અમદાવાદમાં હવે મકાન તોડવાના નિયમો કડક! સેફ્ટી નેટ- કામદારોને હેલ્મેટ ફરજિયાત, 7 દિવસ અગાઉ AMCને કરવી પડશે જાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sustainable Demolition Policy 2026: અમદાવાદમાં જૂના મકાનો તોડવા અને રિડેવલપમેન્ટની કામગીરી દરમિયાન કામદારોની સુરક્ષા, આસપાસની મિલકતોનું રક્ષણ અને પર્યાવરણને થતા નુકસાનને ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026' સૂચિત કરવામાં આવી છે. આ પોલિસી હેઠળ મકાન તોડવાની કામગીરી શરૂ કરતાં ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં સંબંધિત ઝોનલ કચેરીના એસ્ટેટ અને નગર વિકાસ વિભાગને લેખિત જાણ કરવાની રહેશે. ડિમોલિશન સાઇટની આસપાસ બેરીકેડ, ગ્રીન નેટ અથવા વિન્ડશીલ્ડ લગાવવી પડશે. બહુમાળી ઇમારતના ઉપરના માળ તોડતી વખતે સેફ્ટી નેટ લગાવવી પડશે, જ્યારે કામદારોને હેલ્મેટ, સેફ્ટી શૂઝ, હાથમોજાં સહિતના સુરક્ષા સાધનો આપવા ફરજિયાત રહેશે. બુધવાર(4 નવેમ્બર)ના રોજ મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીમાં પોલિસીને મંજૂર કરવામાં આવી છે. હવે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં મંજૂર થયા પછી પોલિસી અમલમાં આવશે.
શહેરમાં જૂના મકાનો તોડીને નવા બાંધકામ, રિડેવલપમેન્ટ અને માળખાકીય સુવિધાઓના વિસ્તરણની કામગીરી વધી રહી છે. આવી કામગીરી દરમિયાન ઊડતી ધૂળ, એર પોલ્યુશન, કાટમાળના બેફામ નિકાલ અને કામદારોની સુરક્ષા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નવી નીતિ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડિમોલિશન પહેલાંની તૈયારીથી લઈને કામગીરી દરમિયાન સલામતી, હવા પ્રદૂષણ નિયંત્રણ, કાટમાળનું સંગ્રહ અને પરિવહન, સામગ્રીનું વર્ગીકરણ, પુનઃઉપયોગ અને દેખરેખ સુધીની જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.
રિડેવલપમેન્ટ માટે માલિક, કોન્ટ્રાક્ટર, સ્ટ્રક્ચરલ એન્જિનિયરની જવાબદારી નક્કી કરાઈ
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, જ્યાં રિડેવલોપમેન્ટ થતું હોય ત્યાં લોકોને સમસ્યા થતી હોય છે. તો તેના માટે કમિટીમાં પોલિસીને મંજૂર કરીએ છીએ અને આગળ મોકલીએ છીએ. રિડેવલપમેન્ટમાં માલિક, કોન્ટ્રાક્ટર, સ્ટ્રક્ચરલ એન્જિનિયરની જવાબદારી નક્કી કરવામાં આવી છે.
સાઇટના કદ અને ઊંચાઈ પ્રમાણે પાંચ કેટેગરી બનાવવામાં આવી
નવી સૂચિત પોલિસી હેઠળ બાંધકામના બિલ્ટ-અપ એરિયા અને ઇમારતની ઊંચાઈના આધારે ડિમોલિશન સાઇટને પાંચ કેટેગરીમાં વહેંચવામાં આવશે. નાના મકાનોથી લઈને મોટા અને ઊંચા બાંધકામ સુધીની કામગીરીના પ્રમાણ અને જોખમને ધ્યાનમાં રાખીને દરેક કેટેગરી માટે દસ્તાવેજો, ટેકનિકલ દેખરેખ, સલામતી વ્યવસ્થા અને પર્યાવરણીય ઉપાયો નક્કી કરવામાં આવ્યા છે. આ નીતિ હેઠળ મિલકતના માલિકો, ડેવલપર્સ, અરજદારો, કોન્ટ્રાક્ટરો, ડિમોલિશન એજન્સીઓ, કોર્પોરેશનમાં નોંધાયેલા એન્જિનિયરો, સ્ટ્રક્ચરલ એન્જિનિયરો, ક્લાર્ક ઓફ વર્ક્સ, કાટમાળના પરિવહનકારો અને અધિકૃત પ્રોસેસિંગ સુવિધાઓની જવાબદારીઓ પણ નિર્ધારિત કરવામાં આવી છે.
