અમદાવાદ: પ્રહલાદનગરમાં બંધ મકાનના તાળાં તૂટ્યા, તસ્કરો ₹11.20 લાખની રોકડ-દાગીના ચોરી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Theft Case: અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા આનંદનગર ફ્લેટમાં રહેતો પરિવાર વતનમાં ધાર્મિક પ્રસંગમાં ગયો હતો, તે દરમિયાન બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો 8.50 લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીના મળી કુલ 11.20 લાખ રૂપિયાની મતા ચોરીને ફરાર થઈ ગયા છે. આ અંગે મકાન માલિકે પરત ફરીને જાણ કરતાં આનંદનગર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આનંદનગર ફ્લેટના મકાન નંબર 205 (બ્લોક-35)માં રહેતા ઘનશ્યામસિંહ દાયમા 24 ઓક્ટોબરના રોજ બપોરે પરિવાર સાથે વતન સિમેજ ખાતે માતાજીના પ્રસંગમાં ગયા હતા. 25મી ઓક્ટોબરના રોજ સાંજે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં મળ્યો હતો. ઘરમાં તપાસ કરતા સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો અને કબાટ ખુલ્લો હતો.
કબાટમાં તપાસ કરતા નવી ગાડી ખરીદવા માટે મકાન વેચાણ, ખેતી અને બચતના રાખેલા 8,50,000 રૂપિયા રોકડા, આશરે 3 તોલાની સોનાની લક્કી (કિંમત 2.50 લાખ રૂપિયા) તથા 20,000 રૂપિયાની કિંમતની સોનાની કાનની શેર ગાયબ હતી. આ ઉપરાંત તસ્કરો એક્સિસ બૅંકના લોકરની ચાવી પણ ચોરી ગયા હતા. આ મામલે ઘનશ્યામસિંહ દાયમાએ આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




