આખરે AMCનો યુ-ટર્ન! કાંકરિયા તળાવમાં 15 વર્ષ સુધી ભાડામાં વધારો કર્યા વિના ટોય ટ્રેન ચલાવવાની વિવાદિત દરખાસ્તમાં ફેરફાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info
Ahmedabad Kankaria Lake Toy Train Contracts: અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે ચાલતી ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી 15 વર્ષ સુધી એક જ ભાડે એજન્સીને સોંપવાની વિવાદિત દરખાસ્તમાં આખરે ફેરફાર કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ખોડલ કોર્પોરેશન નામની એજન્સીને શરૂઆતમાં 10 વર્ષ અને ત્યારબાદ વધુ પાંચ વર્ષ માટે કામગીરી સોંપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તમાં વાર્ષિક 1.27 કરોડ રૂપિયા એટલે કે માસિક 10.59 લાખ રૂપિયાનું ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, આટલા લાંબા સમયગાળા દરમિયાન ભાડામાં વધારાની કોઈ જોગવાઈ વિના કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સામે સવાલો ઊભા થયા હતા. હવે સ્ટેન્ડિંગ કમિટીએ તેના પર બ્રેક લગાવી છે અને પાંચ વર્ષ માટે જ કામની સોંપણી કરાઈ છે.
દરખાસ્તમાં ભાડું એકસમાન રાખવામાં આવતા વિવાદ થયો હતો
સામાન્ય રીતે કોર્પોરેશન કોઈ પ્લોટ કે પાર્કિંગની જગ્યા ભાડે આપે ત્યારે દર વર્ષે ભાડામાં વધારો કરવાની જોગવાઈ રાખવામાં આવે છે. પરંતુ ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે 10 વર્ષના કોન્ટ્રાક્ટ બાદ વધુ પાંચ વર્ષ એક્સટેન્શન આપવાની દરખાસ્તમાં ભાડું એકસમાન રાખવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલી આ દરખાસ્તને રિક્રિએશન કમિટીએ એક મહિના બાદ મંજૂરી પણ આપી દીધી હતી.
જોકે, સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત રજૂ થતાં તેમાં સુધારો કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ 15 વર્ષના બદલે માત્ર પાંચ વર્ષ માટે જ એજન્સીને ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી સોંપવાની મંજૂરી આપી છે. પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ, એજન્સીને લાંબા સમય સુધી સીધું કામ સોંપવાની જોગવાઈને બદલે પાંચ વર્ષ બાદ નવેસરથી સ્પર્ધાત્મક પ્રક્રિયા હાથ ધરવાનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
8 કરોડની વિદેશી ટ્રેનને બદલે 3.59 કરોડમાં બે સ્વદેશી ટ્રેન
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે-
કાંકરિયા તળાવ ખાતે વર્ષ 2008માં શરૂ કરવામાં આવેલી ટોય ટ્રેન 'અટલ એક્સપ્રેસ' અમદાવાદવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. અગાઉની આ ટ્રેન અંદાજે 8 કરોડ રૂપિયાના ખર્ચે વિદેશથી આયાત કરવામાં આવી હતી. હવે આત્મનિર્ભર ભારતની દિશામાં કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત નવી ટોય ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ એક વિદેશી ટ્રેનની ખરીદી પાછળ અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જ્યારે નવી સ્વદેશી ટૅક્નોલૉજીથી નિર્મિત બે ટ્રેનોની ખરીદી માત્ર 3.59 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી છે. બંને નવી ટ્રેનોનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. હાલમાં પોલીસ વેરિફિકેશન સહિતની જરૂરી પ્રક્રિયા બાકી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવાળીના તહેવારો દરમિયાન નવી સ્વદેશી ટોય ટ્રેન અમદાવાદવાસીઓની સેવામાં મૂકવામાં આવશે.




