અમદાવાદ: વસ્ત્રાપુરમાં સેકન્ડ હેન્ડ થાર માટે સગા ભાણેજે જાહેરમાં મામાને જાહેરમાં ઢીબી નાખ્યા, બે ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં સેકન્ડ હેન્ડ થાર (Thar) ગાડીની ખરીદી અને તેની માલિકીના હકને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુરુકુળ રોડ પર આવેલી એક વડાપાઉંની દુકાન પાસે નાસ્તો કરવા ગયેલા વેપારી અને તેના મિત્ર પર સગા ભાણેજ સહિતના શખસોએ હુમલો કરી દીધો હતો. આ મારામારીમાં બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
થારની ચાવી અને માલિકી હકને લઈને થયો હતો વિવાદ
પ્રાપ્ત વિગતો અનુસાર, 21 ઑક્ટોબરના રોજ સાંજના સુમારે ગુરુકુળ રોડ પર આવેલી વડાપાઉંની દુકાન પાસે 23 વર્ષીય જીગર પુરોહિત પોતાની મંગેતર સાથે નાસ્તો કરી રહ્યા હતા, જ્યારે તેના મિત્ર જીનક શાહ થાર પાસે ઊભા હતા. આ દરમિયાન ત્યાં ચંદ્રપ્રકાશ સિંહ રાજપુરોહિત આવી પહોંચ્યો હતો અને થારની માલિકી બાબતે પ્રશ્નો ઉઠાવીને વિવાદ શરુ કર્યો હતો.
ફરિયાદ મુજબ, જીગર પુરોહિતે ગોતા વિસ્તારની એક ડીલરશીપમાંથી સેકન્ડ હેન્ડ થાર ગાડી ખરીદી હતી, જેમાં તેણે 1.45 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કર્યું હતું. આ રકમમાંથી જીગરે 95000 રૂપિયા ચૂકવ્યા હતા, જ્યારે તેમના ભત્રીજા/ભાણેજ ચંદ્રપ્રકાશ સિંહે 50,000 રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત જીગરે અંગત જરૂરિયાત માટે ચંદ્રપ્રકાશ પાસેથી 5 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, જેમાંથી 20,000 રૂપિયા પરત પણ કરી દીધા હતા. જીગરે ગાડી ઉપયોગ કરવા માટે ચંદ્રપ્રકાશને દોઢ મહિના સુધી છૂટ આપી હતી, પરંતુ બાદમાં ગાડી અને ચાવીને લઈને બંને વચ્ચે મનદુઃખ વધ્યું હતું.
ઉશ્કેરાયેલા શખ્સોએ લાકડીઓથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
જ્યારે જીગર પુરોહિતે વચ્ચે પડીને થાર ગાડી પોતાની હોવાનું જણાવ્યું, ત્યારે ચંદ્રપ્રકાશ સાથે બોલાચાલી ઉગ્ર બની ગઈ હતી. આ દરમિયાન ત્યાં નારાયણ સિંહ રાજપુરોહિત અને મિલન ફકીરચંદ શાહ નામના અન્ય બે શખસો પણ આવી પહોંચ્યા હતા.
આરોપ છે કે નારાયણ સિંહે જીગરના મિત્રના નાક પર મુક્કો મારી લોહીલાણ કરી નાખ્યો હતો, જ્યારે ચંદ્રપ્રકાશે જીગરને તમાચો માર્યો હતો. આટલું જ નહીં, મિલન શાહે બંને વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો. ત્રણેય હુમલાખોરોએ જાહેરમાં અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આસપાસના લોકોએ વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો હતો અને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ સમગ્ર માને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 22 ઑક્ટોબરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચંદ્રપ્રકાશ સિંહ રાજપુરોહિત, નારાયણ સિંહ રાજપુરોહિત અને મિલન ફકીરચંદ શાહ વિરુદ્ધ ગુનો નોંધીને ગાડીની લેવડદેવડ અને નાણાકીય વિવાદના આ પાસાઓ પર તપાસ શરૂ કરી છે.