ડિમોલિશન શરૂ કરતાં 7 દિવસ પહેલાં લેખિત જાણ કરવી પડશે
પોલિસી હેઠળ લાગુ પડતી કેટેગરીમાં મકાન તોડવાની કામગીરી શરૂ કરતાં ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં કોર્પોરેશનની સંબંધિત ઝોનલ કચેરીના એસ્ટેટ અને નગર વિકાસ વિભાગને લેખિત જાણ કરવાની રહેશે. આ સાથે તોડવાના બાંધકામના ફોટોગ્રાફ્સ, ફ્લોર એરિયા, બાંધકામનો ઉપયોગ અને અન્ય સંબંધિત વિગતો રજૂ કરવી પડશે. સાઇટની કેટેગરી પ્રમાણે સ્ટ્રક્ચરલ એસેસમેન્ટ રિપોર્ટ, કાટમાળ વ્યવસ્થાપન યોજના તથા પર્યાવરણ અને સલામતી વ્યવસ્થાપન યોજના પણ રજૂ કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત પાણી, વીજળી અને ગેસ સહિતનાં સર્વિસ કનેક્શન અંગે ડિમોલિશન પહેલાં જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. કાટમાળ વ્યવસ્થાપન યોજનામાં કેટલો કચરો નીકળશે, તેનું વર્ગીકરણ, કામચલાઉ સંગ્રહ, પરિવહન, અધિકૃત પ્રોસેસિંગ અને પુનઃઉપયોગ કેવી રીતે થશે તેની વિગતો આપવી પડશે.
સેફ્ટી નેટ અને બેરીકેડ લગાવવાં પડશે, કામદારોને સુરક્ષા સાધનો આપવા પડશે
ડિમોલિશન સાઇટની ચારેય બાજુ પૂરતી ઊંચાઈના બેરીકેડ, તાડપત્રી અથવા વિન્ડશીલ્ડની વ્યવસ્થા કરવાની રહેશે. બહુમાળી ઇમારતના ઉપરના માળ તોડતી વખતે સેફ્ટી નેટ લગાવવી પડશે. કામદારોને હેલ્મેટ, સેફ્ટી શૂઝ, હાથમોજાં અને અન્ય જરૂરી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પૂરાં પાડવાનાં રહેશે. સાઇટ પર 'ડિમોલિશન કામગીરી ચાલુ છે', 'જોખમ' અને 'સાવધાન' જેવા ચેતવણી બોર્ડ જાહેર રસ્તા પરથી સ્પષ્ટ દેખાય તે રીતે મૂકવાના રહેશે. કામગીરી દરમિયાન જાહેર રસ્તા પર વાહનવ્યવહાર અને રાહદારીઓની અવરજવર અવરોધાય નહીં તેની તકેદારી રાખવાની રહેશે.
બેઝમેન્ટ અને પાયા તોડતી વખતે યોગ્ય ટેકનિક તથા શોરિંગ-શટરિંગની વ્યવસ્થા કરવી પડશે. ડ્રેનેજ અને અન્ય સર્વિસ લાઇનોને નુકસાન કે લીકેજ ન થાય તેમજ મશીનરીના કંપનથી આસપાસની મિલકતોને અસર ન થાય તેની પણ કાળજી રાખવાની રહેશે. ડિમોલિશન દિવસ દરમિયાન જ કરવાનું રહેશે અને રાત્રિના સમયે સાઇટ પર પૂરતી લાઇટિંગની વ્યવસ્થા રાખવી પડશે.
રજિસ્ટર્ડ એન્જિનિયર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરની દેખરેખમાં કામગીરી કરવાની રહેશે
લાગુ પડતી કેટેગરીની સાઇટ પર કોર્પોરેશનમાં નોંધાયેલા રજિસ્ટર્ડ એન્જિનિયર અથવા ક્લાર્ક ઓફ વર્ક્સ તથા સ્ટ્રક્ચરલ એન્જિનિયરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ડિમોલિશનની કામગીરી કરવાની જોગવાઈ સૂચવવામાં આવી છે. સૌથી ઊંચી કેટેગરીની સાઇટ માટે ઉચ્ચ કેટેગરીના સ્ટ્રક્ચરલ એન્જિનિયરની દેખરેખ જરૂરી રહેશે. મોટી સાઇટની નિર્ધારિત કેટેગરીમાં રજિસ્ટર્ડ એન્જિનિયર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા સ્થળ તપાસ, કામગીરી પહેલાં અને પછીના ફોટોગ્રાફ્સ તથા નિયમોના પાલનને લગતા રેકોર્ડ જાળવવાના રહેશે. પર્યાવરણ અને સલામતી વ્યવસ્થાપન યોજનામાં સંભવિત જોખમોની ઓળખ, પ્રાથમિક સારવાર, ઇમરજન્સી અને ટ્રાફિક વ્યવસ્થાપનનો સમાવેશ કરવાનો રહેશે.
