અમદાવાદ: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી નિવૃત્ત બૅંક મેનેજર સાથે 37 લાખની છેતરપિંડી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદમાં શેરબજારમાં રોકાણ પર ઊંચા નફાની લાલચ આપીને 63 વર્ષીય નિવૃત્ત બૅંક મેનેજર હસમુખ પરમાર સાથે રૂ. 37.80 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે સતીષરસિક શાહ નામના શખસ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નિવૃત્ત બૅંક મેનેજર હસમુખ પરમારનો ડિસેમ્બર 2023માં તેમના એક પરિચિત મારફતે સતીષ શાહ સાથે સંપર્ક થયો હતો. સતીષ શાહે શેરબજારમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં ઊંચું વળતર મળવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં ફરિયાદીએ 1.55 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેની સામે તેમને 16 દિવસમાં નફા સાથે 1.75 લાખ રૂપિયા પરત મળ્યા હતા. આથી વિશ્વાસ બેસતાં, ફરિયાદીએ ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024 દરમિયાન ચેક, RTGS, NEFT અને UPI સહિતના વિવિધ માધ્યમોથી કટકે-કટકે કુલ 46.05 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
ત્યારબાદ આરોપી સતીષ શાહે ફરિયાદી અને તેમના પત્નીના ખાતામાં અલગ-અલગ સમયે માત્ર 8.25 લાખ રૂપિયા જ પરત કર્યા હતા. બાકીની રકમ અને નફો ચૂકવવા માટે આપેલા યુનિયન બૅંકના ચેક અપૂરતા બેલેન્સને કારણે રિટર્ન થયા હતા. જે પૈકી 10 લાખ રૂપિયાના ચેક રિટર્ન થવા અંગે ફરિયાદીએ અગાઉ કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. બાકી નીકળતી 37.80 લાખ રૂપિયાની રકમ પરત ન કરી અંગત ફાયદા માટે વાપરી નાખી છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




