Ahmedabad

ભાજપ-AIMIMની કથિત નિકટતા ફરી ચર્ચામાં, AIMIM અમદાવાદ શહેર પ્રમુખ કરશે AMCની મકતમપુરા જિમ-લાઇબ્રેરીનું સંચાલન

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકતમપુરા વોર્ડમાં નવનિર્મિત જિમ્નેશિયમ અને લાઇબ્રેરીનું સંચાલન AIMIMના શહેર પ્રમુખ એજાઝ ખાન પઠાણને સોંપવાનો નિર્ણય લેવાયો છે. AMCની કમિટીએ PPP મોડલ હેઠળ 5 વર્ષ માટે વાર્ષિક 6.01 લાખ રૂપિયાના ભાડે આ દરખાસ્ત મંજૂર કરી છે. ભાજપ અને AIMIM વચ્ચે જાહેરમાં આક્રમક નિવેદનો છતાં, આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપ-AIMIMની કથિત નિકટતા ફરી ચર્ચામાં, AIMIM અમદાવાદ શહેર પ્રમુખ કરશે AMCની મકતમપુરા જિમ-લાઇબ્રેરીનું સંચાલન

AMC Maktampura Gym Library Tender: જાહેર મંચો પર ભાજપ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એકબીજા સામે આક્રમક નિવેદનો આપતી જોવા મળે છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક નિર્ણયથી બંને પક્ષો વચ્ચેની કથિત નિકટતાને લઈને ફરી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. મકતમપુરા વોર્ડમાં બનાવવામાં આવેલા નવા જિમ્નેશિયમ અને લાઇબ્રેરીનું સંચાલન AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ એજાઝ ખાન હમીદખાન પઠાણને સોંપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

AMCની કમિટીએ દરખાસ્તને મંજૂરી આપી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશનલ, કલ્ચરલ અને હેરિટેજ કમિટીની બેઠકમાં આ અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ બંને સુવિધાઓ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલ હેઠળ વાર્ષિક 6.01 લાખ રૂપિયાના ભાડે પાંચ વર્ષ માટે આપવામાં આવશે. પાંચ વર્ષ બાદ કામગીરીની સમીક્ષા કરીને વધુ ત્રણ વર્ષ માટે સમયગાળો લંબાવવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ કરશે સંચાલન, AMCએ દરખાસ્ત કરી મંજૂર

આ નિર્ણય એટલા માટે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે જિમ્નેશિયમ અને લાઇબ્રેરીના સંચાલન માટે પસંદ થયેલા એજાઝ ખાન હમીદખાન પઠાણ AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ છે. તેઓ અગાઉ મકતમપુરા વોર્ડમાંથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે. એક તરફ ભાજપ અને AIMIM જાહેરમાં એકબીજા સામે રાજકીય આક્ષેપો કરતી રહે છે, ત્યારે બીજી તરફ AMCની કમિટીમાં AIMIMના શહેર પ્રમુખને આ સુવિધાઓના સંચાલનની દરખાસ્ત મંજૂર થતાં સ્થાનિક રાજકારણમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.

એજાઝખાન એકમાત્ર ટેન્ડર ભરનાર બીડર ટેક્નિકલ રીતે ક્વોલિફાય થયો હતો- કમિટી ચેરમેન

આ સમગ્ર મામલે રિક્રિએશનલ, કલ્ચરલ અને હેરિટેજ કમિટીના ચેરમેને ટેન્ડર પ્રક્રિયાનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે કોઈ એજન્સી આગળ આવી ન હતી. ત્યારબાદ બીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં એકમાત્ર ટેન્ડર ભરનાર બીડર ટેક્નિકલ રીતે ક્વોલિફાય થયો હતો.

આ ટેન્ડર સાથે પાર્ટીના કોઈ લેવા દેવા નથી- AIMIM શહેર પ્રમુખ

બીજી તરફ, AIMIMના શહેર પ્રમુખ એજાઝ ખાન હમીદખાન પઠાણે પણ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે-'મેં જ્યારે ટેન્ડર ભર્યું હતું ત્યારે હું પક્ષના કોઈ હોદ્દા પર ન હતો. આ ટેન્ડરને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. અગાઉ હું જિમ ચલાવતો હતો અને તેના ટેક્સ પણ ભર્યા છે. કોરોનાના સમયમાં જિમ બંધ કરવું પડ્યું હતું. હાલમાં પણ હું જિમમાં પર્સનલ ટ્રેનર તરીકે લોકોને તાલીમ આપું છું.'

6થી 7 મહિનાની જિમ્નેશિયમ બનીને તૈયાર

મહત્ત્વનું છે કે, મકતમપુરા વોર્ડમાં જિમ્નેશિયમ અને લાઇબ્રેરીનું બાંધકામ અંદાજે 6થી 7 મહિના પહેલાં જ પૂર્ણ થઈ ગયું હતું. જો કે, પ્રથમ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ એજન્સી ન મળતાં આ સુવિધાઓ શરૂ કરવામાં વિલંબ થયો હતો. બીજી ટેન્ડર પ્રક્રિયામાં એકમાત્ર બીડર ટેક્નિકલ રીતે ક્વોલિફાય થતાં હવે આ બંને સુવિધાઓના સંચાલનનો માર્ગ મોકળો થયો છે.