ધૂળ નિયંત્રણ માટે વોટર ફોગિંગ અને ડસ્ટ મોનિટરિંગ લગાવવાના રહેશે
ડિમોલિશન દરમિયાન ધૂળનું પ્રદૂષણ ઘટાડવા માટે તમામ કેટેગરીની સાઇટ પર નિર્ધારિત ઊંચાઈના ડસ્ટ બેરીકેડ અથવા વિન્ડશીલ્ડ લગાવવાની રહેશે. સમગ્ર બાંધકામને ગ્રીન નેટ અથવા ધૂળ અવરોધક સામગ્રીથી ઢાંકવું પડશે. ડિમોલિશન પહેલાં અને પછી પાણીનો છંટકાવ કરવાની સાથે સાઇટની આસપાસના રસ્તાઓની સફાઈ પણ કરવી પડશે. કટિંગ, ગ્રાઇન્ડિંગ અને ડ્રિલિંગ જેવી કામગીરી યોગ્ય રીતે ઢાંકેલા અને હવાની અવરજવર ધરાવતા વિસ્તારમાં કરવાની રહેશે. મોટી સાઇટની નિર્ધારિત કેટેગરીમાં સતત વોટર ફોગિંગ અથવા મિસ્ટ સિસ્ટમ, ડસ્ટ કંટ્રોલ સિસ્ટમ સાથે મશીનરીનો ઉપયોગ અને સાઇટ પર ધૂળનું મોનિટરિંગ ફરજિયાત રાખવાની જોગવાઈ છે.
કાટમાળ 48 કલાકમાં હટાવવો પડશે, જોખમી કચરો અલગ રાખવો પડશે
ડિમોલિશન દરમિયાન નીકળતો કાટમાળ ઢાંકીને રાખવાનો અને 48 કલાકમાં તેનો નિકાલ કરવાનો રહેશે. કાટમાળનું પરિવહન ઢાંકેલાં વાહનોમાં જ કરવાનું રહેશે. C&D વેસ્ટ સીધો અધિકૃત પ્રોસેસિંગ સુવિધા સુધી પહોંચાડવો પડશે. તેના પરિવહનનો લોગ રાખવાની સાથે પ્રોસેસિંગ સુવિધામાં કચરો જમા કરાવ્યાની પહોંચ પણ સાચવવાની રહેશે. કાટમાળને સાઇટ પર જ અલગ-અલગ વર્ગમાં વહેંચવાની જોગવાઈ કરવામાં આવી છે. કોંક્રિટ, ઈંટો, બ્લોક, મોર્ટાર, લોખંડ અને ધાતુનો ભંગાર, લાકડું, દરવાજા-બારીઓ, ટાઇલ્સ, સિરામિક અને માટી જેવી સામગ્રીનું અલગ વર્ગીકરણ કરવાનું રહેશે. મોટી સાઇટ પર કાચ, પ્લાસ્ટિક, PVC પાઇપ અને ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ જેવી સામગ્રી પણ અલગ કરવાની રહેશે. એસ્બેસ્ટોસ, રસાયણનાં કન્ટેનર, પેઇન્ટ અને તેલ જેવા જોખમી કચરાને સામાન્ય કાટમાળથી અલગ રાખીને તેનું અલગથી હેન્ડલિંગ કરવાનું રહેશે.
નવા બાંધકામમાં 15 ટકા C&D વેસ્ટનો પુનઃઉપયોગ કરવાનું રહેશે
પોલિસીમાં ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રીના પુનઃઉપયોગ અને રિસાઇકલિંગને પ્રોત્સાહન આપવાની જોગવાઈ પણ છે. નીતિમાં નિર્ધારિત ઊંચી કેટેગરીમાં આવતા બાંધકામ અને પુનઃબાંધકામની કામગીરીમાં ઓછામાં ઓછા 15 ટકા C&D વેસ્ટ અથવા તેમાંથી તૈયાર થયેલાં ઉત્પાદનોનો ઉપયોગ કરવાનો રહેશે. જો કે, આ સામગ્રીના પુનઃઉપયોગથી બાંધકામની ગુણવત્તા અને સલામતીના માપદંડો પર પ્રતિકૂળ અસર ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.
નિયમોનો ભંગ થશે તો દંડ, કામ બંધ કરાવવાની કાર્યવાહી
પોલિસીની જોગવાઈઓનું પાલન નહીં થાય તો લાગુ પડતો દંડ કરવા, કામગીરી બંધ કરાવવા અને જીપીએમસી અધિનિયમ, 1949ની કલમ 248(2) હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈ સૂચવવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ વિભાગને જાણ કરવાની પણ જોગવાઈ છે. ડિમોલિશનના કારણે કોઈ વ્યક્તિ, મિલકત, બાંધકામ કે આસપાસના પરિસરને ઈજા, નુકસાન અથવા અકસ્માત થાય તો તેના માટે મિલકતના માલિક અને સંબંધિત જવાબદાર વ્યક્તિઓ જવાબદાર રહેશે.
કોર્પોરેશનની દબાણ હટાવવાની કામગીરીને છૂટ
આ સૂચિત પોલિસીમાં કોર્પોરેશનની કાયદા હેઠળની કામગીરીને મુક્તિ આપવામાં આવી છે. જીપીએમસી અધિનિયમ, ગુજરાત ટાઉન પ્લાનિંગ અધિનિયમ અથવા અન્ય લાગુ કાયદા હેઠળ કોર્પોરેશન દ્વારા એન્ફોર્સમેન્ટની કામગીરીના ભાગરૂપે કરવામાં આવતાં ડિમોલિશન અથવા દબાણ દૂર કરવાની કામગીરી આ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે નહીં.




