અમદાવાદ: કરિયાવરમાં 7 તોલા સોનું ઓછું પડતા પરિણીતા પર ત્રાસ, પતિ અને સાસુ-સસરા સામે નોંધાઈ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં પુનિતનગર ક્રોસિંગ પાસે રહેતા સાસરિયાઓ વિરુદ્ધ 29 વર્ષીય પરિણીતાએ દહેજ પેટે વધુ 8 તોલા સોનું લાવવા બાબતે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પરિણીતાના બીજા લગ્ન ડિસેમ્બર 2024માં થયા હતા, જેમાં પિયરપક્ષે યથાશક્તિ કરિયાવર આપ્યો હોવા છતાં સાસરિયાઓએ 'અમારા ઘરમાં 15 તોલા સોનાનો નિયમ છે અને તારા પિતાએ માત્ર 7 તોલા આપ્યું છે' કહી મેણાં-ટોણાં મારી મારઝૂડ કરી હતી. છેલ્લા એક વર્ષથી પિયરમાં રહેતી પરિણીતા સાથે સામાજિક સમાધાનના પ્રયાસો નિષ્ફળ રહેતાં અંતે ફરિયાદ નોંધાવી છે.
જાણો શું છે સમગ્ર મામલો
નિકોલમાં રહેતી 29 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2024મા ઘોડાસર ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના શરૂઆતના 20 દિવસ બાદ જ સાસુએ પિયર જવાની મનાઈ ફરમાવી ઘરકામ બાબતે ઝઘડા શરૂ કર્યા હતા. પતિ પણ માતાનું ઉપરાણું લઈને ત્રાસ આપતો હતો. એટલું જ નહીં, પતિની પ્રથમ પત્નીના જૂના કપડાં અને વસ્તુઓ વાપરવા દબાણ કરાતું હતું. એક વખત માથું દુખતાં બામ મંગાવવા જેવી સામાન્ય બાબતે પણ ઝઘડો કરી સાસુ-સસરાએ માર માર્યો હતો.
અન્ય એક ઘટનામાં ભૂલથી ભીના ચંપલ સાથે ઘરમાં પ્રવેશી જતાં સાસુએ તે જ ચંપલ વડે માર માર્યો હતો. આ બાબતે લગ્ન કરાવનાર મધ્યસ્થીને જાણ કરતાં સાસરીપક્ષે ઉશ્કેરાઈને પરિણીતાને ઢસડી સસરાના પગ પકડાવી માથું દબાવી માફી મંગાવી હતી. પરિણીતાને તાવ, શરદી અને ઉધરસ થતાં હોસ્પિટલ લઈ જવા વિનંતી કરી હતી, પરંતુ દિયર અને સાસુએ ‘કંઈ થયું નથી, કામ ન કરવું પડે એટલે નાટક કરે છે’ તેમ કહી પતિને ઉશ્કેર્યો હતો. જેથી પતિએ માર મારતાં પરિણીતા બેભાન થઈ ગઈ હતી, તેમ છતાં તેને દવાખાને ખસેડવામાં આવી નહોતી. પૂજા-અર્ચના બાબતે પણ મતભેદ ઊભા કરી ત્રાસ ગુજારાતો હતો. આખરે અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતા પિયર આવી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




