ ફટાકડાના વેચાણ દરમિયાન આગ લાગી હતી
શહેરમાં જાહેર રસ્તા અને ફૂટપાથ પર ફટાકડાના વેચાણ દરમિયાન આગ લાગવાની ઘટના અગાઉ પણ બની ચૂકી છે. ગત વર્ષે લાલ દરવાજા વિસ્તારમાં રાયખડ ચાર રસ્તા નજીક ફૂટપાથ પર વેચવામાં આવતા ફટાકડામાં આગ લાગી હતી. ભરબજારમાં ફટાકડા ફૂટવા લાગતાં લોકોમાં દોડધામ મચી હતી. આવી ઘટનાઓ બાદ પણ જાહેર સ્થળોએ ફટાકડાના સ્ટોલ અને લારીઓ ઊભી રહેતી હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. નિકોલની ઘટનાએ જાહેર માર્ગો પર પરવાનગી વિના ફટાકડાનું વેચાણ અને આગ સામેની સુરક્ષા વ્યવસ્થા અંગે તંત્રની જવાબદારી પર સવાલ ઊભા કર્યા છે.




