Ahmedabad

અમદાવાદ: સેટેલાઇટમાં દીકરીને મળવા અમેરિકા ગયેલા વૃદ્ધ દંપતીના બંધ મકાનમાં 16 લાખની ચોરી, ધાબાની ગ્રીલ તોડી અંદર ઘુસ્યા તસ્કરો

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં દીકરીઓને મળવા અમેરિકા ગયેલા વૃદ્ધ દંપતીના બંધ બંગલામાં ચોરીનો બનાવ બન્યો છે. અજાણ્યા તસ્કરો ધાબાની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસી 16.75 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થયા હતા. પાડોશીએ લટકતા દોરડાની જાણ કરતા ચોરીનો પર્દાફાશ થયો. પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સેટેલાઇટમાં દીકરીને મળવા અમેરિકા ગયેલા વૃદ્ધ દંપતીના બંધ મકાનમાં 16 લાખની ચોરી, ધાબાની ગ્રીલ તોડી અંદર ઘુસ્યા તસ્કરો

Ahmedabad Satellite House Theft: અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. દીકરીઓને મળવા અમેરિકા ગયેલા વૃદ્ધ દંપતીના બંધ બંગલાને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો ધાબાની ગ્રીલ તોડી અંદર ઘૂસ્યા હતા અને 16.75 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

પાડોશીએ ફોન કરી લટકતા દોરડા અંગે જાણ કરી

સેટેલાઇટના માણેકબાગ પાસે આવેલા શ્રેયસ ટેકરા સ્થિત 'ગોલ્ડન તુલીપ બંગ્લોઝ'માં રહેતા 62 વર્ષીય આશિક પટેલ પોતાની પત્ની સાથે નિવૃત્ત જીવન ગાળે છે. તે 18મી એપ્રિલ 2026ના રોજ અમેરિકા ખાતે રહેતી પોતાની દીકરીઓને મળવા માટે ગયા હતા અને તેમનો બંગલો બંધ હતો. આ દરમિયાન 19મી જુલાઈ 2026ના રોજ તેના પાડોશી આશિષે ફોન કરીને બંગલામાંથી એક દોરડું લટકી રહ્યું હોવાની જાણ કરી હતી. શંકા જતાં આશિકે તેના નાના ભાઈ પ્રતિમને તપાસ માટે મોકલ્યા હતા. ઘરના તાળાં તૂટેલાં અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતાં ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. વૃદ્ધ દંપતી અમેરિકાથી પરત આવ્યા બાદ આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

ધાબાની ગ્રીલ તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા

અજાણ્યા તસ્કરો 18 એપ્રિલ 2026થી 19 જુલાઈ 2026 સુધીના સમયગાળામાં ધાબા પરની ગ્રીલ તોડી નીચે ઉતરીને ઘરમાં ઘૂસ્યા હતા. ચોરોએ બેડરૂમમાં તિજોરી તોડીને સેફ લોકરમાંથી રોકડા 4,00,000 રૂપિયા અને બૅન્કના લોકરની ચાવી ચોરી લીધી હતી. આ ઉપરાંત આશરે 12 તોલા સોનું ચોર્યું હતું. જેમાં 5 તોલાની 4 બંગડી, 2 તોલાનો 1 નેકલેસ, 1 તોલાની 4 બુટ્ટીઓ, 1 તોલાનું 1 શ્રીયંત્ર પેન્ડલ, 2 તોલાની 2 રૂદ્રાક્ષની માળા અને 1 તોલાની 2 વીંટીઓ સામેલ છે. આ સાથે જ આશરે 500 ગ્રામ ચાંદીના સિક્કા પણ ચોરી ગયા હતા. આમ, ચોરોએ કૂલ 16,75,000 રૂપિયાની રોડકા અને સોના ચાંદીની વસ્તુની ચોરી કરી હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાવી છે.