અમદાવાદ: CTM એક્સપ્રેસ-વે પાસે બે પિસ્તોલ સાથે મહારાષ્ટ્રનો શખસ ઝડપાયો, રૂ. 3 હજાર કમિશનમાં ભુજ ડિલિવરી આપવા આવ્યો હતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Arms Smuggling In Ahmedabad: અમદાવાદના રામોલ વિસ્તારમાં સીટીએમ એક્સપ્રેસ હાઇવે ટોલટેક્સ પાસેથી રામોલ પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ ખાતે રહેતા 28 વર્ષના યુવકને ગેરકાયદે હથિયારો સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ, બે જીવતા કારતૂસ મળી કુલ 61,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ હથિયાર માલેગાંવના ઉબેત અંસારીએ કચ્છ-ભુજના સાજીદ સતારભાઈ નોડેને પહોંચાડવા આપ્યા હોવાનું અને આરોપી માત્ર 3,000 રૂપિયા વેતન તથા ભાડા ખર્ચે ડિલિવરી આપવા આવ્યો હોવાનો ખુલાસો થયો છે.
ત્રણ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
રામોલ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, આ દરમિયાન બાતમી મળી હતી કે એક શખસ હથિયાર સાથે પસાર થઈ રહ્યો છે. પોલીસે સીટીએમ એક્સપ્રેસ હાઇવે ટોલટેક્સ પાસે પંચો સાથે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં પસાર થતા ઝાકીરબેગ મીરઝાને કોર્ડન કરી ઝડપી લીધો હતો. તેની ઝડતી લેતાં પાસ-પરમિટ વગરની બે પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે માત્ર કેરિયર તરીકે કામ કરતો હતો.
માલેગાંવના ઉબેત અંસારીએ તેને ભુજના સાજીદ નોડે સુધી આ હથિયારો પહોંચાડવા માટે મોકલ્યો હતો. જેના બદલામાં તેને 3,000 રૂપિયા કમિશન અને આવવા-જવાનો ખર્ચ આપવાનું નક્કી કરાયું હતું. આ મામલે રામોલ પોલીસે ઝડપાયેલા ઝાકીરબેગ તેમજ વોન્ટેડ ઉબેત અંસારી અને સાજીદ નોડે વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્યાર સુધી મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં ગેરકાયદે હથિયાર ઘૂસાડવાના કિસ્સા સામે આવતા રહ્યા છે, પરંતુ માલેગાંવ (નાસિક) કનેક્શન સામે આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. 3,000 જેવી નજીવી રકમ માટે યુવકો કેરિયર તરીકે હથિયારોની હેરફેરમાં જોતરાઈ રહ્યા છે.




