અમદાવાદનું 'સ્માર્ટ' તંત્ર લાચાર, 11 દિવસ છતાં ગટરમાં પડેલી પ્રજ્ઞાચક્ષુ બાળકીની કોઈ ભાળ નહીં, નદીના ભાગમાંથી અંગના ટુકડા મળતાં FSL મોકલાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Piplej Open Drain Girl Missing: અમદાવાદના પીપળજ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી ગયેલી 10 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ બાળકીની 11 દિવસ બાદ પણ કોઈ ભાળ મળી નથી. એક તરફ અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની તૈયારી કરી રહ્યું છે અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. કોર્પોરેશનનું 18 હજાર કરોડથી વધુનું વાર્ષિક બજેટ છે. ત્યારે બીજી તરફ આધુનિક સાધનો અને મોટા બજેટના દાવા વચ્ચે ડ્રેનેજ લાઇનમાં ગુમ થયેલી બાળકીને શોધવામાં તંત્રને સફળતા મળી નથી. આ દરમિયાન મંગળવારે બપોરે નદીના ભાગમાંથી અંગના કેટલાક ટુકડા મળી આવતાં ચકચાર મચી છે. જોકે, આ ટુકડા ગુમ થયેલી બાળકીના છે કે કોઈ પ્રાણીના, તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી.
અંગના ટુકડા મળ્યા બાદ ફાયર વિભાગની ટીમે પોલીસને ઘટનાસ્થળે બોલાવી હતી. ત્યારબાદ ટુકડાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના અહેવાલ બાદ જ આ ટુકડાઓ અંગે સ્પષ્ટતા થઈ શકશે. હાલ બાળકીની શોધખોળ અને ટુકડાઓની ઓળખ અંગેની તપાસ મહત્ત્વની બની છે.
10 ઓક્ટોબરે માતા સાથે હતી ત્યારે ખુલ્લી ગટરમાં પડી
10 ઓક્ટોબરના રોજ બાળકી તેની માતા સાથે હતી. માતા રિક્ષાચાલકને ભાડું ચૂકવી રહી હતી ત્યારે બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. ત્યારથી ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ડ્રેનેજ લાઇનમાં શોધખોળ માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં હજુ સુધી બાળકીની કોઈ ભાળ મળી નથી.
કેમિકલયુક્ત પાણી અને કાદવથી ઓપરેશનમાં મુશ્કેલી
ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, ડ્રેનેજ લાઇનમાં સતત કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ ચાલુ રહે છે. આ ઉપરાંત લાઇનમાં મોટા પ્રમાણમાં કાદવ હોવાથી શોધખોળ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે 11 દિવસથી ચાલી રહેલા ઓપરેશનમાં હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી.
ડ્રેનેજ લાઇન ઢાંકી દેવાઈ, શોધખોળ સામે સવાલ
મહત્ત્વની વાત એ છે કે જે ડ્રેનેજ લાઇનમાં બાળકી પડી હતી, ત્યાં હવે માટી નાખીને ઢાંકણું બંધ કરી દેવામાં આવ્યું છે. આ પગલાં બાદ શોધખોળની ઝુંબેશ ધીમે-ધીમે બંધ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે, બાળકીની ભાળ મળી નથી અને નદીના ભાગમાંથી મળેલા માંસના ટુકડાઓની ઓળખ પણ બાકી છે.




