અમદાવાદ: ઈ-ચલણથી બચવા વાહનચાલકોના ‘જોખમી જુગાડ’, નંબર પ્લેટ છુપાવવાનું દૂષણ વધ્યું, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Traffic Camera E-challan Evasion: અમદાવાદ શહેરમાં ઓનલાઈન ઈ-ચલણના દંડથી બચવા માટે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોએ નવી તરકીબો અપનાવી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સમાચાર ડિજિટલની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કરાયેલી તપાસ દરમિયાન વાહનચાલકો દ્વારા ટ્રાફિક કેમેરાથી બચવા માટે કરાતા વિવિધ પ્રયોગોના દ્રશ્યો જોવા મળ્યા હતા.
નંબર પ્લેટ વાળવી, ઢાંકવી કે એસીડ વોશની તરકીબ
તપાસ દરમિયાન રસ્તા પર દોડતા કેટલાક વાહનોમાં નંબર પ્લેટ વગરના, નંબર પ્લેટ તૂટેલી કે વાળી નાખેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા. કેટલાક વાહનોમાં નંબર પ્લેટના અક્ષરો ઢાંકવા સ્ટિકર કે ટેપ લગાવેલી, કલર કરેલો અથવા નંબર સ્પષ્ટ ન દેખાય તે રીતે જાણે એસીડ વોશ કરી હોય તેવી સફેદ પડી ગયેલી નંબર પ્લેટો પણ નજરે પડી હતી
ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ કે લાઈન બદલતી વખતે ઝડપથી નીકળવા જતાં, રોંગ સાઈડમાં કે શોર્ટકટ લેતી વખતે કેમેરામાં નંબર ન ઝડપાય અને ઈ-મેમો ન આવે તે માટે વાહનચાલકો આ પ્રકારની રીત અપનાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સુરક્ષા સામે જોખમ અને વાહનચોરીમાં મુશ્કેલી
શહેરના માર્ગો પર નંબર પ્લેટ વગર વાહન ચલાવવાની પ્રવૃત્તિ પણ ચિંતાનો વિષય બની છે. એવી પણ ચર્ચા છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે હેરફેર સાથે જોડાયેલા કેટલાક તત્વો પોલીસથી બચવા નંબર પ્લેટ વગર ફરતા હોય છે. આવા વાહનોથી કોઈ ગંભીર અકસ્માત સર્જાય ત્યારે આરોપીની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે.
બીજી તરફ, આ તરકીબ વાહનમાલિક માટે પણ જોખમી બની શકે છે. જો કોઈ વાહન ચોરાઈ જાય અને સીસીટીવી કે ટ્રાફિક કેમેરામાં કેદ થાય, પરંતુ નંબર સ્પષ્ટ ન હોય કે નંબર પ્લેટ ન હોય, તો વાહન ટ્રેક કરવું અને આરોપી સુધી પહોંચવું મુશ્કેલ બની શકે છે.
પોલીસની કામગીરી પર સવાલ
નિયમોના ભંગ છતાં આવા વાહનો રસ્તા પર દેખાતાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે માત્ર સામાન્ય ચેકિંગ સિવાય કડક અમલવારીના અભાવે આ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળી રહ્યું છે.
ટ્રાફિક વિભાગનો કડક કાર્યવાહીનો દાવો પણ, રસ્તા પર આવા વાહનો યથાવત
આ મુદ્દે અમદાવાદ ટ્રાફિક DCPએ જણાવ્યું હતું કે, દંડથી બચવા નંબર પ્લેટ વાળી દેવી કે ઢાંકી દેવી એ ગંભીર બાબત છે અને નાગરિકોની સિવિક સેન્સ સામે સવાલ ઊભા કરે છે, તેથી દરેકે નિયમોનું પાલન કરવું જોઈએ. અગાઉ સ્વેચ્છાએ નિયમો પાળવાની તક અપાઈ હતી, પરંતુ આવી ઘટનાઓ સામે આવતાં પોલીસ જરૂર પડ્યે કડક પગલાં લેશે અને ફિલ્ડ પર કડક કાર્યવાહીનો નિર્ણય ફિલ્ડ DCP લેશે. તેમણે દાવો કર્યો હતો કે સીસીટીવી ઈ-ચલાનની કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે અને ચેકિંગ દરમિયાન નિયમભંગ બદલ ડિટેન્શન તથા ગુનો દાખલ કરવાની કાર્યવાહી પણ કરાય છે. જોકે, તંત્રના દાવા વચ્ચે પણ રસ્તા પર આવા વાહનો દેખાતાં કડક અમલવારી અંગે સવાલ યથાવત છે.




