અમદાવાદ: અકસ્માત સર્જીને લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, કાલુપુર લૂંટ કેસમાં બે રીઢા ગુનેગારો ઝબ્બે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kalupur Robbery Case: અમદાવાદના કાલુપુરમાં ગઈકાલે રવિવારે વહેલી સવારે એક ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારીને 2,39,000 રૂપિયાની રોકડ રકમની લૂંટની ઘટના સામે આવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-3 પોલીસને સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ લૂંટ કરનાર બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓની પાસેથી લૂંટની રોકડ રકમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જાણી જોઈને ફરિયાદીના મોપેડ સાથે મોપેડ ટકરાવ્યું
ગત 9 ઓગસ્ટના રોજ સવારે 6:15 વાગ્યે કાલુપુર ઘી કાંટા ચાર રસ્તા, બુટગલી પાસે ફરિયાદી પોતાનું ટુ-વ્હીલર લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે આરોપીઓએ પોતાનું ટુ-વ્હીલર જાણી જોઈને ફરિયાદીના વાહન સાથે અથડાવીને તેમને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ ફરિયાદી પાસેથી રોકડ રકમ ભરેલી થેલી ઝૂંટવીને તેઓ ફરાર થઈ ગયા હતા.

કુલ 3,05,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર
ચોક્કસ બાતમીના આધારે LCB ઝોન-3 પોલીસે 10 ઓગસ્ટના રોજ આરોપી મોહમદ શાહરુખ ઉર્ફે કેલા અંસારી અને જાફર ઉસ્માનભાઈ શેખ (બંને રહે. રખિયાલ)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 2,39,000 રૂપિયા, બે મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ 3,05,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
બંને આરોપીઓ રીઢા ગુનેગાર
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. મુખ્ય આરોપી મોહમદ શાહરુખ ઉર્ફે કેલા અંસારી અગાઉ મણીનગર, ખોખરા અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બનીને ગુના આચરવાના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. આ ઉપરાંત તેની સામે ઓઢવ, અમરાઈવાડી અને ટ્રાફિક પોલીસ મથકોમાં પણ ચોરી તથા મારામારીના ગુના નોંધાયેલા છે. બીજા આરોપી જાફર શેખ સામે પણ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે બંને સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









