અમદાવાદ: શાસ્ત્રી બ્રિજ પાસે 40 ફૂટ ઊંડી ગટરમાં ખાબકેલી દિવ્યાંગ બાળકીની 22 કલાકે પણ ભાળ નહીં! AMC-GPCB સામે આક્રોશ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરના નારોલ-પીરાણા રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની બેદરકારીનો વધુ એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. શનિવારે (10મી ઓક્ટોબર) સાંજે શાસ્ત્રી બ્રિજ નજીક માતા સાથે જઈ રહેલી 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી મનીષા સલાટ 20થી 40 ફૂટ ઊંડી ખુલ્લી ડ્રેનેજ ગટરમાં ખાબકી ગઈ હતી. ઘટનાના 22 કલાક જેટલો સમય વીતી જવા આવ્યો હોવા છતાં બાળકીના મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો નથી. છૂટક મજૂરી કરીને પેટિયું રળતા શ્રમિક પરિવાર પર આ ઘટનાથી આભ તૂટી પડ્યું છે.
રિક્ષામાંથી ઉતરતી વખતે સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, પીરાણા-પીપળજ રોડ પર મજૂરી કામ કરતા પરિવારની 9 વર્ષીય દિવ્યાંગ બાળકી મનીષા સલાટ શનિવારે સાંજે પોતાની માતા સાથે રિક્ષામાંથી ઉતરી રહી હતી. માતા રિક્ષાચાલકને ભાડું ચૂકવવામાં વ્યસ્ત હતી, આ દરમિયાન અચાનક બાળકીનો પગ લપસતાં તે રોડ કિનારે આવેલી 35થી 40 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં ખાબકી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ટીમો દ્વારા સાબરમતી નદીના તટ સુધી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ગટરમાં 15 ફૂટ જેટલાં વહેતા પાણીના પ્રવાહ અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટોના અભાવના કારણે બચાવ કામગીરીમાં ભારે વિઘ્નો સર્જાયા હતા. ઘટનાને પગલે મેયરે પણ સ્થળની મુલાકાત લીધી હતી.
કેમિકલ માફિયાઓનો ત્રાસ અને તંત્રની મિલીભગતનો આક્ષેપ
આ ઘટનામાં માત્ર AMC જ નહીં પરંતુ GPCBની પણ ગંભીર લાપરવાહી સામે આવી છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારની ખુલ્લી ડ્રેનેજ લાઈનોમાં કેમિકલ માફિયાઓ દ્વારા રાત્રિના સમયે ગેરકાયદે રીતે ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવે છે. કેમિકલના તીવ્ર પ્રવાહને કારણે ગટરમાં પડેલી બાળકી કેમિકલથી દાઝી ગઈ હોવાની અને વહી ગઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.
બે લોકોના મોત છતાં બોધપાઠ ન લીધો
અગાઉ પણ અમદાવાદના કુબેરનગર અને ઓઢવ વિસ્તારમાં ખુલ્લી ડ્રેનેજ ગટરોમાં પડી જવાથી 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આમ છતાં, તંત્ર દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવ્યો ન હતો અને પરિણામે વધુ એક નિર્દોષ માસૂમનો ભોગ લેવાયો છે. આટલી મોટી દુર્ઘટના સર્જાયા બાદ ઊંઘમાંથી જાગેલા AMC તંત્રે રાતોરાત પીરાણા-પીપળજ રોડ પરની તમામ ખુલ્લી ડ્રેનેજો પર નવા ઢાંકણાં લગાડી પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.




