AMCનો અઘરો વહીવટ: કાંકરિયા ઝૂમાં ‘વિઝન ઓવર કાંકરિયા’ હેઠળ બર્ડ વોચિંગની તૈયારી, રજિસ્ટ્રેશન ફી પહેલાં બાયનોક્યુલરનું ભાડું નક્કી કરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kankaria Zoo Bird Watching Program: અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 'વિઝન ઓવર કાંકરિયા' હેઠળ બર્ડ વોચિંગ ઍન્ડ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે, આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો માટેની રજિસ્ટ્રેશન ફી હજી મંજૂર થઈ નથી, તે પહેલાં બર્ડ વોચિંગ માટે ઉપયોગમાં લેવાતા બાયનોક્યુલરનું ભાડું નક્કી કરી દેવામાં આવ્યું છે. શુક્રવારે(9 ઓક્ટોબર) મળેલી રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીમાં પ્રતિ બાયનોક્યુલર રૂપિયા 50 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. બીજી તરફ, સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને પ્રતિ વ્યક્તિ રૂપિયા 30 ફી વસૂલવાનો પ્રસ્તાવ છે, પરંતુ આ અંગે હજી મંજૂરી લેવામાં આવી નથી. આગામી કમિટીમાં રજિસ્ટ્રેશન ફીનો મુદ્દો રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
કાંકરિયા ઝૂમાં ‘વિઝન ઓવર કાંકરિયા’ હેઠળ બર્ડ વોચિંગની તૈયારી
અધિકારીના જણાવ્યા મુજબ, બર્ડ વોચિંગ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે તેવી યોજના છે. તેના માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 30 ચાર્જ રાખવાનો પ્રસ્તાવ છે. જોકે, આ ફી મંજૂર થઈ નથી. આગામી કમિટીમાં મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ, કાર્યક્રમ માટે બાયનોક્યુલરનું ભાડું નક્કી થઈ ગયું છે, પરંતુ તેમાં ભાગ લેવા માટેની રજિસ્ટ્રેશન ફીનો નિર્ણય હજી બાકી છે. બર્ડ વોચિંગ દરમિયાન બાયનોક્યુલરનો ઉપયોગ કરવો ફરજિયાત નહીં હોય. કોઈ વ્યક્તિ કે ગ્રૂપ બાયનોક્યુલર લેવા ઇચ્છે તો પ્રતિ બાયનોક્યુલર રૂપિયા 50 ભાડું ચૂકવીને લઈ શકશે. જે લોકો બાયનોક્યુલર લેવા ન ઇચ્છતા હોય તેમના પર તે લેવા માટે કોઈ દબાણ કરવામાં આવશે નહીં.
પક્ષીઓની ઓળખ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાશે
'વિઝન ઓવર કાંકરિયા' કાર્યક્રમનો હેતુ પ્રાણી સંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓ, ખાસ કરીને સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓને પક્ષીઓની ઓળખ, તેમનાં માળાં અને બચ્ચાં વિશે માહિતી આપવાનો છે. આ ઉપરાંત, વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાનું પણ આયોજન છે. કાંકરિયામાં દર વર્ષે 30 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે. તેમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. બર્ડ વોચર ગ્રૂપ સાથે અઠવાડિયામાં બે-ત્રણ વખત બર્ડ વોચિંગની પ્રવૃત્તિઓ યોજાઈ છે. જેમાં પક્ષીઓની ઓળખ, માળાં અને બચ્ચાંની સંખ્યા સહિતની બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી. હવે આ પ્રવૃત્તિને વધુ વ્યવસ્થિત શૈક્ષણિક કાર્યક્રમના સ્વરૂપમાં આગળ વધારવાની યોજના છે.
સાધનો પાછળ રૂપિયા 1 લાખનો ખર્ચ કરાશે
કાર્યક્રમ માટે બાયનોક્યુલર સહિતના સાધનો પાછળ અંદાજે રૂપિયા 1 લાખના ખર્ચ કરવામાં આવશે. કાર્યક્રમના અમલીકરણ માટે પ્રાણી સંગ્રહાલયના ઑફિસર અને તેમના હેઠળ કામ કરતા ઝૂ ગાઇડની મદદ લેવાનું આયોજન છે. તેમના માર્ગદર્શન હેઠળ પક્ષીઓની ઓળખ અને સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવશે. જો કે, કાર્યક્રમનો અમલ, રજિસ્ટ્રેશન ફી અને તેની અંતિમ વ્યવસ્થા સંબંધિત મંજૂરીઓ બાદ જ આગળ વધશે.




