Ahmedabad

અમદાવાદ: ઉગ્ર વિરોધ વચ્ચે ઝૂલતા મિનારા પાસે 20 દુકાનોનું ડિમોલિશન, મહિલાઓ JCB સામે બેસી ગઈ, પોલીસ સાથે ઘર્ષણ થયું

By GS Team
28 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ઐતિહાસિક ઝૂલતા મિનારા પાસે કાલુપુર રેલવે સ્ટેશન રોડ પહોળો કરવા 20 દુકાનો દૂર કરાઈ. કોર્પોરેશનના ડિમોલિશન સામે સ્થાનિકો અને વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મહિલાઓ JCB સામે બેસી જતાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું. કોર્પોરેશને જણાવ્યું કે, રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ બાદ ઝૂલતા મિનારાનો વિસ્તાર પબ્લિક પ્લાઝા તરીકે વિકસાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ઉગ્ર વિરોધ વચ્ચે ઝૂલતા મિનારા પાસે 20 દુકાનોનું ડિમોલિશન, મહિલાઓ JCB સામે બેસી ગઈ, પોલીસ સાથે ઘર્ષણ થયું

Ahmedabad Demolition Drive Near Jhulta Minara: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને જોડતા રોડને પહોળો કરવા અને ઐતિહાસિક ઝૂલતા મિનારા આસપાસનો વિસ્તાર ખુલ્લો કરવા માટે કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે શનિવારે(28 નવેમ્બર) સવારે 20 દુકાનો તથા કોમર્શિયલ એકમો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, ડિમોલિશન શરૂ થાય તે પહેલાં જ વેપારીઓ અને સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ JCB મશીનોની આગળ બેસી જતાં અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં સ્થળ પર હોબાળો મચી ગયો હતો. વિરોધ કરી રહેલા લોકોને હટાવવાના પ્રયાસ દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ધક્કામુક્કી તથા ઘર્ષણ પણ થયું હતું.

ઉગ્ર વિરોધ વચ્ચે ઝૂલતા મિનારા પાસે 20 દુકાનોનું ડિમોલિશન

કોર્પોરેશનના જણાવ્યા મુજબ, ઝૂલતા મિનારા અને તેની બાજુમાં આવેલા જૂના રોજી સિનેમા રોડ પર વર્ષો પહેલાં ભાડાપટ્ટા અને રેન્ટ પરમિટના આધારે આશરે 20 દુકાનો તથા કોમર્શિયલ એકમો માટે જગ્યા ફાળવવામાં આવી હતી. હાલ કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દરરોજ અંદાજે 3 લાખ મુસાફરોની અવરજવર થવાની સંભાવના છે. આથી રેલવે સ્ટેશનની નજીક આવેલા ઐતિહાસિક અને કેન્દ્રીય રક્ષિત સ્મારક ઝૂલતા મિનારાનું મહત્ત્વ જળવાઈ રહે અને આસપાસનો વિસ્તાર ખુલ્લો, સુવ્યવસ્થિત તથા નાગરિકો માટે આકર્ષક બને તે હેતુથી સમગ્ર વિસ્તારને પબ્લિક પ્લાઝા તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે.

આ આયોજનના ભાગરૂપે સંબંધિત 20 ભાડુઆતોને ભાડા કરારની શરતો મુજબ 30 દિવસમાં જગ્યા ખાલી કરી કોર્પોરેશનને પરત સોંપવા નોટિસ આપવામાં આવી હતી. કોર્પોરેશનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરના જણાવ્યા મુજબ, 26 ઓક્ટોબર, 2026ના રોજ નોટિસ આપવામાં આવી હતી. 13 જેટલા ભાડુઆતોએ વાંધા-રજૂઆતો કરી હતી, જેની સુનાવણી કર્યા બાદ જગ્યા પરત સોંપવાનો આદેશ કરાયો હતો. નોટિસની મુદત પૂર્ણ થતાં શનિવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોર્પોરેશનના જણાવ્યા મુજબ, આ કામગીરીમાં 5 JCB મશીનો અને આશરે 25 કર્મચારીઓ જોડાયા હતા. કાર્યવાહી દરમિયાન આશરે 2,500 ચોરસ મીટર જગ્યા પરનો કબજો પરત મેળવવામાં આવ્યો હતો.

કોર્ટમાં સુનાવણી પહેલાં જ ડિમોલિશન શરૂ કરાયાનો સ્થાનિકોનો આક્ષેપ

સ્થાનિક રહીશોએ આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. એક રહીશના જણાવ્યા મુજબ, આ દુકાનો કોર્પોરેશનની માલિકીની હતી અને વેપારીઓ વર્ષ 2016 સુધી નિયમિત ભાડું ચૂકવતા હતા. ત્યારબાદ તંત્રએ ભાડું લેવાનું બંધ કર્યું હતું. મેટ્રો પ્રોજેક્ટ બાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવાયું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. કેસની આગામી સુનાવણી સોમવારે હોવા છતાં શનિવારે જ ડિમોલિશન શરૂ કરાયાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

AIMIM નેતાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશને જ આ દુકાનો ભાડે આપી હતી તો હવે તેને ગેરકાયદેસર કેવી રીતે ગણાવી શકાય? અસરગ્રસ્તોને હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપ્યા વિના એકતરફી કાર્યવાહી કરાઈ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

ડિમોલિશન માટે 100 પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઢવવામાં આવ્યો હતો

બીજી તરફ, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોર્પોરેશનની માંગણી મુજબ કામગીરી દરમિયાન સ્ટાફની સુરક્ષા માટે 2 ACP સહિત આશરે 100 પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોર્પોરેશનનો દાવો છે કે દુકાનો અને બાંધકામો દૂર થતાં લાંબા સમયથી આસપાસનાં બાંધકામો પાછળ ઢંકાયેલા ઝૂલતા મિનારા હવે માર્ગ પરથી વધુ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા છે.